અંતિમસંસ્કાર કર્યાના ત્રીજા દિવસે હૉસ્પિટલે કહ્યું, મૃતકને કોરોના હતો

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

અંતિમસંસ્કાર કર્યાના ત્રીજા દિવસે હૉસ્પિટલે કહ્યું, મૃતકને કોરોના હતો

સીસીટીવી ફૂટેજમાં સમાજના સભ્યો ગુપ્તાના મૃતદેહને સ્મશાન લઈ જતા બતાવે છે

કાંદિવલી (વેસ્ટ)માં લાલજીપાડામાં આવેલા જયભારત એસઆરએ બિલ્ડિંગમાં રહેતી સાત મહિનાની પ્રેગ્નન્ટ નેહા ગુપ્તા અઢાર જુલાઈથી કૂપર હૉસ્પિટલમાં ઍડ્મિટ હતી. વીસ જુલાઈએે સવારે સાડાઆઠ વાગ્યે કોરોનાની ટેસ્ટ કૂપર હૉસ્પિટલમાં કરી હતી અને બપોરે બાર વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. નેહાની ડેડ- બૉડીને લેવા તેમ જ અંતિમ દર્શન અને અંતિમસંસ્કાર કરવા આસપાસના લોકો અને સગાંસંબંધીઓ હાજર રહ્યાં હતાં. જોકે બધી ક્રિયા પૂરી થયાના ત્રણ દિવસ પછી ગુપ્તાપરિવારને કૂપર હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે નેહા ગુપ્તાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ વાત સાંભળતાં જ ગુપ્તાપરિવાર તેમ જ નેહાની અંતિમક્રિયામાં હાજર રહેલાં સગાંસંબંધીઓ ચોંકી ઊઠ્યાં છે.

નેહાની ડેડ-બૉડી સાંજે સાડાચાર વાગ્યે મળી હતી. તેના ડેથ સર્ટિફિકેટમાં નૅચરલ ડેથ લખેલું હોવા વિશે નેહા ગુપ્તાનાં સાસુ નિર્મલા ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નેહાની પાંચ જુલાઈથી તબિયત ખરાબ થઈ ગઈ હતી. નેહાની સોનોગ્રાફી કરતાં ખબર પડી હતી કે બાળક હલનચલન નથી કરી રહ્યું એટલે અમે નેહાને શતાબ્દી હૉસ્પિટલમાં લઈને ગયાં હતાં. તેમણે કહ્યું કે નેહાની કોરોના ટેસ્ટ કરવી પડશે, તમે તેને જોગેશ્વરીની ટ્રૉમા હૉસ્પિટલમાં લઈ જાઓ. ત્યાં ગયાં તો હૉસ્પિટલવાળાએ અમને નેહાની કોરોના ટેસ્ટ કરવાની ના પાડી એથી અમે અમારા ફૅમિલી ડૉક્ટર પાસે નેહાને લઈને ગયાં હતાં અને દવા લીધી. દવાથી પણ આરામ મળ્યો નહોતો એથી ફૅમિલી ડૉક્ટરની સલાહ મુજબ નેહાને અમે પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી.

નેહાની બ્લડ તેમ જ અન્ય ટેસ્ટ કરતાં ખબર પડી કે શરદી-ખાંસી છે અને બાળક પણ કમજોર છે તેમ જ બી.પી. ઓછું થઈ ગયું અને પૂરતો શ્વાસ પણ લઈ શકતી નહોતી એટલે ડૉક્ટરની સલાહ મુજબ અમે નેહાને અઢાર જુલાઈએ કૂપર હૉસ્પિટલમાં લઈને ગયાં હતાં. ત્યારે કૂપર હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે પહેલાં અમે નેહાની કોરોના ટેસ્ટ કરીશું, એ પછી આગળ અમે ટ્રીટમેન્ટ કરીશું. પરંતુ ઓગણીસ જુલાઈ સુધી કોરોના ટેસ્ટ કરી નહોતી. વીસ જુલાઈની સવારે સાડાઆઠ વાગ્યે નેહાની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. બપોરે બાર વાગ્યે નેહાનું ડેથ થઈ ગયું હતું. અમને બપોરે સાડાચાર વાગ્યે નેહાની ડેડ-બૉડી આપી ત્યારે ડેડ-બૉડીને લઈ જવા અમે હૉસ્પિટલવાળાને કહ્યું કે અમને ઍમ્બ્યુલન્સ આપો તો તેમણે કહ્યું કે જે કોરોના પેશન્ટ હોય તેમને ઍમ્બ્યુલન્સ આપીએ છીએ. તમારી પેશન્ટ કોરોનાની નથી એટલે તમે પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ કરી લો. અમે પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ કરીને નેહાની ડેડ-બૉડીને ઘરે લઈ આવ્યાં ત્યારે ઘણાબધા લોકો જમા થઈ ગયા હતા. આજુબાજુના થોડા લોકોએ દૂરથી અંતિમ દર્શન કર્યાં હતાં. અંતિમક્રિયામાં વીસથી પચીસ લોકો હાજર રહ્યા હતા. સગાંસંબંધીઓ પણ આવી પહોંચ્યાં હતાં.’

૨૩ જુલાઈએ કૂપર હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે નેહાનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે. એ સાંભળતાં ચોંકી જવા વિશે નિર્મલા ગુપ્તાએ કહ્યું હતું કે ‘અમે તેમને કહ્યું કે નેહાનો કોરોના રિપોર્ટ વૉટ્સઍપ પર મોકલો જેથી અમે લોકોને ક્વૉરન્ટીન રહેવાનું કહીએ તો અમને હૉસ્પિટલવાળાએ ના પાડી અને કહ્યું કે રિપોર્ટ તો ઑફિસર લોકો પાસે હોય. હજી સુધી અમને રિપોર્ટ મળ્યો નથી, પરંતુ અમે હાલમાં બધાં ક્વૉરન્ટીન થઈ ગયાં છીએ. હું અને મારી દીકરી અમારા ઘરમાં અને મારો પતિ અને દીકરો એવરશાઇનનગરમાં ક્વૉરન્ટીન થયાં છીએ અને આસપાસના લોકો તેમ જ સગાંસંબંધીઓને પણ અમે કહી દીધું કે તમે ઘરમાં તમારી સારવાર કરો અને ક્વૉરન્ટીન રહો. નેહાના ડેથ સર્ટિફિકેટમાં પણ નૅચરલ ડેથ જ લખેલું છે. જો અમને ખબર હોત કે નેહાને કોરોના છે તો અમે તેની બૉડી શું કામ ઘરે લઈ આવત? બૉડીને લઈ આવવા અમે એક અઠવાડિયાની રાહ પણ જોત, કેમ કે કોરોના બહુ ભયંકર બીમારી છે. હવે જો કોઈને કોરોના થશે તો એની જવાબદારી અમારી તો નથી.’

કૂપર હૉસ્પિટલના ડીન શું કહે છે?

કૂપર હૉસ્પિટલના ડીન પિનાકિન ગુજ્જરે ‘મિડ-ડે’ને કહ્યું હતુ કે નેહા ગુપ્તા ટીબીની પેશન્ટ હતી. તે કૂપર હૉસ્પિટલમાં આવી ત્યારે તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. એક્સ-રેમાં તેને ટીબી ડિટેક્ટ થયું હતું. તેણે ટીબીની રેગ્યુલર અને પ્રોપર ટ્રીટમેન્ટ પણ લીધી નહોતી એ રિપોર્ટની હિસ્ટરી જોઈને કહી શકાય. નેહાની રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરી હતી જે નેગેટિવ આવી હતી, એટલે યુનિટ-ઇન્ચાર્જે એમઆઇસીયુમાં ઍડ્મિટ કરી દીધી હતી. એમઆઇસીયુના ઇન્ચાર્જ ડૉક્ટરે કહ્યું હતું કે નેહા ટીબીની પેશન્ટ છે અને તેની હાલત સિરિયસ હોવાથી વેન્ટિલેટર પર રાખ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. નેહાનું ડેથ ટીબીને કારણે થયું છે, કોરોનાને કારણે નથી થયું. જ્યાં પણ અમે સસ્પેક્ટ લખીએ છીએ અને પૉઝિટિવ છે એ ડેડ બૉડીને અમે આઇસીએમઆરના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ પોલીસને હૅન્ડઓવર કરી દઈએ છીએ.’

નેહા ગુપ્તાની ડેડ-બૉડી આપી દીધી અને બે દિવસ પછી રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. કોઈ પણ ડેડ-બૉડી હોય, રિપોર્ટ વગર આપી શકાય નહીં. આ કૂપર હૉસ્પિટલવાળાની બેદરકારી છે.
- કમલેશ યાદવ, કાંદિવલીના વૉર્ડ-નંબર ૩૧ના કૉર્પોરેટર

mumbai mumbai news coronavirus covid19 lockdown kandivli charkop urvi shah-mestry