મુંબઈ: દાદરમાં કોરોના સામે કમ્યુનિટી કો-ઑર્ડિનેટરની સ્ટ્રૅટેજી કામ લાગી

14 July, 2020 11:21 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ: દાદરમાં કોરોના સામે કમ્યુનિટી કો-ઑર્ડિનેટરની સ્ટ્રૅટેજી કામ લાગી

કેમ છો અંકલ? : કોરોનાને અંકુશમાં લેવા માટે મુંબઈમાં હાલ ઘેર-ઘેર સ્ક્રીન‌િંગ કરવામાં આવી રહ્યું છે. પીપીઈ ક‌િટ પહેરીને હેલ્થ વર્કર આ મહત્ત્વનું કામ કરી રહ્યા છે. કુરાર વિલેજમાં સ્ક્રીનિંગ કરવા માટે આવેલા હેલ્થ વર્કરને આવકારતો બાળક. તસવીર : પી.ટી.આઇ.

દાદરમાં કોરાનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કોરોના-સંક્રમણને ઓછું કરવા પ્રશાસને ધારાવીની સ્ટ્રૅટેજીને ફૉલો કરીને કોરોના-કેસને સ્ક્રીનિંગ, ફિવર કૅમ્પ, રોડ કે એરિયાવાઇઝ કમ્યુનિટી લીડર બનાવાયા છે. ત્રીજી જુલાઈએ કોરોનાના કેસ ૯૧૪ હતા જે વધીને ૧૨ જુલાઈ સુધીમાં ૧૧૬૮ થઈ ગયા હતા, જ્યારે ૭૬૨ લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. દાદરમાં કોરોનાનો ડબલિંગ રેટ ૩૧ દિવસનો છે અને ગ્રોથ રેટ બે ટકા છે એવી માહિતી ‘જી’ વૉર્ડના વૉર્ડ-ઑફિસરે આપી હતી.

‘જી’ વૉર્ડના ઑફિસર શું કહે

આ બાબતે ‘જી’ વૉર્ડના ઑફિસર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જ્યારે એપ્રિલ અને મે મહિનામાં અમે દાદરમાં ભાજી માર્કેટ, ફૂલ માર્કેટ અને અન્ય દુકાનો પણ બંધ કરી દીધી હતી. વિદેશથી જે લોકો આવ્યા હતા તેઆએ પણ સારો સહકાર આપ્યો હતો અને લૉકડાઉનનું બહુ કડકાઈથી પાલન કર્યું હતું એટલે એપ્રિલ અને મે મહિનામાં જ્યારે કોરોના પિક પર હતો એ સમયે દાદરમાં ઝીરો કેસ હતા, પરંતુ ધીમે-ધીમે લૉકડાઉન ખૂલવાની શરૂઆત થઈ અને ૫૦ ટકા દુકાનો શરૂ થઈ, ફૂલ અને ભાજી માર્કેટ ચાલુ થઈ, જે હોલસેલ માર્કેટને અમે સોમૈયા અને બીકેસીમાં શિફ્ટ કરી હતી એ ફરી દાદરમાં આવી ગઈ એટલે સ્વાભાવિક છે કે કોરોનાના કેસ પણ આવવા માંડ્યા. લૉકડાઉન ખૂલવાને કારણે કોરોના-કેસ વધવા લાગ્યા છે. કોરોનાને કન્ટ્રોલમાં લાવવા માટેની યોજના વૉર્ડ-ઑફિસર કિરણ દિઘાવકરે આ મુજબ ‘મિડ-ડે’ને કહી હતી.

કમ્યુનિટી કો-ઑર્ડિનેટર્સ

બિલ્ડિંગની અંદર હાઉસમેડ કે લેબર આવવાનું શરૂ થયું, લોકો કામ પર જવા લાગ્યા એટલે કોરોના-કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને એ માટે અમે રહેવાસીઓ સાથે મળીને વાત કરી અને એરિયા પ્રમાણે કમ્યુનિટી કો-ઑર્ડિનેટર બનાવ્યા જેની મદદથી અમે કૅમ્પનું આયોજન કરી રહ્યા છીએ. બિલ્ડિંગના સેક્રેટરી સાથે વાત કરીને બિલ્ડિંગના જેટલા સિનિયર સિટિઝન હોય એ બધાનું એક લિસ્ટ બનાવી લો અને ત્યાર બાદ રહેવાસીઓનું ઑક્સિજન-લેવલ, ટેમ્પરેચર ચેક કરતા રહો. એમએલએના ફન્ડમાંથી થર્મલ સ્કૅનર અને પલ્સ ઑક્સિમીટર પણ બિલ્ડિંગમાં આપવામાં આવ્યાં છે જેથી બિલ્ડિંગવાસીઓ ટેમ્પરેચર અને ઑક્સિજન-લેવલને સહેલાઈથી ચેક કરી શકે.

ફિવર કૅમ્પનું આયોજન

બિલ્ડિંગોમાં નીચે સ્ક્રીનિંગ અને ફિવર કૅમ્પ આયોજિત કરાય છે જેથી વધુ ને વધુ કેસ સામે પણ આવી રહ્યા છે. આ સિવાય ઑન ધ સ્પૉટ ટેસ્ટિંગ પણ કરાય છે જેમાં કોઈ શંકાસ્પદ કેસ મળે તો તરત જ એની સારવાર આપવામાં આવે છે. આ માટે અમને માહિમમાં પણ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે, ત્યાં પણ કેસ ઓછા થઈ ગયા છે.

ફ્યુચર પ્લાન

નવો પ્લાન એ જ છે કે વધારે ને વધારે સ્ક્રીનિંગ, કૅમ્પનું આયોજન કરવું જેથી બધાં જ બિલ્ડિંગનું સ્ક્રીનિંગ થઈ જાય અને બધી જ ટેસ્ટ થઈ જવી જોઈએ. દાદરમાં પહેલાંની જેમ કોરોના-કેસ ઝીરો થઈ જાય.

mumbai mumbai news dadar coronavirus covid19 lockdown urvi shah-mestry