Mumbai:કોર્પોરેટ અને શિવસેના નેતા યશવંત જાધવના ઘરે ITના દરોડા, જાણો વિગત

25 February, 2022 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવકવેરા વિભાગની ટીમે શુક્રવારે સવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવ(Yashwant Jadhav)ના મઝગાંવ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

NCP નેતા નવાબ મલિક (Nawab Malik)ની ધરપકડ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ શિવસેના પર મોરચો ખોલ્યો છે. આવકવેરા વિભાગની ટીમે શુક્રવારે સવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવ(Yashwant Jadhav)ના મઝગાંવ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. સીઆરપીએફના જવાનો સાથે આવકવેરા અધિકારીઓ આજે સવારે યશવંત જાધવના ઘરે પહોંચ્યા હતા. આ પછી આ અધિકારીઓએ ઘરે જ યશવંત જાધવની પૂછપરછ શરૂ કરી. હાલમાં તેના ઘરે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે યશવંત જાધવના ઘરે કયા કેસમાં તપાસ ચાલી રહી છે. યશવંત જાધવ છેલ્લા પાંચ વર્ષથી સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. ભાજપના નેતાઓ સતત તેમના પર બેનામી કંપનીઓ દ્વારા નાણાકીય ગેરરીતિનો આરોપ લગાવી રહ્યા છે. તેથી સંજય રાઉત બાદ શિવસેનાના વધુ એક નેતા કેન્દ્રીય તપાસ એજન્સીના રડાર પર આવ્યા છે. શિવસેના માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યશવંત જાધવની પત્ની યામિની જાધવે નવાબ મલિકના સમર્થનમાં મંત્રાલય પાસે મહાવિકાસ અઘાડીના આંદોલનમાં ભાગ લીધો હતો. યશવંત જાધવના ઘરે બીજા જ દિવસે દરોડાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં EDની ગતિવિધિઓ સતત ચાલી રહી છે. આમાં મહાવિકાસ આઘાડી સરકારના ઘણા મોટા નેતાઓ પણ EDના નિશાના પર છે. એ જ રીતે મહાવિકાસ આઘાડી સરકારમાં ત્રણેય પક્ષોના નેતાઓ પર પણ ED નજર રાખી રહી છે. તેમજ આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શિવસેનાના કોર્પોરેટર યશવંત જાધવના ઘરે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસ શિવસેના માટે મોટો ઝટકો હોવાનું કહેવાય છે.

mumbai news income tax department