કોવિડ પૉઝિટિવ મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો

12 November, 2020 01:44 PM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કોવિડ પૉઝિટિવ મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો

મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમ અને મહિલા પેશન્ટ.

કોરોનામાં અસંખ્ય લોકો કાળનો કોળિયો બની ગયા છે ત્યારે આ જીવલેણ બીમારીમાં સપડાયા બાદ પણ પોતાની સાથે નવજાત બાળક હેમખેમ બહાર આવવાની ઘટનાઓ સામે આવે છે. મીરા રોડમાં રહેતી ૩૫ વર્ષની હેતલ ગાંધી કોવિડ પૉઝિટિવ હોવા છતાં તેણે સાતમા મહિને પ્રીમૅચ્યોર ડિલિવરીમાં સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મીરા રોડમાં રહેતી ૩૫ વર્ષની ગુજરાતી મહિલા હેતલ ગાંધી પોતે કોવિડ પૉઝિટિવ હોવાની સાથે તેની સાતમા મહિને પ્રીમૅચ્યોર ડિલિવરી થઈ હતી. આ આશ્ચર્યચકિત બનાવમાં મહિલાએ ૨૧ દિવસ આઇસીયુમાં અને ૧૪ દિવસ વૅન્ટિલેટર પર સારવાર લઈને કોરોનાને માત આપીને ડિલિવરી કરી અને અંતે બન્ને હેમખેમ થઈ ડિસ્ચાર્જ મેળવ્યો છે. મહિલા સહિત તેમના પરિવારજનો બન્ને વ્યસ્થિત થતાં ખૂબ રાજી થઈ ગયા હતા.

મહિલા પેશન્ટને અનેક દિવસથી તાવ આ‍વવાની ફરિયાદ હતી. પાંચ દિવસ બાદ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. આથી પેશન્ટને પ્રાસવેટ પ્રેક્ટિશનર પાસે લઈ જવાઈ હતી. અહીં તેની કોવિડ ટેસ્ટ કરાતાં એ પૉઝિટિવ આવી હતી. તબિયતમાં સુધારો ન થતાં તેને મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મહિલાની તપાસ કરતાં તે એ-સિમ્પટોમેટિક હોવાનું જણાયું હતું.

હૉસ્પિટલના સલાહકાર અને હેડ ક્રિટિકલ કૅર મેડિસિન ડૉ. બિપિન જીભકટેના જણાવ્યા પ્રમાણે ‘પ્રેગ્નન્ટ પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાની સાથે શારીરિક જરૂરિયાતો સામાન્ય મહિલાઓ કરતાં જુદી હતી. પ્રેગ્નન્ટ મહિલાઓમાં ક્લોટિંગ થવાનું વલણ વધારે હોય છે, તેમનું એબ્ડોમિનલ પ્રેશર વધુ હોય છે, તેમનું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય છે અને ઊલટી કરવાનું પ્રમાણ વધુ હોય છે. આવી પરિસ્થિતિમાં ઑક્સિજન લેવલ જળવાતો નથી અને વિકલ્પો ખૂબ મર્યાદિત હોવાથી પેશન્ટને વૅન્ટિલેટર પર મૂકવા પડે છે. સદ્ભાગ્યે તેણે સારવાર સામે રિસ્પૉન્સ આપ્યો હતો.’

ઓબ્સ્ટેટ્રિશ્યન ડૉ. મંગલા પાટીલના જણાવ્યા પ્રમાણે ‘મહિલા આ બધી બીમારી અને આઇસીયુ જેવા તણાવને કારણે પેશન્ટ તેની પ્રેગ્નન્સીના સાત મહિનામાં હોવા છતાં તેને લેબર પૅઇન શરૂ થઈ ગયું હતું. એ બાદ મહિલાએ બેબી-બૉયને જન્મ આપ્યો હતો. બાળકનું વજન ફક્ત ૧૫૬૦ ગ્રામ જ હોવાથી બાળકને એનઆસસીયુમાં સિફ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા દિવસો પછી બાળકની સ્થિતિમાં સુધારો થયો અને આખરે તેને રજા આપવામાં આવી.’

mumbai news preeti khuman-thakur mira road coronavirus covid19