સુધરાઈ પર ફરી ભગવો લહેરાવવા રમાઈ રમત?

03 November, 2021 10:54 AM IST  |  Mumbai | Chetna Sadadekar

વૉર્ડના વિભાજનમાં શિવસેનાને ફાયદો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બીજેપીએ કમિશનરની ઑફિસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવા કરી આરટીઆઇ

ફેબ્રુઆરી ૨૦૨૦માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે (તસવીર : સુરેશ કરકેરા)

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા પાલિકાના સુરક્ષા અધિકારી પાસે આરટીઆઇ મારફત અરજી કરીને સીસીટીવી કૅમેરાનાં ફુટેજની માગણી કરાઈ છે. આ અરજીમાં મ્યુનિસિપલ કમિશનરની ઑફિસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની માગણી કરવામાં આવી છે. બીજેપીએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી આયોગમાં આપવામાં આવેલા વૉર્ડ વિભાજનના પ્રસ્તાવમાં ગેરરીતિ આચરીને ફેરફાર કરવામાં આવ્યા છે.
બીજેપીએ પાલિકાની સત્તા ભોગવતી શિવસેના પર આરોપ કર્યો છે કે પાલિકાના ચૂંટણી વિભાગ દ્વારા તૈયાર થયેલા ડ્રાફ્ટમાં શિવસેનાએ ફેરફાર કર્યા છે. બીજેપીની પકડ હોય એવા વૉર્ડને એ રીતે વહેંચવામાં આવ્યા છે જેથી શિવસેનાને ફાયદો થાય. બીજેપીએ એવો પણ આરોપ મૂક્યો છે કે કમિશનરની રહેમનજર હેઠળ ખાનગી એજન્સીની મદદથી આ ગેરરીતિ આચરવામાં આવી છે. બીજેપીના નેતા ભાલચંદ્ર શિરસાટનું કહેવું છે કે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી ખબર પડશે કે તાજેતરમાં કોણ-કોણ કમિશનર ઑફિસમાં ગયું હતું, જેના પરથી આ કેસ માટે પુરાવા મળશે.

ફૂલો સાથે વિરોધ

એકલાં પશ્ચિમી પરાંઓમાં જ બીજેપીના ૪૮ કૉર્પોરેટરો છે. તેમનો આરોપ છે કે વૉર્ડ વિભાજનના પ્રસ્તાવમાં માત્ર આ વિસ્તારો માટે જ ફેરફાર સૂચવ્યા છે. પ્રાકૃતિક સીમાઓનું ઉલ્લંઘન કરીને મનફાવે એવી રીતે રેખાઓ ખેંચી દેવામાં આવી છે. સોમવારે બીજેપીના કૉર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનરની ઑફિસમાં પહોંચ્યા હતા અને આ ગેરરીતિ માટે તેમને ફૂલ આપી મહાત્મા ગાંધીજીની રીતે વિરોધ નોંધાવ્યો હતો.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે જમીની હકીકતો તપાસીને જ ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ બીજેપીના આક્ષેપોને ખોટા ગણાવી ફગાવી કાઢ્યા હતા અને કહ્યું હતું કે પાલિકાના કર્મચારીઓ દ્વારા થયેલી કામગીરીને આધારે જ ફેરફાર સૂચવવામાં આવ્યા છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation