કોરોના વાઇરસ: જપાનના ક્રૂઝમાંથી બહાર આવવા અઠવાડિયું રાહ જોવી પડશે

16 February, 2020 08:11 AM IST  |  Mumbai

કોરોના વાઇરસ: જપાનના ક્રૂઝમાંથી બહાર આવવા અઠવાડિયું રાહ જોવી પડશે

સોનાલી ઠક્કર

કોરોના વાઇરસને કારણે જપાનમાં પ્રિન્સેસ ક્રૂઝમાં અટવાયેલી મીરા રોડની ગુજરાતી યુવતી સોનાલી ઠક્કર સહિતના લોકો હજી એક અઠવાડિયું શીપમાંથી બહાર નહીં આવી શકે. ક્રૂઝ પરના લોકોની મેડિકલ ટેસ્ટ કરાઈ છે. બાકીના લોકોની ટેસ્ટ ૧૮ ફેબ્રુઆરીએ કરાશે. ત્રણ દિવસ બાદ જેમને ચેપ નહીં લાગ્યો હોય તેઓને ૨૧ ફેબ્રુઆરીથી ક્રૂઝ પરથી બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ કરવા બાબતનો પત્ર ક્રૂઝ કંપનીના પ્રેસિડન્ટે મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોરાના વાઇરસના ઇન્ફેક્શન ધરાવતા લોકો પ્રિન્સેસ ક્રૂઝ પર હોવાનું જણાયા બાદ ૩ ફેબ્રુઆરીથી આ ક્રૂઝને જપાનના એક બંદર પર એકાંત સ્થળે રોકી દેવાઈ છે. અહીં દરરોજ ડૉક્ટરો દ્વારા ક્રૂઝ પર હાજર ચારેક હજાર લોકોના ટેસ્ટ ચાલી રહ્યા છે. કોરોના વાઇરસ ચેપી હોવાથી તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે એટલે સોનાલી ઠક્કરે જેમને ચેપ ન લાગ્યો હોય એવા લોકોને બહાર કાઢવાની અપીલ કરતો વિડિયો બનાવીને મોકલ્યો હતો.

સોનાલીએ ‘મિડ-ડે’ને સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલેલા પ્રિન્સેસ ક્રૂઝના પ્રેસિડન્ટ જેન સ્વાર્ત્ઝે ક્રૂઝ મેમ્બરોને સંબોધીને લખેલો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં પ્રેસિડન્ટે લખ્યું છે કે જપાન સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય સાથે તેઓ સંપર્કમાં છે. જપાન સરકારે ૧૮ ફેબ્રુઆરીથી ક્રૂઝ પરના તમામ લોકોનો રિપોર્ટ કરવાની શરૂઆત કરવાની અને ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવ્યા પછી પહેલા ટૂરિસ્ટોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે. જેમને વાઇરસનો ચેપ લાગ્યો હશે તેમને શીપમાં જ એકાંત સ્થળે રાખીને ટ્રીટમેન્ટ અપાશે.

પત્રમાં પ્રેસિડન્ટે એમ પણ લખ્યું છે કે તમામ ગેસ્ટ ક્રૂઝ પરથી નીકળી ગયા બાદ ક્રૂ મેમ્બરોને બહાર જવા દેવાશે. અત્યારના સમયે બધાએ હિંમત રાખવાની જરૂર છે. ક્રૂઝ પરથી બહાર નીકળ્યા બાદ તમામ ક્રૂ મેમ્બરોને બે મહિનાની પેડ સૅલરી અપાશે.

mira road mumbai mumbai news coronavirus japan