કોરોના + વરસાદ એટલે હિન્દમાતા માર્કેટના વેપારીઓ માટે દુકાળમાં અધિક માસ

26 September, 2020 07:24 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કોરોના + વરસાદ એટલે હિન્દમાતા માર્કેટના વેપારીઓ માટે દુકાળમાં અધિક માસ

હિન્દમાતા માર્કેટની દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસામાનની બહુ ખરાબ હાલત થઈ હતી.

કોરોના મહામારીએ વેપારીઓની ખરી કમર કસી છે અને વેપારના નામે ધંધો ઝીરો થઈ રહ્યો છે, એવામાં દાદર-ઈસ્ટના હિન્દમાતાના કાપડના વેપારીઓની કપરી પરીક્ષા થઈ રહી છે. લૉકડાઉનમાં પાંચમી ઑગસ્ટે પડેલા વરસાદને લીધે ભારે નુકસાન થયું હતું અને એનો ક્લેમ હજી તો વેપારીઓને મળ્યો નથી એવામાં ફરી મંગળવાર-બુધવારે પડેલા મુશળધાર વરસાદને લીધે દુકાનોમાં દોઢથી બે ફુટ જેટલા પાણી ભરાયાં હતાં અને મુખ્ય રસ્તા પર કમર સુધીનાં પાણી હતાં, જેથી દરેક દુકાનને અંદાજે પાંચથી ૧૫ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોનાકાળમાં એટલું નુકસાન કઈ રીતે સહન કરવું એ વેપારીઓને સમજાતું નથી. દિવાળી બાદ અહીંની અમુક દુકાનો બંધ થાય એવી શક્યતાને પણ નકારી શકાય એમ નથી.

મુંબઈની પ્રખ્યાત દાદરની ક્લોથ માર્કેટના વેપારીઓ અગ્નિપરીક્ષાના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે એમ જણાવતાં ન્યુ હિન્દમાતા ક્લોથ મર્ચન્ટ્સ અસોસિએશનના ચૅરમૅન અને ૪૨ વર્ષથી માર્કેટમાં વેપાર કરતા દિનેશ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે દુકાનો માંડ શરૂ થઈ અને લોકો પાસે મૂડી ન હોવાથી કે ગ્રાહકો બરાબર ન હોવાથી વેપારીઓનો ધંધો ઠપ થયો છે. અંદાજે ૧૦ ટકા જેટલો ધંધો જે આસપાસના લોકો આવે છે એને કારણે થઈ રહ્યો છે. પાંચમી ઑગસ્ટે વરસાદ પડ્યો હતો ત્યારે પણ ખૂબ પાણી ભરાયાં હતાં અને ત્યારે પણ દુકાનોને ખાસ્સું નુકસાન થયું હતું. આ નુકસાનનો ક્લેમ હજી મળ્યો નથી, ફક્ત સર્વે જ કરવામાં આવ્યો છે એવામાં ફરી ખૂબ મોટો ફટકો પડ્યો છે. માર્કેટની ૪૫૦ જેટલી દુકાનોમાંથી ૧૫૦ દુકાનોમાં ભારે નુકસાન થયું છે. સાડી અને ડ્રેસ પાણીમાં જતાં એકમેકનો કલર લાગી ગયો હોવાથી એ નકામા થવાને લીધે ફેંકવાનો વારો આવ્યો છે જેથ દરેક દુકાનમાં આશરે પાંચ લાખથી ૧૫ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. લોકલ ટ્રેન ચાલુ ન હોવાથી ગ્રાહકો આવતા નથી એટલે ધંધો થતો નથી. એના થકી દિવાળી બાદ ભાડા પરની અમુક દુકાનો બંધ થાય એવી શક્યતા છે.’

માર્કેટમાં સાડી-લેંઘાનો વેપાર કરતી આસોપાલવ નામની દુકાન ધરાવતા ૮૨ વર્ષના રમેશ ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનમાં કામ કરતા માણસો ૩૦થી ૪૦ ટકા આવ્યા નથી. લૉકડાઉનમાં બેથી ત્રણ વખત મોટા પાયે પાણી ભરાયાં છે અને એમાં ખાસ્સું નુકસાન થયું છે. રાતના સમયે ભારે વરસાદ શરૂ થતાં વેપારીઓ પોતાનો સામાન બચાવી શક્યા નહીં. લૉકડાઉન થતાં લગ્નની સીઝન, ત્યાર બાદ ગણેશોત્સવ અને હવે નવરાત્રિ જેવી બધી સીઝન હાથમાંથી જઈ રહી હોવાથી વેપારીઓને હદની બહાર નુકસાન થયું છે.’

૨૫ વર્ષથી હિના સાડીના માલિક સતીશ નાગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાણી દર વખતે ભરાય છે અને બીએમસી પણ એનું કામ કરે છે. મોટા પમ્પ બેસાડવામાં આવ્યા હોવા છતાં નીચાણવાળો ભાગ હોવાથી પાણી દુકાનોમાં ઘૂસી જાય છે. એટલે એનો કોઈ કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી અન્ય કોઈ પર્યાય નથી. લૉકડાઉન બાદ આ વખતના વરસાદમાં વેપારીઓએ ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે.’

હજી તો પાંચમી ઑગસ્ટે ભરાયેલાં પાણીને લીધે થયેલા નુકસાનનો ક્લેમ મળ્યો નથી ત્યાં ફરી ભારે વરસાદ તેમને લાખો રૂપિયાનું ડૅમેજબિલ પકડાવી ગયો : દિવાળી સુધી પરિસ્થિતિ નહીં સુધરે તો અનેક દુકાનો બંધ થઈ જવાની શક્યતા

સાડી અને ડ્રેસ પાણીમાં જતાં એકમેકનો કલર લાગી ગયો હોવાથી એને ફેંકવાનો વારો આવ્યો છે, જેથી દરેક દુકાનમાં આશરે પાંચ લાખથી ૧૫ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે.
- દિનેશ ત્રિવેદી, ન્યુ હિન્દમાતા ક્લોથ મર્ચન્ટ્સ અસોસિએશનના ચૅરમૅન

mumbai mumbai news dadar preeti khuman-thakur coronavirus mumbai rains covid19 lockdown