કોરોનાની સરકારી ટેસ્ટ પૉઝિટિવ તો પ્રાઇવેટ લૅબની ટેસ્ટ નેગેટિવ આવી

22 July, 2020 07:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાની સરકારી ટેસ્ટ પૉઝિટિવ તો પ્રાઇવેટ લૅબની ટેસ્ટ નેગેટિવ આવી

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણ (ઈસ્ટ)માં રહેતા ૨૫ વર્ષના વિવેક કાંબળે હાલ ઘરમાં જ હોમ ક્વૉરન્ટીન થયો છે, પણ તેણે કરાવેલી કોરોનાની બે ટેસ્ટના બે અલગ-અલગ રિઝલ્ટનો મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. સાચું કોણ એવો સવાલ કલ્યાણ-ડોમ્બ‌િવલીના લોકો કરી રહ્યા છે.

વિવેક કાંબળેને કળતર થતું હોવાથી શનિવારે તેણે તેના ઘર નજીકના કોળશેવાડીના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈ કોરોના ટેસ્ટ કરાવી હતી. એ વખતે તેની ઍન્ટિજન ટેસ્ટ કરાઈ હતી જેનો રિપોર્ટ અડધો કલાકમાં આવી જાય છે. તેને ત્યાર બાદ કેડીએમસીમાંથી ફોન આવ્યો હતો કે તમારી કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, તમારે ઍડ્મિટ થવું પડશે. જોકે વિવેકે કહ્યું કે હું હાલ હોમ ક્વૉરન્ટીન થઈ જાઉં છું. ત્યાર બાદ તેણે સેકન્ડ ઓપિનયન લેવાનું વિચારી એ જ દિવસે મેટ્રોપોલ‌િસ લૅબમાં ટેસ્ટ કરાવી જે સ્વૉબ ટેસ્ટ હ‌તી. એનું રિઝલ્ટ ૨૦મીએ આવ્યું હતું, જે નેગેટિવ હતું. આવી પરિસ્થિતિમાં કયો રિપોર્ટ સાચો? વિવિક કાંબળોનો આ કિસ્સો કલ્યાણના ઍક્ટિવિસ્ટ અનિલ કાકડેએ વાઇરલ કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો. અનિલ કાકડેનું કહેવું હતું કે જો કેડીએમસીના નાગરિક આરોગ્ય કેન્દ્રનો રિપોર્ટ સાચો માનીએ તો તેણે ઍડ્મિટ થવું પડે. પણ સરકારી હૉસ્પિટલોમાં જગ્યા ન હોવાથી પ્રાઇવેટ હૉસ્પિટલ રેકમન્ડ કરવામાં આવે છે અને પ્રાઇવેટ હૉસ્પિટલના ચીરફાડ બિલની ચર્ચા તો બધે જ છે. તો કરવું શું? શું આ એક ષડયંત્ર છે?

કોરોનાની ટેસ્ટના અલગ-અલગ રિઝલ્ટ બાબતે કેડીએમસીના મેડિકલ ઑફિસર ડૉક્ટર અજય સોનાવણે સાથે ‘મિડ-ડે’એ વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેટ્રોપોલ‌િસની ટેસ્ટ વધારે ઑથેન્ટિક ગણાય, કારણ કે એ સ્વૉબ ટેસ્ટ હોય છે; જ્યારે ઍન્ટિજન ટેસ્ટમાં લોહી ટેસ્ટ કરવામાં આવતું હોય છે જે એ ટેસ્ટ કરતી વખતે લોહીમાં વાઇરસનું પ્રમાણ કેટલું છે એ બતાવે. વાઇરસના પ્રમાણમાં વધધટ થતી રહેતી હોય છે. જો ટેસ્ટ-રિઝલ્ટ પૉઝિટિવ આવ્યું હોય તો અમે પેશન્ટને પહેલાં તાતા આમંત્રા હોસ્પિટલમાં કે પછી બીજા સરકારી દવાખાનામાં લઈ જઈ સારવાર આપીએ છીએ.’

mumbai mumbai news coronavirus covid19 lockdown kalyan