હૅન્કરચીફના પ્રાઇસ ટૅગ પરથી કમાન્ડોએ ઓળખી કાઢી રિક્ષા

23 November, 2012 07:07 AM IST  | 

હૅન્કરચીફના પ્રાઇસ ટૅગ પરથી કમાન્ડોએ ઓળખી કાઢી રિક્ષા



મુંબઈપોલીસના સ્પેશ્યલ પ્રોટેક્શન યુનિટના ત્રણ કમાન્ડોએ ૨૭ ઑક્ટોબરે પોતાની ૨૦૦ રાઉન્ડ કારતૂસોથી ભરેલી બૅગ જે ઑટોરિક્ષામાં ભૂલી ગયા હતા. તેને રિક્ષાના મીટર પર લાગેલા હૅન્કરચીફના પ્રાઇસ ટૅગથી શોધી તેમની બૅગ પાછી મેળવી હતી. આ કેસમાં રિક્ષા-ડ્રાઇવરની બૅગ છુપાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

કારતૂસો ભરેલી બૅગ ગુમ થયાનું ધ્યાનમાં આવ્યા બાદ તેની ત્રણ દિવસની સતત શોધખોળ બાદ ગુરુવાર, ૧૫ નવેમ્બરે અંધેરીની ગલીઓમાંથી રિક્ષાને શોધી કાઢવામાં આવી હતી અને કારતૂસ પાછી મેળવવામાં આવી હતી. ત્રણ કમાન્ડોમાંથી એક કમાન્ડોને રિક્ષાના મીટર પર લગાડવામાં આવેલા હૅન્કરચીફનું સ્ટિકર યાદ હતું અને એની મદદથી રિક્ષાની ઓળખ થઈ શકી હતી અને કારતૂસો પાછી મેળવી શકાઈ હતી. આ ત્રણેય કમાન્ડોએ ઇન્ટર્નલ ઈન્ક્વાયરીમાં ક્લીન-ચિટ મળ્યાં બાદ રિક્ષાને શોધી કાઢવાનું બીડું ઉઠાવ્યું હતું. આ પહેલાં ઍરપોર્ટ પોલીસ અને મુંબઈ પોલીસ આ રિક્ષાને શોધી શક્યા નહોતા. ત્રણેય જવાનોએ સતત ત્રણ દિવસ મહેનત કરીને રિક્ષાને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

જે દિવસે ત્રણેય કમાન્ડો કારતૂસ ભરેલી બૅગ ભૂલ્યા હતા એ જ દિવસે વિજય માને નામનો કમાન્ડો પોતાનો રૂમાલ ખોઈ બેઠો હતો અને રિક્ષામાં બેસતાં પહેલાં જ તેણે નવો રૂમાલ ખરીદ્યો હતો.

૨૭ ઑક્ટોબરે વિજય દફ્તરી માને અને તેમના બે સહકાર્યકર જિતેન્દ્ર ભોરે અને ચંદ્રકાન્ત દુલગુડે યુનિયન હોમ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેને લેવા ઍરપોર્ટ પર જઈ રહ્યા હતા ત્યારે  પોતાની સાથે એક બંદૂકમાં ૨૦ ગોળી ભરેલી એવી ત્રણ બંદૂકો સાથે લઈ ગયા હતા અને કટોકટીના સમયે પણ ઉપયોગ કરી શકાય એ માટે ૨૦૦ વધારાના રાઉન્ડ્સ પણ લીધા હતા. તેમણે જુહુથી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સુધી રિક્ષા કરી હતી.

કમાન્ડો લગભગ સાંજે પાંચ વાગ્યે ઍરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ તેઓ કટોકટીમાં ઉપયોગમાં લેવાની કારતૂસો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. તેમને કારતૂસોની બૅગ યાદ આવતાં તરત જ રિક્ષાની શોધ કરવા નીકળી પડ્યા હતા. વીઆઇપી સિક્યૉરિટીના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર પરમબીર સિંહે કહ્યું હતું કે ‘જોકે તેમની ભૂલ હતી તો પણ જવાબદારી લઈને સારી રીતે પોતાની ફરજ નિભાવી હતી.’

શોધ કેવી રીતે થઈ?

૧૩ નવેમ્બર : અંદાજે સાંજે સાત વાગ્યે વિજય દફ્તરી માને, જિતેન્દ્ર ભોરે અને ચંદ્રકાન્ત દુલગુડે જ્યાં રિક્ષામાંથી ઊતર્યા હતા ત્યાં જ ઍરપોર્ટ પર પાછા ગયા હતા. તેમણે આજુબાજુ જોયું ત્યારે તેમને નજીકમાં લગાડેલા સીસીટીવી કૅમેરા દેખાયા હતા. ત્યાર પછી તેમણે ઍરપોર્ટ પોલીસની મદદથી સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં, પરંતુ એમાંથી રિક્ષાની નંબરપ્લેટ સ્પષ્ટ જોઈ શકાતી નહોતી. ત્યાર પછી તેઓ ટ્રાફિક ચોકી ગયા હતા, જ્યાં બીજા સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા હતા. ત્યાંથી પણ રિક્ષાની આગળની બાજુ લગાવવામાં આવેલી રેડ ટેપ સિવાય કંઈ જ મળ્યું નહોતું.

૧૪ નવેમ્બર : ત્રણ કૉન્સ્ટેબલોએ ત્રણ કમાન્ડો સાથે બાઇક પર ફરીને દરેક ગૅરેજ, ઑટો ક્લીનિંગ, રિપેરિંગ સ્ટેશન અને જુહુથી સાંતાક્રુઝ સુધીના દરેક સીએનજી પમ્પની મુલાકાત લીધી હતી. તેમણે એ રૂટની દરેક સ્કૂલ, મૉલ અને શૉપના સીસીટીવી કૅમેરા પણ ચેક કર્યા હતા.

૧૫ નવેમ્બર : દરેક સીસીટીવી કૅમેરાના રેકૉર્ડિંગ અને ફોટા ફરી ચેક કરતાં પોલીસને એક કડી મળી હતી, જેનાથી જાણ થઈ હતી કે રિક્ષા અંધેરીમાં આવેલા ઇન્દિરાનગરના સ્લમ વિસ્તારની ગલીમાં પાર્ક કરવામાં આવી હતી. રિક્ષાના મીટર પર લગાડેલા સ્ટિકર અને આગળની રેડ ટેપથી રિક્ષાની ઓળખ કરવામાં આવી હતી.

જે દિવસે કારતૂસો ખોવાઈ હતી એ જ દિવસે વિજય માનેનો હૅન્કરચીફ પણ ખોવાયો હતો અને રિક્ષામાં બેસતાં પહેલાં તેણે નવો હૅન્કરચીફ ખરીદ્યો હતો. રમતમાં તેણે રિક્ષામાં હૅન્કરચીફનું પ્રાઇસ સ્ટિકર કાઢીને રિક્ષાના મીટર પર લગાવ્યું હતું. એ સ્ટિકર જોતાં જ વિજય માનેને તરત જ રિક્ષાની ઓળખ થઈ ગઈ હતી. 

એમ છતાં તેમને રિક્ષા તો મળી ગઈ, પરંતુ રિક્ષા-ડ્રાઇવર મળ્યો નહોતો. તેઓ છ જણ બીજા દિવસ સવારે છ વાગ્યા સુધી ત્યાં જ બેસીને તેની રાહ જોઈ હતી અને સવારે ૬.૧૦ વાગ્યે ૩૫ વર્ષનો રિક્ષા-ડ્રાઇવર ભાનેશ્વર મુખિયા તેની રિક્ષા લેવા આવ્યો ત્યારે તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. રિક્ષા-ડ્રાઇવરે ત્રણેને ઓળખી લીધા અને પોતાના ઘરમાં કારતૂસો છુપાવવાનો ગુનો કબૂલ કર્યો હતો. ગુનો કબૂલ કર્યા પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.