મુંબઈ : લગ્નસમારોહમાં પોલીસ માટે વિડિયો લેવો પડશે

25 February, 2021 07:30 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ : લગ્નસમારોહમાં પોલીસ માટે વિડિયો લેવો પડશે

લગ્નસમારોહ

લગ્નસમારોહમાં ભીડ થવાથી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાથી કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું હોવાનું બહાર આવ્યું છે એટલે બીએમસીએ લગ્નસમારોહ પર ચાંપતી નજર રાખી છે. બીજી બાજુ થાણેમાં પણ કોરોનાના પેશન્ટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી થાણે મહાનગરપાલિકા દ્વારા પણ અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. એમાં કોરોનાના નિયમોનું પાલન ન કરનાર કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરીને એને તાળાં મારવા સુધીનો આદેશ અપાયો છે. એવામાં થાણેના પોલીસ-કમિશનરે મહાપાલિકાને લગ્નસમારોહ વખતનો લગ્નનો વિડિયો ફરજિયાત પોલીસને મોકલવાની વાત કરતો વિનંતીપત્ર ગઈ કાલે લખીને મોકલ્યો છે. એથી હવે લગ્ન વખતે તમારા માટે અને એ સાથે પોલીસ માટે પણ તમારે વિડિયો લેવો પડશે.

થાણે ક્રાઇમના ડીસીપી લક્ષ્મીકાંત પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહાપાલિકા અંતર્ગત આવતાં મંગલ કાર્યાલય, બૅન્ક્વેટ હૉલ, ઑડિટોરિયમ વગેરે જગ્યાએ વિવિધ કાર્યક્રમોમાં અને ખાસ કરીને લગ્નસમારોહમાં ભીડ થતી હોય છે. લોકો છૂપી રીતે પણ કોરોનાના નિયમોનો ભંગ કરતા હોય છે. એના પરિણામે કોરોનાનો ગ્રાફ ઉપર જાય છે. માસ્ક અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો, લગ્નમાં પચાસ લોકોની જ હાજરી હોવી જોઈએ આ બધા નિયમોનું પાલન થયું છે કે નહીં એ જોવા માટે લગ્નસમારોહ વખતનો વિડિયો લેવો ફરજિયાત કરવામાં આવ્યું છે. બૅન્ક્વેટ હૉલ, મંગલ કાર્યાલય કે કોઈ પણ સ્થળે લગ્ન યોજાય તો એનો વિડિયો લઈને હૉલના માલિકે પોતાની પાસે રાખવો પડશે અને પોલીસ માગે ત્યારે આપવાનો રહેશે, જેથી કાયદાનું ઉલ્લંઘન તો કરાયું નથીને અને પચાસ લોકો જ ઉપસ્થિત રહ્યા છે એનું વેરિફિકેશન કરી શકાશે. ભવિષ્યમાં કોવિડ સંદર્ભે કોઈ સમસ્યા આવી તો એ ક્લિપ જોઈને પગલાં લઈ શકાશે. આ સંદર્ભેનો એક વિનંતીપત્ર ગઈ કાલે પોલીસ-કમિશનરના કાર્યાલય દ્વારા થાણે મહાપાલિકાને આપવામાં આવ્યો છે. એથી આ રીતે પણ પોલીસ લગ્નસમારોહ પર નજર રાખી શકાશે.’

નાગરિકોમાં જાગરૂકતા ફેલાવામાં આવી રહી છે

કોરોનાની સંખ્યામાં વધારો થતાં પ્રશાસન દ્વારા નગરસેવકો સાથે પણ સંવાદ સાધવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્રશાસનના અધિકારીઓ હાઉસિંગ સોસાયટીની મુલાકાત લઈને લોકોને કોરોનાના નિયમો પાળવા સમજાવી રહ્યા છે.

માસ્ક, સૅનિટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા થાણેના બે ઑર્કેસ્ટા બાર સહિત પાંચ બાર ઍન્ડ રેસ્ટોરાંને સીલ કરવાની કાર્યવાહી થાણે મહાનગરપાલિકાએ કરી છે. મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિપિન શર્માએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ સંસ્થાનો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે તેમ જ નિયમોનું પાલન ન કરનાર કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરીને તાળાં લગાડવા સુધીનો આદેશ આપ્યો છે.

થાણે મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિપિન શર્માને ‘મિડ-ડે’એ ફોન કરતાં તેઓ વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news preeti khuman-thakur coronavirus covid19 lockdown mumbai police