મુંબઈ : કોરોનાગ્રસ્તને ઓળખવા સરકાર સિક્કો મારશે

17 March, 2020 07:33 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ : કોરોનાગ્રસ્તને ઓળખવા સરકાર સિક્કો મારશે

કોરોના વાઇરસને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગઈ કાલે દાદર સ્ટેશન પર માસ્ક પહેરીને જતા લોકો

કોવિડ-૧૯ સામેની લડતને સઘન બનાવવા માટે રાજ્ય સરકારે સોમવારે શહેરનાં ડિસ્કોથેક અને પબ્સ બંધ કરવાની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોમાં પણ શાળા-કૉલેજો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. સરકારે વહીવટી તંત્રનાં હેડક્વૉર્ટર્સ મંત્રાલય ખાતે મુલાકાતીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ ત્રણ મહિના પાછી ઠેલી છે તથા બોર્ડની પરીક્ષા ચાલુ રાખવાની અનુમતિ આપી છે. મુંબઈ તથા અન્ય સ્થળોએ જાહેર જગ્યાએ એકત્રિત થવા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને હૉસ્ટેલ ખાલી કરી દેવાનું અને ૩૧ માર્ચ પહેલાં પાછા ન ફરવાનું જણાવી દેવામાં આવ્યું છે, જ્યારે શિક્ષકોને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. ૨૬ માર્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

જાહેર આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે ઘરમાં સંસર્ગ નિષેધ કરી દેવાયેલા શકમંદોના ડાબા હાથ પર ઓળખચિહ્‍ન લગાવવામાં આવશે, જેથી જ્યારે તેઓ મુક્તપણે ફરતા હોય ત્યારે તેમને સહેલાઈથી ઓળખી શકાય. રાજ્યમાં સોમવારે દરદીઓની સંખ્યામાં વધારો થતાં જાહેર યાત્રા જેવી ધાર્મિક ઉજવણીઓ રદ કરવામાં આવી છે.

રાજ્યએ શહેરી વિસ્તારોમાં ઝૂ, મ્યુઝિયમ, થિયેટર્સ, મૉલ, જિમ, શાળાઓ તથા કૉલેજો અગાઉથી જ બંધ કરી દીધાં છે. જાહેર સેવાની પ્રવેશપરીક્ષાઓ પાછી ઠેલી હતી અને હેરિટેજ વૉક તથા મુંબઈ દર્શન જેવા પ્રવાસો ગયા મહિને થંભાવી દીધા હતા. માત્ર મહત્ત્વની ચીજવસ્તુઓ વેચતી દુકાનો અને દવાની દુકાનોને જ ચાલુ રાખવામાં આવી છે. રેસ્ટોરાં અને હોટેલ્સ બંધ નથી કરાઈ, પરંતુ લોકોને કોઈ પણ ભીડભાડ ધરાવતી જગ્યાએથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

કોરોનાની સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ધાર્મિક સંસ્થાનોના ટ્રસ્ટીઓને ભક્તજનોની મેદની એકઠી ન કરવાની અપીલ કરી છે તેમ જ જિલ્લા કલેક્ટરને પૂજા-પ્રાર્થનાનાં સ્થળોએ કોવિડ-૧૯ રોકવા માટે જાહેર કરાયેલા પ્રોટોકૉલનું પાલન થાય એની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય પ્રધાને જાહેર જનતાને કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિનો સામાજિક બહિષ્કાર ન કરતાં તેમને તબીબી તેમ જ માનસિક રીતે સહારો આપવાનું જણાવતાં કહ્યું હતું કે તેઓ ક્વૉરન્ટાઇન્ડ છે, ક્રિમિનલ્સ નથી. વળી તેમનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

mumbai mumbai news coronavirus dadar dharmendra jore