બોની કપૂરનો ઈ-મેઇલ હૅક કરીને કપલે નવોદિત ઍક્ટર સાથે કરી રૂ. ૩.૫ લાખની છેતરપિંડી

06 April, 2015 03:52 AM IST  | 

બોની કપૂરનો ઈ-મેઇલ હૅક કરીને કપલે નવોદિત ઍક્ટર સાથે કરી રૂ. ૩.૫ લાખની છેતરપિંડી



પોલીસે જણાવ્યા મુજબ ‘કરણ બૉલીવુડમાં ફિલ્મમાં રોલ મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. કરણના કાકાને ડિસેમ્બર-૨૦૧૪માં અર્ચના પ્લેનમાં મળી હતી અને વાતચીત દરમ્યાન પોતે કરણને ફિલ્મમાં રોલ અપાવવામાં મદદ કરશે એવી બાંયધરી આપી હતી. ત્યાર બાદ અર્ચના કરણને મળી હતી. એક મહિના બાદ અર્ચનાએ પ્રોડ્યુસર-ઍક્ટર મોહિત રૈનાને તેની ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ માટે નવો ચહેરો જોઈએ છે એમ કરણને કહ્યું હતું. ત્યાર બાદ કૉન્ફરન્સ-કૉલ કરી કરણને મોહિત સાથે વાતચીત કરાવી હતી જેમાં મોહિતે કરણ પાસે આર્ટિસ્ટ કાર્ડ હોવું જરૂરી છે એમ જણાવી તેની પાસે ૩.૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ નાણાં મોહિતના મૅનેજર તરીકે ગૌરવ જોશીએ લીધા હતા.’

પૈસા લીધા બાદ તેમણે કરણના ફોન ટાળવા માંડ્યા હતા અને કરણને આગલી તારીખો માટે મેસેજ કરતા રહ્યા હતા જેમાં તેમણે પ્રોડ્યુસર બોની કપૂરના ઓરિજિનલ ઈ-મેઇલ આઇડીથી કરણને ઈ-મેઇલ પણ કરી હતી. ઘણા સમય સુધી મોહિત, ગૌરવ તથા અર્ચનાનો સંપર્ક ન થતાં કરણ બોની કપૂરની ઑફિસમાં ગયો હતો જ્યાં તેને જાણ થઈ હતી કે બોની કપૂર ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ નહીં પણ ‘નો એન્ટ્રી ૨’ બનાવી રહ્યા છે.

 પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં કરણે ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કર્યા બાદ અર્ચના અને ગૌરવની ધરપકડ કરી હતી. અર્ચના અને ગૌરવે બોની કપૂરનું ઈ-મેઇલ આઇડી પણ હૅક કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રોડ્યુસર બોની કપૂરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બૉલીવુડમાં પ્રવેશવા ઇચ્છતા યુવાનોએ સાવધ રહેવાની જરૂર છે. આ બનાવ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. જોકે આ ઘટના એટલી ગંભીર નથી, પરંતુ અન્ય ગંભીર કિસ્સાઓમાં આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. સદ્ભાગ્યે અમને આ કિસ્સાની જાણ થઈ હતી અને મેં મારું હૅક થયેલું ઈ-મેઇલ આઇડી કૅન્સલ કર્યું છે.’