કોરોના વાઈરસના ભયથી સર્જિકલ અને N95 માસ્કની માગણીમાં જોરદાર વધારો

07 March, 2020 07:48 AM IST  |  Mumbai | Faizan Khan, Vishal Singh, Anurag Kamble

કોરોના વાઈરસના ભયથી સર્જિકલ અને N95 માસ્કની માગણીમાં જોરદાર વધારો

માસ્ક

મુંબઈમાં કોરોના વાઇરસના રોગચાળાનો ભય ફેલાતાં કેટલાક દિવસોથી સર્જિકલ તથા N95 માસ્કની માગણી અનેકગણી વધી છે. ‘મિડ-ડે’ની ટેસ્ટ ડ્રાઇવમાં જાણવા મળ્યું હતું કે દવાઓની દુકાનોમાં મૂળ કિંમતથી ઘણી વધારે કિંમતે એ માસ્ક વેચવામાં આવે છે. મોંઘી કિંમત લેવા માટે કેટલાક કેમિસ્ટ્સ માસ્ક્સના નામે સર્જિકલ માસ્ક્સ વેચે છે. સામાન્ય રીતે ૧૨૦ રૂપિયાની કિંમતે વેચાતા ફેસ-માસ્ક હાલમાં દવાની દુકાનોમાં ૩૦૦થી ૫૦૦ રૂપિયામાં વેચાય છે.

દવા વેચતા કેટલાક દુકાનદારો ગ્રાહકોને સર્જિકલ માસ્ક પણ N95 માસ્ક જેટલા અસરકારક હોવાનું કહીને માલ ખપાવતા હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક કેમિસ્ટ્સ તો સાવ હલકી ગુણવત્તાના માસ્ક વેચતા હતા. ૧૦ રૂપિયાના માસ્ક ૪૦ રૂપિયામાં વેચાય છે. ઘણા કેમિસ્ટ્સનો માસ્કનો સ્ટૉક ખતમ થઈ ગયો છે. સૅનિટાઇઝર્સના ભાવ પણ ખૂબ વધી ગયા છે.

હવામાંથી શ્વાસમાં જતી રજકણોમાંથી ૯૫ ટકા ગાળી લેતા મનાતા N95 રેસ્પિરેટર માસ્કનું ઉત્પાદન ભારતમાં નહીંવત્ પ્રમાણમાં થાય છે. આખા શહેરમાં N95 રેસ્પિરેટર ફેસ-માસ્કની ડિમાન્ડ ધરખમ વધી છે. કોરોના વાઇરસનો ચેપ રોકવામાં એ ફેસ-માસ્ક ઘણો અસરકારક મનાય છે.

કેમિસ્ટની દુકાનોમાં ટેસ્ટ ડ્રાઇવના અનુભવો

હનીબેલ કેમિસ્ટ, લોહાર ચાલ, મરીન લાઇન્સ

૩૦૦ રૂપિયાની કિંમતે N95 માસ્ક વેચાય છે. ઊંચા ભાવ વિશે પૂછતાં જણાવવામાં આવ્યું હતું કે ‘હોલસેલર્સ અમને મોંઘા ભાવે વેચતા હોવાથી અમને પણ મોંઘા ભાવે વેચવાની ફરજ પડે છે. અમે ગ્રાહકોને એ જ કિંમતનાં ઓરિજિનલ બિલ્સ આપીએ છીએ.’
અમે ૩૦૦ રૂપિયા ચૂકવીને માસ્ક ખરીદ્યો. એના બિલ પર N95 માસ્ક (YN7012) લખ્યું હતું. પરંતુ માસ્ક પર FFP2 લખ્યું હતું.

મહાવીર મેડિકલ, અંધેરી (ઈસ્ટ)

દુદાનદારે કહ્યું કે N95 માસ્ક સ્ટૉકમાં નથી, પરંતુ એના જેવો FFP1 માસ્ક ફક્ત ૧૨૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. કેમિસ્ટે અમને હાથે લખેલું બિલ આપ્યું અને અમે ૧૨૦ રૂપિયા ચૂકવ્યા. એ બ્રૅન્ડના માસ્ક ઑનલાઇન ઑર્ડર આપતાં ૩૦ કે ૪૦ રૂપિયામાં ઉપલબ્ધ હોય છે.

સમર્થ મેડિકલ, ગોરેગામ (ઈસ્ટ)

અન્ય દુકાનોની માફક આ દુકાનમાં પણ N95 માસ્કને બદલે બીજા પ્રકારના માસ્ક ઉપલબ્ધ હતા. તેમણે N95 માસ્કને બદલે ૨૨૦ રૂપિયા, ૨૨૫ રૂપિયા અને ૬૦ રૂપિયાની કિંમતના અન્ય માસ્ક ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. કેમિસ્ટે સ્પષ્ટતા પણ કરી કે કોરોના વાઇરસ અલર્ટને કારણે ભાવ વધારે છે. અન્યથા એ માસ્ક ૬૦ કે ૭૦ રૂપિયામાં સહેલાઈથી મળતા હોવાનું પણ દુકાનદારે કહ્યું. અમે ૨૨૦ રૂપિયા ચૂકવીને FFP2 માસ્ક ખરીદ્યો. એની ઑનલાઇન પ્રાઇસ ફક્ત ૮૦ રૂપિયા છે.

મારુતિ કેમિસ્ટ ઍન્ડ જનરલ સ્ટોર, મુલંડ (ઈસ્ટ)

એક અઠવાડિયા પહેલાં માસ્કનો સ્ટૉક પૂરો થયો હોવાનું કબૂલતાં દુકાનના માલિકે જણાવ્યું કે ૯૦ રૂપિયાના સર્જિકલ માસ્ક સ્ટૉકમાં છે. N95 માસ્ક મળતા ન હોવાને કારણે લોકો સર્જિકલ માસ્ક ખરીદે છે. આખા મુલુંડની દવાઓની દુકાનોમાં N95 માસ્ક
મળતા નથી.

નોબલ કેમિસ્ટ, ઘાટકોપર (વેસ્ટ)

હિન્દુ મહાસભા નામની ચૅરિટેબલ હૉસ્પિટલની સામેની આ દવાઓની દુકાનના માલિકે કોઈ પણ પ્રકારના માસ્ક કે સૅનિટાઇઝર્સનો સ્ટૉક નહીં હોવાનું જણાવ્યું હતું. દુકાનદારે કહ્યું હતું કે ‘N95 માસ્ક ઘણા લોકોએ ખરીદ્યા છે. હવે બે-ત્રણ ગણી કિંમતે વેચાય છે. સામાન્ય રીતે N95 માસ્ક ૧૦૦થી ૧૫૦ રૂપિયામાં વેચાય છે, પરંતુ અમને જાણવા મળ્યું છે કે આજકાલ N95 માસ્ક ૨૫૦થી ૪૦૦ રૂપિયામાં વેચાય છે.

coronavirus kanjurmarg vikhroli goregaon fort mulund dadar andheri marine lines faizan khan vishal singh anurag kamble