મુંબઈ: કોરોના સામે સાવચેતીમાં ફૂડ ડિલિવરી કંપનીઓ અગ્રેસર

12 March, 2020 07:37 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: કોરોના સામે સાવચેતીમાં ફૂડ ડિલિવરી કંપનીઓ અગ્રેસર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ મુંબઈમાં પહોંચ્યા પછી સરકારી એજન્સીઝ સુરક્ષાનાં પગલાં માટે વેગપૂર્વક સક્રિય બની છે, પરંતુ અન્ય વર્તુળોમાં વિશેષરૂપે સ્વિગી અને ઝોમૅટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ તેમના કર્મચારીઓ અને ગ્રાહકોની સલામતી માટે પગલાં લેવા માંડી છે. એ કંપનીઓ ગ્રાહકોને તેમના ડિલિવરી એક્ઝિક્યુટિવ્ઝનો સંપર્ક ટાળવા માટે આહારની વાનગીનું પાર્સલ ઘરની બહાર મૂકીને જવાનો વિકલ્પ આપે છે. ઝોમૅટો કંપનીએ કર્મચારીઓને કમ્પેન્સેશન માટે તેમના ઇન્શ્યૉરન્સ પાર્ટનરની જોડે ચર્ચાઓ શરૂ કરી છે.

ફૂડ ડિલિવરી કંપનીઓએ હાથ ધોવા અને આંખો-મોઢાને હાથ લગાડવાનું ટાળવા જેવી સ્વચ્છતાની સર્વસામાન્ય સૂચનાઓના પ્રસાર ઉપરાંત કોરોના વાઇરસની અસરનાં લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે પહોંચવાની સૂચના ડિલિવરી એક્ઝિક્યુટિવ્ઝને આપી છે. સ્વિગી કંપની તરફથી પણ ફ્રી મેડિકલ કન્સલ્ટેશનની સગવડ આપવામાં આવી છે. તેમને ચાલુ પગારે ૧૪ દિવસના સેલ્ફ ક્વૉરેન્ટાઇન (જાતે નિર્ણય લઈને એકાંતવાસી સારવાર)ની છૂટ આપવામાં આવી છે.

રેસ્ટોરાંઝને ખાદ્ય પદાર્થો તૈયાર કરતી વખતે કે પૅકેજિંગ વેળા સ્વચ્છતા અને સુઘડતામાં ત્રૂટિ ન રહે એની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જો ગ્રાહકે ઑનલાઇન પેમેન્ટ કર્યું હોય અને અસ્વસ્થતા અનુભવતા હોય એમાં ડિલિવરી-મૅનનો સંપર્ક ટાળવા ઇચ્છતા હોય તો પાર્સલ ઘરની બહાર મૂકી જવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

ઝોમૅટોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ડિલિવરી એક્ઝિક્યુટિવ્ઝ જે મોબાઇલ ઍપ્લીકેશનનો ઉપયોગ કરે છે એ ઍપ પર કોરોના વાઇરસના ચેપનાં લક્ષણોની માહિતી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ઝોમૅટોના કર્મચારીઓને લાઇફ ઇન્શ્યૉરન્સ (ઍકૉ) અને હેલ્થ ઇન્શ્યૉરન્સ (રેલિગૅર) આપવામાં આવ્યું છે. એમાં આરોગ્યના નાણાકીય સહાય માટે આવરી લેવામાં આવેલી બિમારીઓની યાદીમાં કોરોના વાઇરસનો ઉમેરો કરવામાં આવ્યો છે. એ સંજોગોમાં જો ડિલિવરી એક્ઝિક્યુટિવને કોરોનાના ચેપની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો સારવારના ખર્ચમાં અને એટલા દિવસનું વેતન ગુમાવે તો એમાં વીમા કંપની મદદ કરશે. કોરોનાના ચેપના ટેસ્ટનું રિઝલ્ટ પૉઝિટિવ હોય તો કેસ ટુ કેસ બેઝીસ પર કર્મચારીઓને કમ્પેન્સેશન આપવાની પણ વીમા કંપનીઓ જોડે ચર્ચા ચાલે છે.’

જસલોક હૉસ્પિટલમાં ચેપી રોગોની સારવારના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘ફૂડ ડિલિવરી કંપનીઓએ વ્યાપકરૂપે હાથ ધરેલાં પગલાં કોરોના વાઇરસના પ્રસાર અને પ્રભાવ ઘટાડવામાં અસરકારક નીવડે એવા છે. સપાટીઓનો સંપર્ક ઘટાડવાથી ચેપ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. હાથ, દરવાજાના હેન્ડલ્સ, લિફ્ટ હેન્ડલ્સ વગેરે પર આલ્કોહૉલ લગાડવા જેવી સાવચેતી પણ અસરકારક નીવડે છે.

arita sarkar mumbai news zomato coronavirus