મુંબઈ : શહેરને મળશે 10,000 નવા ટ્રાફિક વૉર્ડન્સ

09 October, 2020 07:31 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ : શહેરને મળશે 10,000 નવા ટ્રાફિક વૉર્ડન્સ

ટ્રાફિક પોલીસ

મુંબઈમાં કારચાલકો ટ્રાફિક જૅમની સ્થિતિ ન સર્જે એ માટે માર્ગો પર ટ્રાફિક પોલીસને મદદ કરવા વધુ ૧૦,૦૦૦ ટ્રાફિક વૉર્ડન્સ તહેનાત કરાશે. ટ્રાફિક પોલીસે મુંબઈમાં આવાં ૨૫ સ્થળોની ઓળખ કરી છે, જ્યાં ટ્રાફિક વૉર્ડન્સ ટ્રાફિક પોલીસની સાથે કામ કરશે. આ વૉર્ડન્સ ટ્રાફિકના નિયમનમાં પોલીસ અધિકારીઓને મદદ પૂરી પાડશે. આ ૧૦,૦૦૦ વૉર્ડન્સ મોટા ભાગે એનએસએસ અને એનસીસી સાથે સંકળાયેલા કોલેજના વિદ્યાર્થીઓ હશે. વિદ્યાર્થીઓ સોશ્યલ સર્વિસ ડ્યુટીના ભાગરૂપે વૉર્ડન તરીકે જોડાશે. દરેકે સપ્તાહમાં માત્ર ત્રણ કલાક ટ્રાફિક પોલીસને આપવાના રહેશે. આ રીતે ટ્રાફિક પોલીસને અઠવાડિયે ૩૦,૦૦૦ કલાક મળશે. મુંબઈના ઘણા ભાગોમાં માળખાકીય કામગીરી ચાલી રહી હોવાથી માર્ગો પર સતત ચક્કાજામ રહેતા હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

મુંબઈની વસ્તી આશરે ૧.૫ કરોડ છે અને ૧.૫ લાખ વાહનો માટે આશરે ૪૦૦૦ ટ્રાફિક પોલીસ છે, જે પ્રમાણ અપૂરતું છે. મુંબઈના માર્ગો પર તમામ સમયે ૧૦૦૦-૨૦૦૦ પોલીસ-કર્મચારીઓ મોજૂદ હોવા જોઈએ, પરંતુ ટ્રાફિક પોલીસની ઓછી સંખ્યાના કારણે વિભાગે વૉર્ડન રાખવાનું નક્કી કર્યું છે. ટ્રાફિક વૉર્ડન્સ કૉર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલા છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિક વધુ રહેતો હોય એવાં ૨૫ સ્થળોની ઓળખ કરી છે, જેમાં પેડર રોડ, સીએસએમટી જંક્શન, ક્રૉફર્ડ માર્કેટ, વરલી નાકા, માહિમ ચર્ચ, પ્રભાદેવી, બિસલેરી જંક્શન, મિલન સબવે, જોગેશ્વરી લિન્ક રોડ વગેરેનો સમાવેશ થાય છે.
૫૦ વર્ષના ટ્રાફિક વૉર્ડને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે ટ્રાફિક પોલીસ સાથે અમારી ફરજ બજાવીએ છીએ અને કંપની અમને વળતર ચૂકવે છે. અમને અન્ય કોઈ સુવિધા મળતી નથી.’

mumbai news mumbai mumbai traffic vishal singh