મુંબઈમાં ઠંડીમાં થયો ઘટાડો

12 January, 2022 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન શહેરમાં મિનિમમ તાપમાન ૧૬ અને ૧૭ ડિગ્રીની આસપાસ રહેશે

ગઈ કાલે આરે કૉલોનીમાં તાપણું કરી રહેલું કપલ (તસવીર : અનુરાગ આહિરે)

સોમવારે સવારના મુંબઈમાં ૧૩.૨ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયા બાદ ગઈ કાલે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થયો હોવા છતાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનને લીધે ઠંડી કાયમ રહી હતી. આગામી ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગે ગઈ કાલે કરી હતી. આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન શહેરમાં મિનિમમ તાપમાન ૧૬ અને ૧૭ ડિગ્રીની આસપાસ રહેશે. જોકે રાજ્યના વિદર્ભ સહિતના કેટલાક ભાગમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાથી મકરસંક્રાંતિ સુધી પારો ૧૯ ડિગ્રી જેટલો નીચો રહેવાની શક્યતા છે.
સાંતાક્રુઝમાં ગઈ કાલે સવારે તાપમાન ૧૫.૬ ડિગ્રી તો કોલાબામાં ૧૭.૫ ડિગ્રી નોંધાયું હતું. બે ડિગ્રી તાપમાન વધ્યું હતું, પરંતુ ૨૪ કલાક ફૂંકાઈ રહેલા ઠંડા પવનને લીધે મુંબઈમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યના ઉત્તરમાં આવેલા નાગપુર સહિતના વિદર્ભના વિસ્તારમાં ભરશિયાળે ફરી એક વખત કમોસમી વરસાદ થવાની શક્યતા હોવાથી અહીં યલો અલર્ટ જારી કરવામાં આવી છે. અહીં પડનારા વરસાદને પગલે મુંબઈ સહિતના ભાગમા અત્યારે ઠંડીનો જે માહોલ છે એ ત્રણેક દિવસ કાયમ રહેશે. એ પછી ધીમે-ધીમે તાપમાન સામાન્ય થશે. હરિયાણા અને મધ્ય પ્રદેશની ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થયું હોવાને લીધે કમોસમી વરસાદની સાથે ઠંડો પવન ફૂંકાવાની આગામી બે દિવસમાં શક્યતા છે.

mumbai mumbai news