વૅક્સિનેશનમાં લોચાલબાચા

03 March, 2021 07:13 AM IST  |  Mumbai | Mid-day Correspondent

વૅક્સિનેશનમાં લોચાલબાચા

ઍપને વાંકે આમ આદમીને ડામ : કોરોના વૅક્સિન માટે રજિસ્ટર કરવાની ઍપમાં ખામી સર્જાતાં બીકેસી કોવિડ સેન્ટરમાં ધક્કામુક્કી થઈ હતી અને કેટલાકની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. તસવીર : પી.ટી.આઇ.

વરિષ્ઠ નાગરિકોના રસીકરણને લઈને પહેલા દિવસે ફ્લૉપ શૉ બાદ ગઈ કાલે તો બીકેસી અને ગોરેગામના એસએસઈમાં આવેલાં કોવિડ સેન્ટર પર બે કલાક સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આવી જ પરિસ્થિતિ બીજાં સેન્ટરો પર પણ હતી. કોવિડના સરકારી પોર્ટલ કો-વિનમાં એકસાથે અનેક જગ્યાએથી લૉગ ઇન થતાં સર્વરમાં ખામી સર્જાઈ હતી અને આ સમસ્યાનો ઉકેલ આવતાં બે કલાક લાગ્યા હતા.

એથી આ સમયગાળા દરમિયાન સેન્ટર પર વૅક્સિન લેવા પહોંચી ગયેલા સેંકડો લોકો જેમાં ઘણા સિનિયર સિટિઝનોનો પણ સમાવેશ થતો હતો, તેમણે ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીકેસીના સેન્ટર પર તો રીતસરની અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. લોકોએ ભારે ધસારો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને લોકો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ મુશ્કેલી વેઠી ત્યાં વૅક્સિન લેવા પહોંચ્યા, પણ સર્વર જ ચાલુ ન હોવાથી કલાકો સુધી તેમને હેરાન થવું પડ્યું, આ તંત્રની ખામી કહેવાય. સામે પક્ષે સ્ટાફનું કહેવું હતું કે અમે તો સેવા આપવા તૈયાર જ છીએ, પણ જ્યાં સુધી લૉગ ઇન ન થાય તો અમારે વૅક્સિન આપવી કેવી રીતે? આમ બન્ને પક્ષની દલીલોની વચ્ચે અંધાધૂંધી ફેલાઈ હતી અને લોકો ઉશ્કેરાઈ ગયા હતા. દોઢ કલાક બાદ સર્વર ચાલુ થયા બાદ વૅક્સિન આપવાનું ચાલુ કરાયું હતું. જોકે આવી જ પરિસ્થિતિ નેસ્કો અને અન્ય સેન્ટરો પર પણ સર્જાઈ હતી. નવાઈની વાત એ છે કે જે લોકોની સૌથી વધારે કાળજી રાખવાની હોય તેમને જ રસી આપતી વખતે કોરોનાના કોઈ નિયમનું પાલન કરવામાં નહોતું આવતું.

બોરીવલી-ઈસ્ટમાં માગાઠાણે વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષના જિતેન્દ્ર સોમપુરા બ્લડપ્રેશર અને ડાયાબિટીઝના પેશન્ટ છે. તેમના પગમાં સોજો હોવા છતાં તેઓ બે દિવસથી પ્રાઇવેટ હૉસ્પિટલ અને કાંદિવલીની ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલ (શતાબ્દી)માં કોરોનાની રસી મુકાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રસી મુકાવવા માટે મેં ચાર વખત રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ કન્ફર્મેશન નથી આવ્યું. આમ છતાં, સોમવારે મેં બોરીવલીની પ્રાઇવેટ ઍપેક્સ હૉસ્પિટલમાં અને ગઈ કાલે કાંદિવલીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં વૉક-ઇન સિસ્ટમથી રસી મુકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બન્ને જગ્યાએથી કહેવાયું હતું કે સિસ્ટમમાં પ્રૉબ્લેમ હોવાની સાથે લોકોનો ભારે ધસારો હોવાથી તમારો નંબર આવતા સમય લાગશે. મારે કુંભના મેળામાં વૃંદાવન અને હરિદ્વાર જતાં પહેલાં રસી મુકાવવી છે. બે દિવસથી ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ પણ મારે ખાલી હાથે ઘરે આવવું પડ્યું છે.’

સરકારે જાહેર કર્યું છે કે ઑનલાઇન રજિસ્ટ્રેશન ન થાય એવા સિનિયર સિટિઝનો વૉકિંગ પણ વૅક્સિન લેવા જઈ શકે છે, એમ જણાવતાં મુલુંડ-ઈસ્ટનાં ૬૬ વર્ષનાં દમયંતી વિનય સાળવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની આ જાહેરાત પ્રમાણે અમે મુલુંડ-વેસ્ટના કોવિડ સેન્ટરમાં વૅક્સિન લેવા માટે બન્ને જણાં ગયાં હતાં. ત્યાંના અધિકારીઓ પણ મૂંઝવણમાં હતા. તેમણે અમારા જેવા અનેક સિનિયર સિટિઝનોને ચાર કલાક બેસાડી રાખ્યાં હતાં ત્યાર પછી કહ્યું હતું કે જેના રજિસ્ટ્રેશન નથી તેમને અમે વૅક્સિન નહીં આપીએ. હું, મારા મિસ્ટર અને દીકરો ત્રણેય સપ્ટેમ્બર મહિનામાં કોરાનાગ્રસ્ત બન્યા હતા. હવે મને અને મારા મિસ્ટરને વહેલી તકે સુરક્ષિત થવા માટે વૅકિસન લેવાની ઉતાવળ છે.’

બીકેસી કોવિડ સેન્ટરના ડીન ડૉ. રાજેશ ડેરેએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે દોઢ કલાક જેટલો ટાઇમ સર્વરનો ઇશ્યુ હતો. સરકારી પોર્ટલ કો-વિનમાં લૉગ ઇન જ થતું નહોતુ. એ પછી પ્રૉબ્લેમ સૉલ્વ થતાં ધીમે-ધીમે બધું સરળતાથી કામકાજ થયું હતું, પણ સવારના ૯થી ૧૦.૧૫ સુધી થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી, કારણે કે અમારા બીકેસી સેન્ટર પર સવારના ૯ વાગ્યા પહેલાં જ ૩૦૦ જેટલા લોકો પહોંચી ગયા હતા, જેમાં ઘણા સિનિયર સિટિઝન હતા. તેમની મોબિલિટી, તેમને વ્હીલચૅર પ્રોવાઇડ કરવી વગેરે બાબતોનું પણ ધ્યાન રાખવું પડતું હતું. મૂળમાં સિનિયર સિટિઝન માટે બપોરના ૧૨થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમયગાળો નિશ્ચિત કરાયો છે, પણ અનેક સિનિયર સિટિઝન સવારના જ આવી ગયા હતા. જોકે એ પ્રૉબ્લેમ સૉલ્વ થયા બાદ જે પણ લોકો આવ્યા હતા એ બધાને જ અમે વૅક્સિન આપી હતી. ૧૫૦૦ જણને વૅક્સિન આપવાની તૈયારી રખાઈ હતી, પણ સાંજ સુધીમાં ૨૭૦૦ જણને વૅક્સિન અપાઈ હતી. આવેલામાંથી કોઈને પણ વૅક્સિન આપ્યા વગર પાછા મોકલાયા નથી.’

મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરના ડીન ડૉ. પ્રદીપ આંગ્રેએ કહ્યું હતું કે ‘સવારે ૯ વાગ્યે અમારું લૉગ ઇન થયું હતું, પણ એ પછી એ ઘણી વાર લૉગ ઇન છોડી દેતું હતું. ઑન-ઑફ, ઑન-ઑફ થતું રહેતું હતું. સિસ્ટમ બહુ જ સ્લૉ છે. હજી સુધી તે પ્રૉપર નથી. પહેલા દિવસે પણ સર્વર ડાઉનનો પ્રૉબ્લેમ હતો. એમ છતાં, ગઈ કાલે સવારના ૧૧ વાગ્યા સુધી ૧૧૦ જણને વૅક્સિન અપાઈ હતી, જેમાંથી ૮૦ જેટલા તો સિનિયર સિટિઝન જ હતા. સાંજ સુધી ૬૫૦ જેટલા લોકોને અમે વૅક્સિન આપી હતી.’

ચિંતા કરવાની જરૂર નથી : વૅક્સિનનો પૂરતો સ્ટોક છે

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાના ઇમ્યુનાઇઝેશન ઑફિસર ડૉ. દિલીપ પાટીલે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કોરોના પ્રતિકારક રસી આપવાના અભિયાન-વૅક્સિનેશન ડ્રાઇવના બીજા તબક્કા માટે પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે ૬૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને ડાયાબિટીઝ-બ્લડપ્રેશર જેવી કો-મોર્બિડિટીઝ ધરાવતા ૪૫થી ૫૯ વર્ષની ઉંમરના નાગરિકોને વૅક્સિનેશન ડ્રાઇવના બીજા તબક્કામાં રસી આપવાનું નક્કી કર્યું છે. એ તબક્કાની જરૂરિયાતને પહોંચી વળવા માટે કોવૅક્સિન અને કોવિશીલ્ડના ૪૪ લાખ (કોવિશીલ્ડના ૩૯.૯૪ લાખ અને કોવૅક્સિનના ૪.૦૮ લાખ) ડોઝ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ૧૨ લાખ નાગરિકોને રસી આપવામાં આવી છે અને ઉપલબ્ધ ડોઝ અનુસાર વધુ ૧૦ લાખ લોકોને રસી આપી શકાશે.’

સવારે ૯ વાગ્યે અમારું લૉગ ઇન થયું હતું, પણ એ પછી એ ઘણી વાર લૉગ ઇન છોડી દેતું હતું. ઑન-ઑફ, ઑન-ઑફ થતું રહેતું હતું. સિસ્ટમ બહુ જ સ્લો છે. હજી સુધી તે પ્રૉપર નથી
- ડૉ. પ્રદીપ આંગ્રે, મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરના ડીન

mumbai mumbai news bandra regaon coronavirus covid19