મૃત્યુ પામેલી મમ્મીના શરીર પર પ્લાસ્ટિક લપેટવાનું કામ દીકરાને સોંપ્યું

04 July, 2020 07:20 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

મૃત્યુ પામેલી મમ્મીના શરીર પર પ્લાસ્ટિક લપેટવાનું કામ દીકરાને સોંપ્યું

પલ્લવી ઉતેકર અને કુણાલ ઉતેકર

કોરોના ઇન્ફેક્શનની સારવાર માટે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરાયેલાં બોરીવલી નિવાસી કમલા ઉતેકર ગયા ગુરુવારે મૃત્યુ પામ્યાં હતાં. એ કિસ્સામાં નોંધપાત્ર બાબત એવી છે કે હૉસ્પિટલના સ્ટાફે એમના મૃતદેહને પ્લાસ્ટિક બૅગ લપેટવાનું કામ એમના દીકરાને સોંપી દીધું હતું. કુણાલ ઉતેકરે એ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલના સ્ટાફ મેમ્બરે મારી મમ્મીનો મૃતદેહ પ્લાસ્ટિક બૅગમાં લપેટવાનું કામ મને સોંપ્યું. મેં એમને કહ્યું કે હું એ કામ કરીશ, પરંતુ વૉર્ડમાં પ્રવેશ માટે મને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટ પહેરવા આપો. સ્ટાફરે મને પીપીઈ કિટ ન આપી. મારી મમ્મીનો મૃતદેહ મેળવવા માટે કોઈ પણ પ્રકારના રક્ષણ વગર અંદર જવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.’

૨૧ વર્ષના કુણાલે મમ્મીનો મૃતદેહ સ્ટ્રેચર પર બહાર લાવવામાં મદદ કરવા એના પિતરાઈ ભાઈને બોલાવ્યો હતો. કુણાલ અને એનો પિતરાઈ ભાઈ હૉસ્પિટલના બે કર્મચારીઓની મદદથી સ્ટ્રેચરને અૅમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. ૩૦ જૂને પચાસ વર્ષનાં કમલા ઉતેકરને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને એમના પંચાવન વર્ષનાં પતિ પાંડુરંગ ઉતેકરને બોરીવલીના આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. ઉતેકર પરિવાર જ્યાં રહે છે એ હાઉસિંગ સોસાયટીના સભ્યોએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના કાંદિવલીના નેતા દિનેશ સાળવીને એ ઘટનાની જાણ કરી હતી.

હૉસ્પિટલના વહીવટીતંત્રે ઘટનાનો દોષ કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓનો હોવાનું જણાવ્યું હતું. હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ નગરકરે સંબંધિત બે કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા ઉપરાંત ઘટનાની તપાસનો આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

coronavirus covid19 lockdown kandivli shatabdi hospital brihanmumbai municipal corporation sanjeev shivadekar