સતત પરાજય થવાને લીધે કૉન્ગ્રેસમાં હતાશા છવાઈ

29 December, 2014 05:55 AM IST  | 

સતત પરાજય થવાને લીધે કૉન્ગ્રેસમાં હતાશા છવાઈ




આ વર્ષ દરમ્યાન ચૂંટણીઓમાં પરાજય સહન કરનાર કૉન્ગ્રેસ પક્ષે રવિવારે પોતાના ૧૩૦મા સ્થાપના દિવસ પર સંપૂર્ણ દેશભરમાં કૉન્ગ્રેસ કાર્યાલયોમાં ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગેરહાજર રહ્યા હતા.

દિલ્હીના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધી, માજી વડા પ્રધાન મનમોહન સિંહ, જનાર્દન દ્વિવેદી, કોષાધ્યક્ષ મોતીલાલ વોરા ઉપસ્થિત રહ્યાં હતાં, પરંતુ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. બીજી બાજુ મુંબઈમાં પણ આવી જ પરિસ્થિતિ હતી. પ્રદેશાધ્યક્ષ માણિકરાવ ઠાકરે અને માજી કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, પરંતુ માજી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, કૉન્ગ્રેસની પ્રચાર સમિતિના પ્રમુખ નારાયણ રાણે, વિધાનસભાના હાલના વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણન વિખે-પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.

પાર્ટીની મૂળ રચના અને પ્રચાર રણનીતિ પર આ કાર્યક્રમમાં નવેસરથી મંથન કરવામાં આવ્યું હતું. આ વર્ષ કૉન્ગ્રેસ માટે ચૂંટણીની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને માત્ર ૪૪ સીટો મળી; જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર તેમ જ ઝારખંડમાં કૉન્ગ્રેસને ફટકો પડ્યો છે. આથી પરાજયના વમળમાં ફસાયેલી કૉન્ગ્રેસ પાર્ટીને કેવી રીતે બહાર કાઢવી એ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ દરમ્યાન માણિકરાવ ઠાકરેએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ મહત્વના કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહેવું જોઈતું હતું.