18 November, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની સિટી સિવિલ ઍન્ડ સેશન કોર્ટ બહાર કર્મચારીઓએ ગઈકાલથી બેમુદત હડતાળ શરૂ કરી હતી.
રાજ્યના અંદાજે ૩૪,૦૦૦ જેટલા કોર્ટ-કર્મચારીઓએ ગઈ કાલે તેમની હાઈ કોર્ટના સ્કેલ પ્રમાણે જ પગાર અને અન્ય સુવિધાઓ આપવામાં આવે એવી લાંબા સમયની માગણી અને અન્ય માગણીઓ સ્વીકારવામાં આવે એ માટે હડતાળ પાડી હતી. તેમણે કોર્ટના રેગ્યુલર કામ થંભાવી દીધાં હતાં. મુંબઈની સિટી સિવિલ ઍન્ડ સેશન કોર્ટ બહાર બેમુદત હડતાળ શરૂ કરી હતી.
કોર્ટ-કર્મચારીઓનું યુનિયન મુખ્ય ન્યાયદંડાધિકારી ન્યાયાલયીન કર્મચારી સંઘટના દ્વારા આ હડતાળની હાકલ કરી હતી. તેમનું કહેવું હતું કે તેમના દ્વારા કોર્ટમાં હાઈ કોર્ટની જેમ જ બધું કામ થતું હોય છે અને એ પ્રમાણે કામ કરતા જ હોઈએ છીએ તો હાઈ કોર્ટના કર્મચારીઓ અને તેમના પગારમાં ભેદભાવ શા માટે? છેલ્લા ૨૧ મહિનાથી બહુ જ સંયમ સાથે અનેક વાર ફૉલો-અપ કરી બધા જ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવા છતાં પ્રશાસન તેમની માગણીઓને ધ્યાન પર નથી લઈ રહ્યું અને કોઈ સકારાત્મક પગલાં નથી લેવાયાં. એથી નછૂટકે તેમણે આ હડતાળનો નિર્ણય લેવો પડ્યો છે. તેમણે આ સંદર્ભે વકીલો અને પક્ષકારોને કહ્યું છે કે તમને થતી અગવડ અમે જાણીએ છીએ, એ બદલ દિલગીર છીએ. અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ લડાઈમાં અમારો સાથ આપો.