મુંબઈ: પાવરબિલના નામે ઈ-મેઇલ આવે તો ખોલશો નહીં

01 July, 2020 09:43 AM IST  |  Mumbai | Shirish Vaktania

મુંબઈ: પાવરબિલના નામે ઈ-મેઇલ આવે તો ખોલશો નહીં

પ્રતીકાત્મક તસવીર

ઠગોએ કોવિડ-19ની મહામારીમાં વીજળીનાં બિલોને લગતી ઈ-મેઇલ્સ થકી લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. 31 વર્ષના વરલીના રહેવાસી અમિત પાવસકર આરે કેન્દ્ર ચલાવે છે અને તેઓ સાઇબરક્રાઇમ કન્સલ્ટન્ટ છે. સોમવારે તેમને એક લિન્ક થકી તેમનું વીજળીનું બિલ તપાસવા જણાવતી એક ઈ-મેઇલ મળ્યા પછી તેમણે સાઇબર પોલીસ અને વીજ વિભાગને ફરિયાદ કરી હતી.

કાંદિવલીના ગણેશ માપુસકર.

કાંદિવલીના રહેવાસી ગણેશ માપુસકરને પણ મંગળવારે આવી જ મેઇલ મળી હતી. ઈ-મેઇલનું લખાણ હતું - ‘તાજેતરની વૈશ્વિક કટોકટીમાં ભારતના વીજ વિભાગે માર્ચ મહિનાનું મીટર-રીડિંગ હાથ ધર્યું નથી. વળી એપ્રિલમાં મીટર-રીડિંગ યોગ્ય થયું હતું કે નહીં એ પણ ચોક્કસ નથી. તમારે તમારું વર્તમાન બિલ તપાસવું પડશે. આ લિન્ક પર ક્લિક કરો.’

વરલીના અમિત પાવસકર અને મળેલી ઈ-મેઇલ.

પાવસકરે જણાવ્યું હતું કે ‘મને સોમવારે સાંજે આ મેઇલ perkyfish.com વેબસાઇટ પરથી મળી. મેં બિલ અગાઉ ચૂકવી દીધેલું હતું. જ્યારે મેં લિન્ક ખોલી ત્યારે મને મારો કન્ઝ્યુમર-નંબર પૂછવામાં આવ્યો અને પછી ચુકવણીના વિકલ્પો માટે બીજી લિન્ક આવી. મેં સેન્ડર વેબસાઇટ જોઈ અને સમજાયું કે આ મેઇલ છેતરપિંડી આચરનારાઓએ મોકલી હતી. મેં તરત મારું ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખ્યું અને સાઇબર વિભાગને જાણ કરી.’

સાઇબર લૉના નિષ્ણાત ઍડ્વોકેટ પ્રશાંત ઝાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ મેઇલ્સને અનસૉલિસિટેડ ઈ-મેઇલ્સ અથવા સ્પૅમ કહે છે. પર્કિફિશ ડૉટકૉમ ફિશિંગ વેબસાઇટ છે જે નિર્દોષ લોકોને છેતરે છે. તેઓ લિન્ક થકી તમને નકલી વેબસાઇટ પર લઈ જાય છે જ્યાં તેઓ ડેબિટ કાર્ડ નંબર, ઓટીપી અને અન્ય વિગતો માગે છે. જો તમને આવી ઈ-મેઇલ મળે તો ખોલશો નહીં. કોવિડ દરમિયાન મીટર-રીડિંગ હાથ ધરવામાં આવ્યું ન હોવાથી છેતરપિંડી કરનારા લોકો એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.’

coronavirus covid19 lockdown brihanmumbai electricity supply and transport kandivli worli shirish vaktania