હોમ ક્વૉરન્ટીનના આદેશનું પાલન ન કરનારાઓ સામે કાયદેસર પગલાં લેવાશે

20 March, 2020 07:59 AM IST  |  Mumbai | Dharmendra Jore, Diwakar Sharma, Faizan Khan

હોમ ક્વૉરન્ટીનના આદેશનું પાલન ન કરનારાઓ સામે કાયદેસર પગલાં લેવાશે

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ. તસવીર : અનુરાગ અહિરે

ઘણા લોકો કોરોના વાઇરસમાં સંસર્ગ-નિષેધની સુવિધાઓથી દૂર ભાગી રહ્યા છે અને સમુદાયમાં ચેપ ફેલાવવાનું જોખમ વધારી રહ્યા છે એને પગલે ગૃહપ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસને આવી વ્યક્તિઓ વિરુદ્ધ એપિડેમિક ડિસીઝ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અધિનિયમમાં આઇપીસીની કલમ હેઠળ કોઈ વ્યક્તિને ગુનાપાત્ર ફોજદારી ગુનો આચરવા માટે જવાબદાર ઠેરવવાની જોગવાઈ છે.

દેશમુખે ગઈ કાલે ટ્વીટ કરી હતી કે ‘લોકો આઇસોલેશનથી દૂર ભાગી રહ્યા હોવાના વારંવારના બનાવોને પગલે ગૃહ મંત્રાલયે સ્વયં તથા અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનારા આરોપીઓ વિરુદ્ધ એપિડેમિક ડિસીઝ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને આદેશ આપ્યો છે.’

ઉલ્લેખનીય છે કે જેમને ઘરે અથવા તો સરકારી સુવિધાઓમાં ફરજિયાતપણે આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હોય તેવા લોકો, ખાસ કરીને પ્રવાસીઓ નાસી છૂટતા હોવાના બનાવો બન્યા છે. નાગપુર, પનવેલ, રાહુરી (અહમદનગર), પુણે અને મુંબઈના શકમંદ દરદીઓ મુક્તપણે ફરતા અને ટ્રેનમાં પ્રવાસ ખેડતા જોવા મળ્યા હતા. સ્ક્રીનિંગ કરનારા સત્તાધીશોએ આવા લોકોના ડાબા હાથ પર ઓળખ ચિહનનું સ્ટૅમ્પ મારવાનું શરૂ કર્યું છે જેથી તેમના સગડ મેળવી શકાય અને પોલીસને જાણ કરી શકાય.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં દેશમુખે જણાવ્યું હતું કે ‘એપિડેમિક ડિસીઝ ઍક્ટમાં અમલ અને કાર્યવાહી માટેની જોગવાઈઓ છે. જો લોકો કાયદાનો ભંગ કરશે, તો પોલીસ સુસંગત કલમો લાગુ કરશે.’

આ દરમિયાન આવા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર પોલીસના ઍડિશનલ ડિરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) રજનીશ સેઠે કોવિડ-૧૯ અંગે જાગૃતિ ફેલાવવા માટે અને કેટલાંક પ્રતિરોધક પગલાં અંગે ચર્ચા કરવા માટે કમિશનરેટ અને એસપી સાથે વિડિયો-કૉન્ફરન્સ યોજી હતી. તેમણે ધોરણોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કેવી રીતે એફઆઇઆર નોંધી શકાય એ વિશે પણ વાત કરી હતી.

શહેરમાં કોરોનાના ૯ દરદીઓ રાજ્યમાં આંક ૪૯ થયો

ગઈ કાલે વધુ એક દરદીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા વધીને ૪૯ થઈ છે. હેલ્થ-ડિપાર્ટમેન્ટે જણાવ્યા પ્રમાણે અહમદનગરનો એક નાગરિક દુબઈથી સ્વદેશ પાછો ફર્યો હતો જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે તેની પત્નીનો રિપોર્ટ નેગેટિવ છે.

આ પહેલાં મુંબઈની બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જેમાંની એક બ્રિટનથી અને બીજી એક દુબઈથી ભારત આવી હતી.

હેલ્થ-ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૧૧ અને મુંબઈમાં કોરોનાના ૯ દરદીઓ મ‍ળી આવ્યા છે. મુંબઈમાં બે દિવસમાં એક દરદીનું મોત નીપજ્યું છે. પુણેમાં આઠ, નાગપુરમાં ચાર, નવી મુંબઈ, કલ્યાણ અને યવતમાળમાં અનુક્રમે ત્રણ-ત્રણ તેમ જ રાયગડ, ઉલ્હાસનગર, થાણે, ઔરંગાબાદ અને રત્નાગિરિમાં એક-એક તથા અહમદનગરમાં બે કેસ કોરોનાના નોંધાયા છે. હાલની સ્થિતિમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૭૮ દરદીઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે ૯૭૧ લોકોના લૅબ-રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

brihanmumbai municipal corporation indian penal code coronavirus mumbai news dharmendra jore faizan khan diwakar sharma