ટ્રાફિક ઈન્ચાર્જના મૃત્યુ સાથે કોરોનોના ભોગ બનેલા પોલીસનો આંક 52 થયો

25 June, 2020 11:29 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ટ્રાફિક ઈન્ચાર્જના મૃત્યુ સાથે કોરોનોના ભોગ બનેલા પોલીસનો આંક 52 થયો

પૉલીસ

કોરોના વાઈરસે અત્યાર સુધી મોટી સંખ્યામાં મુંબઈગરાઓની સાથે પોલીસનો પણ ભોગ લીધો છે. ગઈ કાલે વહેલી સવારે થાણે ગ્રામિણ પોલીસના ટ્રાફિક વિભાગના મીરા-ભાઈંદર વિસ્તારના ઈન્ચાર્જ અધિકારીએ કોરોના સામે પાંચ દિવસ સૂધી ઝઝૂમ્યા બાદ દમ તોડી દીધો હતો. આ સાથે જ મુંબઈ અને આસપાસમાં બાવનમા પોલીસ કોરોનાનો ભોગ બન્યા હતા. ચાર હજારથી વધારે પોલીસ અત્યાર સુધી કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે.

થાણે ગ્રામિણના મીરા-ભાઈંદર વિસ્તારના ટ્રાફિક પોલીસ વિભાગના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અનિલ પવારની અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં પાંચ દિવસથી સારવાર ચાલું હતું. ગઈ કાલે વહેલી સવારે આ બાહોશ અધિકારી કોરોના સામેની લડતમાં પરાસ્ત થયા હતા.

અનિલ પવારના મૃત્યુના સમાચાર ગઈ કાલે સવારે વહેતા થયા બાદ સોશ્યલ મીડિયામાં તેમને મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. છેલ્લે એકાદ વર્ષથી તેઓ કાશીમીરા ટ્રાફિક પોલીસના ઈન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા હતા.

મીરા-ભાઈંદર વિસ્તારના વિધાનસભ્યો ગીતા જૈન, પ્રતાપ સરનાઈક અને કૉન્ગ્રેસના નેતા મુઝફ્ફર હુસૈન સહિત અસંખ્ય લોકોએ અનિલ પવારને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના કહેવા મુજબ આ અધિકારી કોરોના સામેની લડતમાં ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા હતા. તેઓ સામાન્ય નાગરિકોના કૉલ અડધી રાત્રે પણ સ્વીકારતા હોવાથી ખૂબ લોકપ્રિય હતા. તેમના અવસાનના સમાચાર આવતાં લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે. દુ:ખદ વાત એ છે કે તેઓ સતત લોકો કોરોના સામે મક્કમતાથી લડવાની પ્રેરણા આપતા હતા અને એ માટેના મૅસેજ પણ બનાવીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા હતા. જો કે બીજાઓને સાવચેત કરનારા પોતે જ વાઈરસના ભોગ બન્યા છે.

mumbai mumbai news mumbai police mumbai traffic coronavirus covid19