મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા

16 October, 2020 07:10 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે પવન ફૂંકાતાં છેલ્લા પાંચ દિવસથી વાવાઝોડું સર્જાયું છે અને એણે ગઈ કાલે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને ધમરોળતાં ગઈ કાલ રાત સુધીમાં અરબી સમુદ્રમાં કોકણ સાઇડમાં એની ગતિ જોવા મળી હતી.

કોલાબા વેધશાળાએ જણાવ્યા અનુસાર ગુરુવાર મધરાત બાદ એ વાવાઝોડું મુંબઈ તરફ ફંટાઈ શકે છે એને કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે. ગઈ કાલે મુંબઈમાં સવારે ૮.૩૦થી રાતે ૮.૩૦ વાગ્યા દરમ્યાન કોલાબામાં ૩૪.૮, જ્યારે સાંતાક્રુઝમાં ૨૦.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને પણ આ બાબતે જણાવતાં તેમણે પૂરતી તૈયારી કરી છે. ઑફિસરના જણાવ્યા અનુસાર મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે એથી ૩૦૦ જેટલા પમ્પ તૈયાર રખાયા છે.

વળી દરેક વૉર્ડમાં આને વિશે જાણ કરીને તેમના વૉર્ડમાં તકેદારી લેવાનું કહેવાયું છે. પાલિકાના વૉરરૂમમાં પણ આ બાબતે ઑફિસરો દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવાના ઉપાય હાથ ધરાયા છે.

મુંબઈને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી બેસ્ટ અને અન્ય કંપનીઓને પણ અલર્ટ કરાઈ છે. પોલીસ અને ફાયરબ્રિગેડને પણ તહેનાત રહેવા જણાવાયું છે.

આ વખતે પાછોતરો વરસાદ મુંબઈ અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખેંચાઈ ગયો છે અને તેને કારણે રાજ્યના ખેડૂતોએ પણ મોટું નુકસાન ભોગવવું પડે એ‍વી શક્યતા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.

mumbai mumbai news mumbai monsoon mumbai trains