મુંબઈઃબાંધ્યાં હતાં ઘર બની દુકાનો, અધિકારીઓના આંખ આડા કાન

18 March, 2019 08:08 AM IST  |  મુંબઈ | જયેશ શાહ

મુંબઈઃબાંધ્યાં હતાં ઘર બની દુકાનો, અધિકારીઓના આંખ આડા કાન

રહેણાંક મકાનોમાં બની ગઈ છે દુકાનો

‘અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ આ કહેવત એકવીસમી સદીમાં પણ યથાર્થ ઠરે એવી પરિસ્થિતિ સરકારી અધિકારીઓ અને રાજકીય પક્ષોના પદાધિકારીઓમાં જોવા મળી રહી છે. સરકારે રાહતના દરે આપેલાં રહેણાક મકાનોને ગેરકાયદે કોઈ પણ કાયદાના ડર વગર ખુલ્લેઆમ કમર્શિયલમાં ફેરવી નાખવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે.

કાયદેસર અલૉટ કરાયેલાં રહેણાકોને ગેરકાયદે ફેરવવા માટે ‘રોકડી’નું વજન એટલું ભારે પડી રહ્યું છે કે આ પરિસ્થિતિ સર્જાવામાં મ્હાડાના અધિકારીઓ-પદાધિકારીઓ, મ્યુનિસિપલ અધિકારીઓ, ફાયર-બ્રિગેડ, જે-તે પોલીસ-સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ખુલ્લી આંખે આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે.

મુંબઈ શહેરમાં રોટલો મળે પણ ઓટલો ન મળે એ કહેવત સામાન્ય રીતે લોકોના મુખેથી બોલાતી હોય છે. મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા દરેકને ઘરનું ઘર રાહતદરે મળી રહે એ માટે દર વષ્ોર્ લૉટરી સિસ્ટમથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને ફ્લૅટ આપવામાં આવે છે, પરંતુ મ્હાડાએ આપેલા આ ફ્લૅટને કમર્શિયલ ઉપયોગ માટે ઊંચા દરે વેચીને કમાણી કરવાનો ધંધો શહેરમાં ફૂલોફાલ્યો છે અને આ કાળી કમાણીમાં સંબંધિતો કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. રેસિડેન્શિયલ ફ્લૅટ્સના દસ્તાવેજ પર કમર્શિયલ શૉપ બનાવી એમાં મેડિકલ, રેસ્ટોરાં, કિરાણા, એસ્ટેટ એજન્ટ, જ્વેલર્સ, પાનના ગલ્લા, ડૉક્ટરનું ક્લિનિક, ઍડ્વોકેટની ઑફિસ ખોલીને ફાયર-સેફ્ટીના તમામ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે અને આ તમામ અધિકારીઓ તેમ જ પદાધિકારીઓ આ ખેલ મૂંગા મોઢે જોયા કરે છે. અમુક આવી ગેરકાયદે દુકાનોને કારણે આખા બિલ્ડિંગ પર ફાયરનું જોખમ અનેક વખત ઊભું થયું છે છતાં આ માટે કોઈ પગલાં લેવાયાં નથી.

‘મિડ-ડે’એ મ્હાડાનાં આમાંનાં અમુક બિલ્ડિંગોની જાતમાહિતી મેળવવા પ્રયાસ કયોર્ હતો અને કાંદિવલી (વેસ્ટ)માં એકતાનગરમાં જાણકારી મેળવતાં હકીકતો સામે આવી હતી.

શું છે મામલો?

શહેરમાં મોટાં-મોટાં બિલ્ડિંગો બનાવીને મ્હાડા દ્વારા એમાં રહેણાક ફ્લૅટ રાહતદરે આપવામાં આવે છે. ‘મિડ-ડે’એ કાંદિવલી (વેસ્ટ) વિસ્તારમાં જઈને તપાસ કરી હતી. એ પૈકી મ્હાડાએ બનાવીને વેચાણ કરેલા કાંદિવલી (વેસ્ટ)ના એકતાનગરમાં ૨૦૦૧-’૦૨માં ૬૪ ફ્લૅટનું એક બિલ્ડિંગ એવાં ૫૩ બિલ્ડિંગોમાં ૩૩૯૨ ફ્લૅટ મ્હાડાએ બનાવ્યાં હતાં. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટ સિનિયર સિટિઝનો અને દિવ્યાંગો માટે એક વિશેષ ઍફિડેવિટ કરાવીને અલૉટ કરાયા હતા. જોકે સમય જતાં અમુક બિલ્ડિંગોના હોદ્દેદારોએ ગ્રાઉન્ડ ફ્લોરમાં શૉપ ખોલવાની પરમિશન આપી હતી અને જોતજોતામાં ૫૦ ટકા બિલ્ડિંગોના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો ખૂલી ગઈ છે. આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિમાં સરકારી બાબુઓેનાં આંખમીંચામણાં ઊડીને આંખે વળગે છે.

આ પ્રકારની નીતિરીતિને કારણે સરકારી તિજોરી પર કરોડો રૂપિયાના ટૅક્સ અને દસ્તાવેજ-ફી સહિતના સંબંધિત કરનો માર પડી રહ્યો છે. જોકે આ પ્રકારની દુકાનોમાં વીજળી પૂરી પાડતી ખાનગી કંપનીઓ દ્વારા રેસિડન્ટને બદલે કમર્શિયલ વપરાશ ગણીને વીજબિલ વસૂલ કરવામાં આવે છે. આ મકાનોની માલિકી ધરાવતા લોકોનાં શહેરમાં પોતાના અન્ય વિસ્તારમાં મકાનો છે. રાહતદરનાં આ મકાનોને ભાડે આપવાની પ્રવૃત્તિને કારણે તેમને ઊંચો નાણાકીય લાભ મળી રહ્યો છે અને જરૂરિયાતમંદ ઘરવિહોણા લોકોને ખરેખર લાભ મળતો નથી. જો ખરેખર મ્હાડાએ મકાન કે ફ્લૅટ ભાડે આપવાનાં જ હોય તો આવા લાભાર્થીઓ પાસેથી આ મકાન પાછું લઈને મ્હાડાએ જ ભાડું લેવું જોઈએ એવો મત સામાન્ય પ્રજામાંથી ઊઠી રહ્યો છે.

સ્થાનિક નગરસેવકોએ શું કહ્યું?

બીજી બાજુ રેસિડન્સમાંથી ગેરકાયદે કમર્શિયલ દુકાનો ખોલીને બેઠલા શૉપધારકોને ગ્પ્ઘ્એ શૉપ લાઇસન્સ આપ્યાં છે. ફાયર-સેફ્ટીનાં તમામ ધારાધોરણો નેવે મૂકીને રેસ્ટોરાંનું લાઇસન્સ કઈ રીતે ઇશ્યુ કરવામાં આવ્યું એ એક તપાસનો વિષય છે.

ચારકોપનાં સ્થાનિક નગરસેવિકા સંધ્યા દોશીએ આ વિશે તેમનો મત વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શહેરમાં મ્હાડાએ એની પૉલિસીનો અમલ કયોર્ નથી. ૯૭ ટકા ક્લસ્ટર નિયમ મુજબ નથી. આ માટે મ્હાડા પ્રશાસન જવાબદાર છે. અમારી પાસે આ વિશે હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી. જો કોઈ અમને ફરિયાદ કરશે તો ગેરકાયદે પ્રવૃત્તિ સામે અમે ગ્પ્ઘ્માં રજૂઆત કરીશું.’

સ્થાનિક નગરસેવક કમલેશ યાદવે આ મામલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શહેરમાં મ્હાડાનાં મકાનોમાં ઓપન જગ્યાઓ દરેક સોસાયટીએ વાળી લીધી છે જેથી આગ લાગવાના સમયે બંબાઓ અંદર સુધી જઈ શકતા નથી. આ હકીકત સાચી છે.’

પોલીસનું શું કહેવું છે?

ચારકોપના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હેમંત સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મ્હાડાનાં બિલ્ડિંગોમાં રેન્ટ પર આપેલાં મકાનોમાં રેસિડન્ટ કે કમર્શિયલ ઉપયોગ કરે છે એ જોવાનું કામ અમારું નથી. અમે ભાડૂતોનો રેકૉર્ડ અને એને ભાડે આપનારાઓની વિગતો લઈને આતંકવાદી કે કોઈ ગુનેગાર છે કે કેમ એ વિશે જાણકારી મેળવીએ છીએ. વ્યાપારી હેતુ માટે ભાડે આપવું કે નહીં એ અમારો વિષય નથી. એ જોવાનું મ્હાડાનું કામ છે.’

મ્હાડાએ શું કહ્યું?

મ્હાડાના પ્રમુખ ઉદય સાંવતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે મ્હાડાનાં રહેણાકી મકાનોના કમર્શિયલ વપરાશકર્તા લોકોનો સર્વે કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી તરત જ કરીશું. હું મારા અધિકારીને આ બાબતે સ્થળતપાસ કરીને રિપોર્ટ કરવા આદેશ આપીશ.’

મ્હાડાના પ્રેસિડન્ટ ઑફિસર યોગેશ મહાંગળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે શિવાજી રાજે સંકુલ અને ચારકોપનાં મ્હાડાનાં રાહતદરે રહેણાકી મકાનોના લાભાર્થીની પૉલિસીની તપાસ કરી ગેરકાયદે પ્રવૃત્તિ જણાશે તો કાર્યવાહી કરીશું. હાલમાં આ વિશે શું ચોક્કસ પૉલિસી છે એ હું અભ્યાસ કર્યા પછી જણાવી શકીશ.’

આ પણ વાંચોઃ CSMTની દુર્ઘટના માટે જવાબદાર મુંબઈનો વસ્તી વિસ્ફોટ:ઉદ્ધવ ઠાકરે

નિયમોના આધારે પરમિશન આપી શકાય : રવીન્દ્ર વાયકર

રાજ્યના ગૃહનર્મિાણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રવીન્દ્ર વાયકરે કહ્યું હતું કે ‘મ્હાડા દ્વારા રેસિડેન્શિયલ તરીકે આપવામાં આવેલા ગાળાનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે નિયમોના આધારે મ્હાડા પાસેથી પરવાનગી લેવી આવશ્યક છે. મ્હાડા ઑથોરિટી બન્યા પહેલાં ગ્પ્ઘ્ના કાયદાના આધારે કામ કરતી હતી અને એના કાયદામાં આવી જોગવાઈ હોવાથી મ્હાડાને પણ આવી પરવાનગી આપવી પડે છે. વપરાશકારો આ માટે મ્હાડાને અરજી કરી શકે છે અને તેમણે કેટલીક શરતો પૂરી કરવી પડે છે. આ બધું હોય તો મ્હાડા થોડી ફી લઈને વ્યાવસાયિક વપરાશની પરવાનગી આપી શકે છે. જોકે આ માટે સોસાયટીનું ફ્બ્ઘ્ હોવું આવશ્યક છે.’