ઈરાન અને જર્મનીથી આવેલા પેસેન્જરો સ્ક્રીનિંગ વગર જ બહાર નીકળી ગયા

17 March, 2020 09:10 AM IST  |  Mumbai | Faizan Khan

ઈરાન અને જર્મનીથી આવેલા પેસેન્જરો સ્ક્રીનિંગ વગર જ બહાર નીકળી ગયા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કેર સામે બાથ ભીડવા રાજ્ય સરકાર દ્વારા એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે અને એ અમલમાં મુકાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ઍરપોર્ટ પર વિદેશથી આવતા પૅસેન્જરોના સ્ક્રીનિંગમાં બેદરકારી અપનાવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે વહેલી સવારે ઈરાન અને જર્મનીથી આવેલા બે પૅસેન્જરોએ કહ્યું કે ‘અમારું કોઈ સ્ક્રીનિંગ જ કરાયું નહીં અને અમે બહાર આવી ગયા હતા.’

ઈરાનમાં કોરોના વાઇરસનો પહેલો કેસ ક્યુઆમ સિટીમાં નોંધાયો હતો. એ જ સિટીથી આવેલા ૫૭ વર્ષના અલી અબ્બાસનું સ્ક્રીનિંગ કરાયું નહોતું, એટલું જ નહીં, તેમણે તો એમ પણ કહ્યું કે ‘મને તાવ આવે છે કે નહીં એ જાણવાની પણ કોઈએ દરકાર નહોતી કરી અને હવે હું મારા ઘરે પહોંચી ગયો છું.’

અબ્બાસ સોમવારે બે વાગ્યે કતાર ઍરવેઝની ફ્લાઇટમાં વાયા દોહા મુંબઈ આવ્યો હતો. આખી ફ્લાઇટ પૅસેન્જરોથી ભરચક હતી જેમાં ઈરાનના ૮ પૅસેન્જર હતા. ‘અમે જ્યારે મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે બહુ ગિરદી હતી. મારું કોઈએ સ્ક્રીનિંગ પણ કર્યું નહોતું કે મારું ટેમ્પરેચર પણ માપ્યું નહોતું. હું ઍરપોર્ટ પર એક ઑફિસરને મળ્યો હતો અને કહ્યું પણ હતું કે હું ઈરાનથી આવ્યો છું જ્યાં કોરોનાના ઘણા બનાવ બન્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. મારી કોઈ તપાસ ન થતાં મને આશ્ચર્ય થયું હતું. હું હવે ઘરે પહોંચી ગયો છું, પણ એમ છતાં મેં મારી જાતને સાવચેતી માટે પરિવારના અન્ય સભ્યોથી અલગ રાખીને હું એક રૂમમાં રહું છું.

ભારત સરકારે ૯ માર્ચે જ જાહેર કર્યું હતું કે કોરોનાનો બહોળો વ્યાપ ધરાવતા ૯ દેશોમાંથી જે પણ પૅસેન્જર આવે તેમને ૧૪ દિવસ સુધી આઇસોલેટેડ જગ્યાએ રાખવા.

આવી બીજી ઘટના જર્મનીથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં રવિવારે મુંબઈ આવેલા ગૌરવ સારુલકર સાથે બની હતી. તેને સેવન હિલ્સ હૉસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં બહુ લાંબી લાઇન હતી એ વિશે જણાવતાં તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં ડૉક્ટરોએ મારી ટૂંકમાં હિસ્ટરી લીધી હતી અને ફક્ત પૂછવામાં આવ્યું હતું કે શું તમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનાં સિમ્પ્ટમ્સ જણાય છે. એ પછી તેમણે મને ઘરે જવા દીધો હતો. જોકે ત્યાર બાદ મેં સાવચેતી ખાતર કસ્તુરબા હૉસ્પિટલ જઈને ચેકઅપ કરાવવાનું નક્કી કરી સોમવારે ત્યાં ગયો હતો, પણ ત્યાં પણ બહુ લાંબી લાઇન લાગી હતી એથી આખરે હું ઘરે પાછો ફરી ગયો હતો.’

આ પણ વાંચો : કોરોના વાઈરસનો ઈફેક્ટ : સિદ્ધિવિનાયક દર્શનાર્થીઓ માટે બંધ

પૅસેન્જરોનું કહેવું છે કે હૉસ્પિટલોમાં પૂરી પાડવામાં આવતી સુવિધા પણ કોઈ ખાસ નથી. ત્યાં પણ બધાને બાજુબાજુમાં જ બેસાડવામાં આવે છે. ખેરખર તો તેમને બધાને અલગ-અલગ રૂમમાં બેસાડવા જોઈએ. જગ્યા પણ ગંદી હતી. વળી જે લોકોને અલાયદા રાખવામાં આવ્યા હતા તેમને માટે ભોજનની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી.

mumbai mumbai news coronavirus mumbai airport faizan khan