ટીનેજરની છેડતી કરવાના મામલે ડીઆઇજી નિશિકાંત મોરે સસ્પેન્ડ

10 January, 2020 08:26 AM IST  |  Mumbai | Faizan Khan

ટીનેજરની છેડતી કરવાના મામલે ડીઆઇજી નિશિકાંત મોરે સસ્પેન્ડ

ડીઆઇજી નિશિકાંત મોરે

પોતાના મિત્રની ૧૭ વર્ષની પુત્રીની છેડતી કરનારા ડીઆઇજી નિશિકાંત મોરે વિશે ‘મિડ-ડે’ દ્વારા સતત અહેવાલો પ્રકાશિત કરાતાં છેવટે મહારાષ્ટ્ર પોલીસે ગઈ કાલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત પીડિતાના સગાઓને ધમકાવનારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર ડ્રાઇવર કૉન્સ્ટેબલ દિનકર સાલ્વેને પણ મુખ્ય પ્રધાનના કાફલામાંથી દૂર કરી તેની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલમાં નિશિકાંત મોરે ફરાર છે અને પોલીસ તેમને ઠેકઠેકાણે શોધી રહી છે. ડીઆઇજીના સસ્પેન્શનની વાતને ડીજીપી મહારાષ્ટ્ર સુબોધ જયસ્વાલ અને ગૃહપ્રધાન અનિલ દેશમુખે સમર્થન આપ્યું છે.

ગૃહપ્રધાન અનિલ દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સાલ્વે વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને ઘણી ગંભીરતાથી લેવામાં આવી છે. પીડિતાના પરિવારને સાલ્વે ધમકાવી રહ્યો હતો એ વિડિયો પણ અમે જોયો છે. સાલ્વેએ પીડિતાના પરિવારની મુલાકાત શા માટે લીધી હતી તથા સાલ્વે અને ફરાર ડીઆઇજી વચ્ચેના સંબંધો વિશે જાણકારી મેળવવા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે.

પીડિતાના પિતાએ ડીઆઇજી વિરુદ્ધ પગલાં લેવાં બદલ રાજ્ય સરકારનો આભાર માનતાં કહ્યું હતું કે પોલીસ વિભાગે આ કામ પહેલાં જ કરવાની આવશ્યકતા હતી. આશા કરું છું કે નવી મુંબઈ પોલીસ ડીઆઇજીની વિના વિલંબ ધરપકડ કરશે.

ફરિયાદી તરફથી ડીઆઇજીનો જૂનો રેકૉર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પનવેલ સેશન્સ કોર્ટે ગઈ કાલે ડીઆઇજીની જામીનની અરજી ફગાવી દીધી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પીડિતા સુસાઇડ નોટ લખીને નાસી ગઈ છે અને હજી સુધી તેની ભાળ મળી નથી. સુસાઇડ નોટમાં તેણે પોતાના આત્યંતિક પગલાં માટે ડીઆઇજીને જવાબદાર ઠેરવ્યા છે.

બચાવ પક્ષના વકીલ અનિકેત દેશકરે કોર્ટને જણાવ્યું હતું કે ‘મોરેના પરિવાર અને પીડિતાના પરિવાર વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા અને તેમના સામે જ જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ વિરોધ નોંધાવાયો નહોતો. બન્ને વચ્ચે મિલકતનો વિવાદ થયા બાદ જ આ વિવાદ સપાટી પર આવ્યો હતો.’

આ પણ વાંચો : સજ્જડ પુરાવા હશે તો કેસ રીઓપન કરાશે : ગૃહપ્રધાન અનિલ દેશમુખ

કોર્ટની બહાર ડીઆઇજી મોરેની પત્નીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પીડિતાનો પરિવાર અમને બદનામ કરવા માગે છે. તેમણે અમારી પાસેથી ૨૦ લાખ રૂપિયા લીધા હતા જે પાછા નથી આપ્યા. અમારા સારા સંબંધો હોવાથી મેં પૈસા આપ્યા હતા, પરંતુ જ્યારે પૈસા પાછા માગ્યા તો તેઓ અકારણ વિલંબ કરવા લાગ્યા. તેમણે મારી સાથે અભદ્ર વર્તન કર્યું તથા મને અપશબ્દો પણ કહ્યા હતા અને જ્યાં સુધી જન્મદિવસની પાર્ટીનો સવાલ છે એ સમયે બધા જ ત્યાં હાજર હતા અને કોઈએ વિરોધ કર્યો નહોતો.’

Crime News mumbai crime branch mumbai crime news sexual crime mumbai news