કોરોના: હાફકિન ઇન્સ્ટિટ્યૂટ કે જે. જે. હૉસ્પિટલમાં કોઈને કાંઈ ખબર નથી

18 March, 2020 09:42 AM IST  |  Mumbai | Arita Sarkar

કોરોના: હાફકિન ઇન્સ્ટિટ્યૂટ કે જે. જે. હૉસ્પિટલમાં કોઈને કાંઈ ખબર નથી

જે. જે. હૉસ્પિટલ

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સોમવારે કોરોના વાઇરસના કેસના ટેસ્ટ માટે વધુ બે લૅબોરેટરીઝ શરૂ કરવાની જાહેરાત તો કરી દીધી, પણ એ લૅબોરેટરીઝ જ્યાં શરૂ કરવાની છે એ પરેલની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ અને ભાયખલાની જે.જે. હૉસ્પિટલમાં હજી સુધી રાજ્ય સરકારનો એ બાબતનો પત્ર પહોંચ્યો નથી. સ્વાઇન ફ્લુ (H1N1 વાઇરસ)ના ટેસ્ટની સગવડ ધરાવતી એ બન્ને હૉસ્પિટલ્સને કોરોના વાઇરસના ટેસ્ટ માટે પસંદ કરવામાં આવી હતી. એમાં રોજનાં ૨૫૦ સૅમ્પલ્સ તપાસવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારે હજી સુધી એ હૉસ્પિટલ્સને પત્રો મોકલવાની ઔપચારિકતા પણ પૂરી કરી નથી. જોકે કેઈએમ હૉસ્પિટલમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી હજી સુધી શરૂ થઈ નથી. સાયન હૉસ્પિટલમાં ટેસ્ટિંગ ફેસિલિટી શરૂ કરવાની તૈયારી મહાનગરપાલિકાના તંત્રે શરૂ કરી છે.

જે.જે. હૉસ્પિટલના ડીન ડૉ. પ્રભાકર સપલે તથા એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને કોરોના વાઇરસનાં સૅમ્પલ્સ ટેસ્ટ કરવાની લૅબોરેટરી શરૂ કરવા વિશે હજી સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ નિર્દેશો મળ્યા નથી. અમને સત્તાવાર રીતે સૂચના ન અપાય ત્યાં સુધી કોઈ તૈયારી કરી ન શકાય.’ હાફકિન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. રાજેશ દેશમુખે જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસ માટેનાં સૅમ્પલ્સના ટેસ્ટિંગ માટે કિટ્સ તૈયાર કરવાની ચર્ચા થઈ હતી. તાજેતરમાં નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ના નિયમો અનુસાર લૅબોરેટરી અપગ્રેડ કરવામાં આવી હતી. અમે કામ શરૂ કર્યું છે, પરંતુ એમાં થોડો સમય લાગશે. અમે એ દિશામાં આગળ વધ્યા છીએ અને એ કામ પૂરું થતાં એક મહિનાથી ઓછો સમય લાગશે. કેટલાંક સાધનો મંગાવવાનાં છે ત્યાર પછી આવશ્યક પરવાનગીઓ મળ્યાં બાદ એ સાધનોના વપરાશ બાબતે સ્ટાફને ટ્રેઇનિંગ આપવાની રહેશે.’
હાલમાં ફક્ત કસ્તુરબા હૉસ્પિટલમાં લૅબોરેટરી કાર્યરત છે. ત્યાં નવું સાધન આવતાં કસ્તુરબા હૉસ્પિટલની ટેસ્ટિંગ કૅપેસિટી ૧૦૦ સૅમ્પલ્સથી વધીને ૨૫૦ સૅમ્પલ્સ પર પહોંચશે.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘કેઈએમ હૉસ્પિટલમાં નવી ટેસ્ટિંગ ફેસિલિટી બે દિવસમાં શરૂ થવાની શક્યતા છે. બુધવારે ત્યાં એક સૅમ્પલનું ટેસ્ટિંગ કર્યા પછી એ ટેસ્ટિંગની ચકાસણી પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીના નિષ્ણાતો કરશે. નિષ્ણાતોની લીલી ઝંડી મળ્યા બાદ કેઈએમ હૉસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. બે દિવસમાં કસ્તુરબા હૉસ્પિટલની કૅપેસિટી વધારવા ઉપરાંત અમે સાયન હૉસ્પિટલમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી શરૂ કરવાની વિચારણા કરીએ છીએ.’

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ૧૮ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિમાનમથકે આવતા અઢી લાખ જેટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કર્યું છે. બીમારીનાં લક્ષણોના અનુસંધાનમાં પ્રવાસીઓનું ત્રણ કૅટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે મહિનામાં ૧૮૦૦થી વધારે લોકો કસ્તુરબા હૉસ્પિટલના આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)ની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યાં ૫૦૦ કરતાં વધારે લોકોને ઍડ્મિટ કર્યા બાદ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. ૧૫ દરદીઓના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છે, પરંતુ એમાંથી ઘણા દરદીઓમાં કોરોનાનાં લક્ષણો જણાતાં નહોતાં. જસલોક હૉસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘ટેસ્ટ પૉઝિટિવ મળ્યો હોય અને બીમારીનાં લક્ષણો જણાતાં ન હોય એવી વ્યક્તિઓ વાઇરસ ફેલાવે એવી શક્યતા હોય છે. એવી વ્યક્તિઓને પણ ક્વૉરન્ટીન કરવાની જરૂર હોય છે. દક્ષિણ કોરિયા, ઈરાન અને સાઉદી અરેબિયામાં એવી વ્યક્તિઓને ક્વૉરન્ટીન કરવામાં આવી છે. આપણે ત્યાં તો આંકડા પણ ઓછા દર્શાવવામાં આવ્યા હોય એવી શક્યતા છે. આપણે વધારે સૅમ્પલ્સ તપાસવા પર ધ્યાન આપવું જોઈએ. એ રીતે વાઇરસનો પ્રસાર કેવી રીતે થાય છે એ સમજી શકાશે.’ રોગચાળો બીજા તબક્કાની સ્થિતિમાં હોવાનો અર્થ એવો છે કે કોરોના વાઇરસનો રોગચાળો પૂર્ણરૂપે ફેલાયો હોય એવા દેશનો પ્રવાસ કરીને આવ્યા હોય અને ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ મળ્યો હોય એવા દરદીના નિકટના સંપર્ક દ્વારા વાઇરસનો ફેલાવો થાય છે.

mumbai mumbai news jj hospital coronavirus arita sarkar