મુંબઈ: કોરોનાએ મુંબઈમાં લીધો પોસ્ટમૅનનો ભોગ

10 May, 2020 08:11 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

મુંબઈ: કોરોનાએ મુંબઈમાં લીધો પોસ્ટમૅનનો ભોગ

વરલીના એનએસસીઆઇ ડોમના પાર્કિંગ વિસ્તારમાં બનાવવામાં આવેલું ક્વૉરન્ટીન સેન્ટર. તસવીર : બિપિન કોકાટે.

કોવિડ-19ના ચેપથી શુક્રવારે એક પોસ્ટમૅનનું મૃત્યુ થતાં મુંબઈના પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. કાળા ચૌકી વિસ્તારનો રહેવાસી ૫૮ વર્ષનો આ પોસ્ટમૅન જીપીઓના ડિલિવરી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો હતો.

તેને બ્લડપ્રેશર તેમ જ હૃદયની બીમારી હતી, જેની સારવાર ચાલી રહી હતી. જીપીઓના ડિલિવરી વિભાગ સાથે જોડાયેલી મહિલા કર્મચારીનું કોરોના વાઇરસ ટેસ્ટિંગ પૉઝિટિવ આવતાં તેની પણ સારવાર કરવામાં આવી રહી છે.

નવી મુંબઈ ક્ષેત્રમાં ટપાલ કર્મચારીઓ કઈ રીતે પેન્શનની ડિલિવરી સુનિશ્ચિત કરી રહ્યા છે એ વિશે ગયા અઠવાડિયે જ ‘મિડ-ડે’એ માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓ હૉસ્પિટલમાં મેડિકલ કિટ પહોંચાડવા અને એ વિસ્તારના વૃદ્ધો માટે ટપાલ બચત પાછી ખેંચવાની સુવિધા પણ આપે છે. રાજ્યની કેટલીક પોસ્ટ-ઑફિસોએ ગરીબો માટે ખાદ્ય અને સૂકા રૅશન સુનિશ્ચિત કરવા માટે નાણાંનો ફાળો આપ્યો છે.

મુંબઈ ક્ષેત્રનાં પોસ્ટમાસ્ટર જનરલ સ્વાતિ પાંડેએ જણાવ્યું હતું કે મને શુક્રવારે કર્મચારીના મૃત્યુની જાણ કરાઈ હતી. પોસ્ટ-ઑફિસના રેકૉર્ડ મુજબ તેમણે લૉકડાઉન દરમ્યાન ફક્ત એક જ વાર કામ કર્યું હતું. અમે મર્યાદિત સ્ટાફ સાથે કામ કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઍડિશનલ કમિશનર અશ્વિની ભીડેના નિર્દેશો મુજબ અમે પોસ્ટ-ઑફિસના ડિલિવરી વિભાગમાં જંતુનાશક દવા છંટાવી એને સીલ કરી દીધું છે અને એના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ શરૂ કરી છે. જોકે હજી સુધી કોઈનામાં પણ કોવિડ-19નાં લક્ષણો જોવા મળ્યાં નથી.

મરનારના પરિવારજનો ધોરણ અનુસાર તમામ લાભ મેળવવાના હકદાર રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ના મૃતકોને મળનારા ૧૦ લાખ રૂપિયાના વળતર માટે પણ હકદાર રહેશે.

આ ઉપરાંત વરલી પોલીસ કૅમ્પ પોસ્ટ-ઑફિસમાં સબ પોસ્ટ-માસ્તર, માટુંગા પોસ્ટ-ઑફિસમાં નાઇટ ગાર્ડ અને કેટલાક ડિલિવરી પોસ્ટલ સહાયકોનું પરીક્ષણ પણ પૉઝિટિવ આવ્યું છે.

mumbai mumbai news coronavirus covid19 vinod kumar menon