મુંબઈ : આરતી રીઠાડિયાના પપ્પાના સુસાઇડ માટે પોલીસ જ દોષી?

01 February, 2020 07:31 AM IST  |  | Anurag Kamble

મુંબઈ : આરતી રીઠાડિયાના પપ્પાના સુસાઇડ માટે પોલીસ જ દોષી?

આરતીના પપ્પા પાંચારામ

૧૭ વર્ષની આરતી રીઠાડિયા ગુમ થઈ ગઈ એ પછી તેનો મૃતદેહ મળવાની ઘટનાના ૧૦ મહિના પછી કેસની તપાસમાં ગફલતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વડાલાસ્થિત ગવર્નમેન્ટ રેલવે પોલીસ સ્ટેશન આરતીનો મૃતદેહ મળ્યા પછી એની વિગતો તમામ પોલીસ-સ્ટેશનોમાં મોકલી હોવાનો દાવો કરે છે, પરંતુ નેહરુનગર પોલીસ-સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એવી કોઈ માહિતી મળી ન હોવાનો દાવો કરે છે.

નેહરુનગર વિસ્તારની ઠક્કર બાપા કૉલોનીની રહેવાસી આરતી રીઠાડિયા ૨૦૧૯ની ૩૦ માર્ચે ગુમ થઈ હતી અને એ જ દિવસે તે ચેમ્બુર અને ટિળકનગર વચ્ચે ટ્રેન-અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તેનો મૃતદેહ પણ મળ્યો હતો. પોલીસના નિયમ મુજબ બે મહિના સુધી કોઈ મૃતદેહનો કબજો લેવા ન પહોંચતાં તેની અંતિમક્રિયા પાર પાડવામાં આવી હતી. હજી સુધી આરતીની આત્મહત્યા હતી કે અકસ્માત હતો એની સ્પષ્ટતા થઈ નથી. મુંબઈ પોલીસ અને જીઆરપીની તપાસમાં બેદરકારીને કારણે આરતીના પિતાએ આપઘાત કર્યો હતો. એ ઉપરાંત એ વિસ્તારમાં દંગલ થતાં બાવન જણની ધરપકડ કરવામાં આવી હતી. આરતી ગુમ થવાની ઘટનાનો મુખ્ય આરોપી ગણાતો ભગાચંદ ફૂલવારિયા ૨૦૧૯ના નવેમ્બર મહિનાથી જેલમાં છે.

પોલીસની તપાસમાં બેદરકારીને કારણે આરતી રીઠાડિયાના પિતા પાંચારામે ૧૩ ઑક્ટોબરે આપઘાત કર્યો હતો. પાંચારામે સુસાઇડ-નોટમાં આપઘાત માટે પોલીસતંત્ર અને તેમના સમાજના પાંચ જણ કારણભૂત હોવાનું લખ્યું હતું. બાવીસમી ઑક્ટોબરે સમાજના લોકોએ પાંચારામની સ્મશાનયાત્રા કાઢી ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. એ હુમલામાં સાત જણ ઘાયલ થયા હતા. એ વખતે દંગલ મચાવવા અને પોલીસ અધિકારી પર હુમલો કરવાના આરોપસર બાવન જણની ધરપકડ કરવામાં આવી હતી.

આરતી રીઠાડિયા અને પપ્પા પાંચારામ

૨૦૧૯ની ૩૦ માર્ચે આરતી રીઠાડિયા ગુમ થઈ એ દિવસે તેના પરિવારે નેહરુનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતી વખતે પોલીસે ઉંમરની સાબિતી માગી ત્યારે કુટુંબીજનોએ આરતીનું કૉલેજનું આઇડેન્ટિટી કાર્ડ આપ્યું હતું. એમાં આરતીની ઉંમર ૧૮ વર્ષ હતી. નેહરુનગર પોલીસ-સ્ટેશને મિસિંગ કમ્પ્લેઇન નોંધીને એનો સંદેશ બધાં પોલીસ-સ્ટેશનોને મોકલ્યો હતો. ૨૦ દિવસ પછી પરિવારે પોલીસને આપેલા બર્થ-સર્ટિફિકેટમાં આરતી સગીર વયની હોવાનું જણાવાયું હતું. નેહરુનગર પોલીસ-સ્ટેશને અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. ૨૦ દિવસના ગાળામાં પોલીસે નજીકની હૉસ્પિટલોમાં તપાસ કરી નહોતી.

વડાલા જીઆરપીને ૨૦૧૯ની ૩૦ માર્ચે આરતીનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો અને ત્યાં તેની ઉંમર બાવીસ વર્ષની નોંધાઈ હતી. એ ઘટના પછી મૃતદેહ મળ્યાની માહિતી પોલીસ નેટવર્કમાં સર્ક્યુલેટ કરવામાં આવી હોવાનો દાવો વડાલા જીઆરપી કરે છે, પરંતુ નેહરુનગર પોલીસ-સ્ટેશન એવી કોઈ માહિતી ન મળી હોવાનો દાવો કરે છે.

મુંબઈ પોલીસના ઝોન-૬નો અખત્યાર સંભાળતા નાયબ કમિશનર શશીકુમાર મીણાએ જણાવ્યું હતું કે અમે ઘટનાક્રમની હકીકતોને તપાસીએ છીએ અને તપાસમાં ક્યાં બેદરકારી રહી છે એની ચોક્કસ માહિતી મેળવીશું. એવી જ રીતે ગવર્નમેન્ટ રેલવે પોલીસના નાયબ કમિશનર એમ. એમ. માકંદકરે જણાવ્યું હતું કે અમારા અધિકારીઓએ છોકરીની ઓળખ માટે ચોક્કસ શું કર્યું અને તેમણે સ્ટેન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરનો ઉપયોગ કર્યો હતો કે નહીં એની અમે તપાસ કરીએ છીએ.

નેહરુનગર પોલીસ-સ્ટેશને આરતીની મિસિંગ કમ્પ્લેઇન નોંધ્યા પછી તેને શોધવાનું કામ ઇન્સ્પેક્ટર દીપક ચવ્હાણના નેતૃત્વ હેઠળના ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૬ને સોંપવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ, નવી મુંબઈ અને થાણેનાં પોલીસ-સ્ટેશનોના ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ તપાસવા ઉપરાંત વિમેન્સ શેલ્ટર હોમ, ચિલ્ડ્રન્સ હોમ અને મહિલાઓની જેલોમાં પણ તપાસ કરી હતી. જીઆરપી પાસેથી અકસ્માતોના મળેલા રિપોર્ટ પણ તપાસ્યા પછી છેવટે સાયન હૉસ્પિટલના શબઘરનો રેકૉર્ડ તપાસતાં બાવીસ વર્ષની છોકરીના મૃતદેહનું વર્ણન આરતીની સાથે મળતું આવતાં તેના ફોટોગ્રાફસના આધારે ઓળખ શક્ય બની હતી.

 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch nehru nagar anurag kamble