ડબલડેકર બસો પાછી લાવો : મુસાફરોની માગણી

11 July, 2020 11:44 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ડબલડેકર બસો પાછી લાવો : મુસાફરોની માગણી

બેસ્ટના કાફલામાં હવે માત્ર ૧૦૦ જ ડબલડેકર બસો છે

ડબલડેકર બસો ક્યાં છે? મુસાફરો, ચાહકો અને પરિવહન નિષ્ણાતોએ બેસ્ટ અન્ડરટેકિંગને આગવી ઓળખ ધરાવતી ડબલડેકર બસોને શક્ય હોય ત્યાં સેવામાં કાર્યરત કરવા જણાવ્યું છે, કારણ કે આ બસો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવામાં અને ભીડને સમાવવામાં મદદરૂપ નીવડી શકે છે.

આરટીઓનાં ધોરણો મુજબ સિંગલ ડેકર બસની સત્તાવાર પરવાનગી પ્રાપ્ત વહનક્ષમતા ૫૧ મુસાફરોની છે ત્યારે ડબલડેકર બસો ૮૮ મુસાફરોનું વહન કરી શકે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના આ સમયમાં બસોની મુસાફરોનું વહન કરવાની ક્ષમતા અડધી થઈ ગઈ છે તો પણ ડબલડેકર્સ સરેરાશ સિંગલ ડેકર બસના સરેરાશ પૅસેન્જરો કરતાં વધુ લોકોનું વહન કરી શકે છે. ૮૩ વર્ષ અગાઉ ૧૯૩૭માં કાર્યરત થયેલી બેસ્ટ આજની તારીખે એના કુલ ૩૫૦૦ બસોના કાફલામાં ૧૦૦ કરતાં વધુ ડબલડેકર્સ ધરાવે છે.

શુક્રવારે ‘મિડ-ડે’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલ મુજબ બસ-પ્રવાસીઓનો રોજિંદો સરેરાશ આંકડો આ અઠવાડિયે દસ લાખ પર પહોંચ્યો છે અને આ મામલે બસોએ શહેરની જીવાદોરી ગણાતી સબર્બન રેલવેને પણ પાછળ છોડી દીધી છે. ટ્રેનો રોજ માત્ર બેથી અઢી લાખ પૅસેન્જરોનું વહન કરી રહી છે. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે નિયત મર્યાદામાં સંયુક્તપણે ૭૦૦ ટ્રિપ કરે છે. બેસ્ટએ પાસના વેચાણ અને રિન્યુઅલ માટે કાઉન્ટરો ખોલતાં પૅસેન્જરોની સંખ્યા મહિનાના અંત સુધીમાં ૧૫ લાખ પર પહોંચવાની શક્યતા છે.

બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘લોકડાઉનનાં નિયંત્રણો ઉઠાવી લેવાયાં છે ત્યારે શુક્રવાર સુધીમાં અમે છ બસડેપો ખાતે ડબલડેકર બસોને સેવામાં તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ વધુ ડબલડેકર બસો ઉમેરાશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown