સેન્ટ્રલ રેલવે સિક્યૉરિટી વધારવા હજી સર્વે કરશે

18 December, 2012 05:59 AM IST  | 

સેન્ટ્રલ રેલવે સિક્યૉરિટી વધારવા હજી સર્વે કરશે



વેદિકા ચૌબે

મુંબઈ, તા. ૧૮

રેલવે-સ્ટેશનો પર સુરક્ષા માટેનાં ઉપકરણો લગાવતાં પહેલાં સેન્ટ્રલ રેલવેએ તમામ મહત્વનાં રેલવે-સ્ટેશનો પર કેટલા મુસાફરો હોય છે અને કેટલો વિસ્તાર સુરક્ષાનાં ઉપકરણો આવરી શકે છે એનો સર્વે કરવાનો નર્ણિય લીધો છે. અગાઉ રેલવે ઑથોરિટીએ કોઈ પણ જાતના પૂર્વઅભ્યાસ વિના માત્ર મૂકવા ખાતર સુરક્ષાનાં ઉપકરણો મૂકી દીધાં હતાં, પરંતુ આ વખતે મુસાફરોને એનાથી લાભ થાય એ રીતે એને ગોઠવવાનો નર્ણિય લીધો હતો. સીએસટી, દાદર, કુર્લા, થાણે તથા કલ્યાણ જેવાં સ્ટેશનો પર એ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

એક રેલવે-અધિકારીએ કહ્યું હતું કે ‘અમારી પાસે ઘણા સીસીટીવી કૅમેરા છે અને સ્ટેશન પર ઘણી જગ્યા પણ છે, પરંતુ કેટલાંક એવાં સ્થળો છે જ્યાં કૅમેરાની કોઈ આવશ્યકતા જ નથી. સુરક્ષા માટેનાં ઉપકરણો બેસાડતાં પૂર્વે આ તમામ બાબતોનો અમે અભ્યાસ કરી લેવા માગીએ છીએ.’

મહત્વનાં રેલવે-સ્ટેશનો પર ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમ બેસાડવા માટે એક કંપનીની નિમણૂક કરવામાં આવી છે. સીએસટી, દાદર, કુર્લા, થાણે, કુર્લા ટર્મિનસ તથા કલ્યાણ જેવાં ૬ સ્ટેશનો પર ૭૮૪ ઇન્ટરનેટ-બેઝ્ડ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. મુંબઈ ડિવિઝનમાં સેન્ટ્રલ રેલવેનાં તમામ સ્ટેશનો મળીને ૯૭૭ સીસીટીવી કૅમેરા, ૯૫ ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર્સ, ૧૮૩ હૅન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર્સ તથા ચાર બૅગેજ સ્કૅનર છે. રેલવે-સ્ટેશનો પર કેટલા સીસીટીવી, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર્સ તથા બૅગેજ સ્કૅનર્સ બેસાડવામાં આવશે એ સર્વે બાદ નક્કી કરવામાં આવશે.

૨૦૧૧-’૧૨ના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કૅગ)ના રર્પિોટમાં જુલાઈ ૨૦૦૮માં તૈયાર કરવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમના અમલીકરણમાં થયેલા વિલંબ બદલ રેલવેની ટીકા કરવામાં આવી હતી. ૨૦૦૮ નવેમ્બરમાં થયેલો આતંકવાદી હુમલો પણ ત્યાર બાદ થયો હતો. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મૅનેજર મુકેશ નિગમે કહ્યું હતું કે ‘કોઈ પણ સુરક્ષા માટેનાં ઉપકરણો બેસાડતાં પૂર્વે અમે સર્વે કરાવીએ છીએ. આ વખતે પણ રેલવે-સ્ટેશનોના સર્વે બાદ જ ઉપકરણો બેસાડવામાં આવશે.’