કોરોનાની તપાસમાં ખબર પડી કે ફેફસામાં તો ટાંકણી અટકી ગઈ છે

25 February, 2021 09:05 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કોરોનાની તપાસમાં ખબર પડી કે ફેફસામાં તો ટાંકણી અટકી ગઈ છે

બાળકીનો એક્સ-રે

ચેમ્બુરમાં રહેતી ૧૦ વર્ષની ગુજરાતી બાળકી ટાંકણી ગળી ગઈ હતી એને છેક બે વર્ષ બાદ ડાબા ફેફસામાંથી કાઢવામાં ડૉક્ટરોને સફળતા મળી છે. ચેમ્બુરમાં આવેલી ઝેન મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં તેની સારવાર થઈ હતી. હૉસ્પિટલમાં સારવાર બાદ બાળકીની તબિયતમાં સુધારો આવ્યો હતો અને તેને ૪૮ કલાક બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હોવાથી ચેમ્બુરના આ ગુજરાતી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

બાળકીના ડાબા ફેફસામાં ફસાયેલી પિન સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી

ચેમ્બરુમાં રહેતી દસ વર્ષની ચેતના શાહ (નામ બદલ્યું છે) બે વર્ષ પહેલાં રમતાં-રમતાં અચાનક જ ટાંકણી ગળી ગઈ હતી. આ વિશે પરિવારજનોને જાણ થઈ ત્યારે તેમણે ચેતનાના પેટનો એક્સ-રે કરાવ્યો હતો, પરંતુ મેડિકલ ટેસ્ટમાં કંઈ જાણવા મળ્યું નહોતું. એથી પરિવારજનો નિશ્ચિંત થઈ ગયા કે મેડિકલ રિપોર્ટમાં કંઈ આવ્યું નથી એટલે કોઈ પ્રૉબ્લેમ નથી. એટલે આ વાતને તેમણે જતી કરી હતી. આ બનાવ બાદ છેક દોઢ વર્ષ પછી ચેતનાને વારંવાર ખાંસી આવવાની શરૂ થઈ હતી. એટલે પરિવારજનોએ તેને ઝેન હૉસ્પિટલમાં દાખલ કરી હતી. હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમે સફળતાપૂર્વક તેનો ઇલાજ કર્યો હતો.

ઝેન મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલના ઈએનટી સર્જ્યન ડૉ. ક્ષિતિજ શાહે જણાવ્યું હતું કે ‘બાળકીની પહેલાં તપાસ કરવામાં આવી હતી અને એમાં તેની ચેસ્ટનો એક્સ-રે કાઢવામાં આવ્યો હતો. એના રિપોર્ટમાં તેના ચેસ્ટની લેફ્ટમાં અને નીચેના વાયુમાર્ગમાં એક પિન હોવાનું દેખાઈ આવ્યું હતું. એથી આ પિનને શોધવા માટે ચેસ્ટનું સીટી સ્કૅન કરવામાં આવ્યું હતું. એમાં પિન ડાબા ફેફસામાં ફસાઈ ગઈ હોવાનું જણાયું હતું. એથી એને બ્રોન્કોસ્કોપી દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ’

ચેતનાના પિતા સંજીવ શાહ (નામ બદલવામાં આવ્યું છે)એ કહ્યું હતું કે ‘બે વર્ષ પછી મારી દીકરી ઓકે થઈ છે. ચેતનાને કોઈ હેરાનગતિ નહોતી, પરંતુ અચાનક ખાંસીનું પ્રમાણ વધતાં અમને ચિંતા થઈ હતી કે તેને કોરોના સંક્રમણ તો નથીને. એટલે તેની હાલત જોઈને અમે તેને દેખાડવા માટે ઝેન હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં મેડિકલ તપાસ કર્યા બાદ પિન તેના ડાબા ફેફસામાં ફસાયેલી હોવાની જાણ થઈ હતી. ડૉક્ટરોએ મહેનત કરીને પિનને કાઢવામાં સફળતા મેળવી હતી.’

mumbai mumbai news chembur coronavirus covid19 preeti khuman-thakur