મધ્ય રેલવેની પહેલી એસી લોકલ શરૂ કરાઈ: ઉતારુઓએ આપ્યા મિશ્ર પ્રતિભાવ

31 January, 2020 07:25 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મધ્ય રેલવેની પહેલી એસી લોકલ શરૂ કરાઈ: ઉતારુઓએ આપ્યા મિશ્ર પ્રતિભાવ

ટ્રેનની ખરી કસોટી શુક્રવારે થશે જ્યારે એ પીક અવર્સમાં રેલવેના કાફલામાં જોડાશે.

મધ્ય રેલવેની પહેલી એસી ટ્રેન ગઈ કાલે ફ્લૅગ ઑફ કરાઈ હતી. જોકે ટ્રેન ફ્લૅગ ઑફ કરવાના અન્ય પ્રસંગોની તુલનાએ આ પ્રસંગની શરૂઆત થોડી જુદી રીતે થઈ હતી.

સૌપ્રથમ તો રાજ્યના રેલવે ખાતાના પ્રધાન સુરેશ અંગદી મોડા પડતાં પ્રસંગની શરૂઆતમાં ૪૦ મિનિટનો વિલંબ થયો હતો અને ત્યાર બાદ ઉદ્ઘાટનમાં સામેલ થનારી હસ્તીઓની યાદીમાં પોતાનું નામ ન જોતાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર રોષે ભરાયાં હતાં જેના પગલે શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે રેલવે-અધિકારીઓને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમે સંસદસભ્યો જનતા માટે સુવિધાઓ વિકસાવવા દિવસ-રાત રેલવે-અધિકારીઓના સંપર્કમાં રહીને મહેનત કરતા હોઈએ છીએ અને પછી અમારી ઉપેક્ષા કરાય તો એ સંસદસભ્યોનું અપમાન છે.’

એસી લોકલનાં મોટરપર્સન મનીષા.

મધ્ય રેલવેમાં એસી લોકલ શરૂ થવા વિશે ‘મિડ-ડે’એ ઉતારુઓનો પ્રતિભાવ મેળવવા કેટલાક લોકો સાથે વાત કરી તો એને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યા હતા. એક ઉતારુ મંદાર મોદકે કહ્યું કે ‘એસી લોકલ શરૂ કરતાં પહેલાં રેલવેના અધિકારીઓએ ગિરદી વિશે વિચાર કર્યો છે ખરો? બે સાદી લોકલની વચ્ચે એક એસી લોકલ મૂકવાથી સૂચિત બે ટ્રેન વચ્ચે સહેજે ૨૫-૨૮ મિનિટનું અંતર પડી જશે એટલામાં પ્લૅટફૉર્મ પરની ભીડમાં કેટલો વધારો થશે એનો વિચાર કર્યો છે ખરો?’

અન્ય એક ઉતારુએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ‘ઐરોલી, રબાલે અને ઘનસોલી જેવા લાંબા અંતરે જતા મુસાફરો માટે એસી લોકલ ઘણી ઉપયોગી રહેશે. તેઓની મુસાફરી આહલાદક રહેશે. જોકે ટિકિટના દર ઘણા વધુ છે. ફર્સ્ટ ક્લાસના ભાડા કરતાં એસી લોકલનું ભાડું ત્રણ ગણું વધુ છે. રેલવેએ એસી ટ્રેનની ટિકિટનો વિકલ્પ અપગ્રેડ કર્યો ન હોવાથી ઉતારુઓએ અગાઉથી ટિકિટ લેવી પડશે.’

central railway indian railways mumbai news mumbai rajendra aklekar mumbai local train