મુંબઈ : ઝટ કરો લોકલ અનલૉક

12 November, 2020 07:33 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : ઝટ કરો લોકલ અનલૉક

ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશનના સભ્યોએ મધ્ય રેલવેના દિવા સ્ટેશન સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

રોગચાળાની લાંબી ઇનિંગ્સ અને લૉકડાઉન ખોલવાની તબક્કાવાર પદ્ધતિથી વ્યાકુળ થયેલા મુંબઈ તથા આસપાસનાં ક્ષેત્રોના મુસાફરો સહનશીલતા ગુમાવી બેઠા છે. પ્રવાસી સંગઠનો જુદા-જુદા માર્ગે તેમની માગણી પૂરી કરાવવા સક્રિય બન્યાં છે. એક પ્રવાસી સંગઠને ગઈ કાલે મધ્ય રેલવેના દિવા સ્ટેશને આંદોલન કર્યું હતું. અન્ય એક સંગઠને મુંબઈની સબર્બન ટ્રેન સર્વિસનો રિવાઇવલ પ્લાન રેલવે સત્તાવાળાઓને સુપરત કર્યો હતો.

ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશને મધ્ય રેલવેના દિવા સ્ટેશન સામે વિરોધ-પ્રદર્શન કર્યા બાદ ૧૪ મુદ્દાનું આવેદનપત્ર મધ્ય રેલવેના અધિકારીઓને સુપરત કર્યું હતું. અસોસિએશનના પ્રમુખ નંદકુમાર દેશમુખે જણાવ્યું હતું કે આવેદનપત્રમાં લોકોની રોજગારી ફરી શરૂ કરાવવા ઑફિસો-કારખાનાં વગેરે ખોલવા અને એ માટે ટ્રેનો ફરી શરૂ કરવાની માગણી કરી છે. ૧૪ માગણીઓમાં કલ્યાણ-કસારા વચ્ચે નવું સ્ટેશન બાંધવા, દિવા સ્ટેશનથી ટ્રેનોની રવાનગી શરૂ કરવા અને વાંગણી સ્ટેશનને ટર્મિનસ બનાવવા જેવા મુદ્દાનો સમાવેશ છે.

મુંબઈ રેલ પ્રવાસી સંગઠનના ઉપપ્રમુખ સિદ્ધેશ દેસાઈએ જણાવ્યું હતું કે રોગચાળાના સમયમાં લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાના નાજુક વિષય પર રાજ્ય સરકારે વિચારીને નિર્ણય લેવાનો છે એથી એ બાબતે વૈજ્ઞાનિક પદ્ધતિનો રિવાઇવલ પ્લાન અમે રાજ્યપાલને મળીને સુપરત કર્યો હતો.

mumbai mumbai news mumbai railways central railway rajendra aklekar kalyan lockdown