✕

છેલ્લા ૧૫ ‌દિવસથી મોડી પડતી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનો સોમવારે સાવ ઠપ થઈ ગઈ

27 October, 2026 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તપાસ માટે હાઈ લેવલની ક‌મિટીની રચના: હજી બધું નૉર્મલ થતાં થોડાક ‌દિવસ લાગશે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સેન્ટ્રલ રેલવેના પૅસેન્જરો માટે અઠવાડિયાનો પહેલો દિવસ મુશ્કેલીભર્યો રહ્યો હતો. મુલુંડ અને નાહૂર વચ્ચે ઓવરહેડ ઇક્વિપમેન્ટ પર વાયર લટકતો દેખાતાં આ બન્ને સ્ટેશનો વચ્ચે ટ્રેન લાંબા સમય સુધી ઊભી રહી હતી, જેને કારણે કલાકો સુધી ટ્રેનમાં અટવાયેલા પૅસેન્જરોને કંટાળીને ટ્રૅક પર ઊતરીને પગપાળા જવાની ફરજ પડી હતી. બીજી બાજુ કાંજુરમાર્ગ સ્ટેશનના રિલે રૂમ-સિગ્નલ કૅબિનમાં આગ લાગતાં આસપાસનો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. એને કારણે સિગ્નલિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી અને ટ્રેન-સર્વિસિસને અસર થઈ હતી. 
આ બન્ને ઘટનાને કારણે પહેલેથી જ મોડી ચાલતી સેન્ટ્રલ રેલવેની ટ્રેન-સર્વિસ વધુ મોડી થઈ હતી. છેલ્લા ૧૫ દિવસથી એક કે બીજા કારણસર સેન્ટ્રલ રેલવેની ટ્રેનો મોડી દોડી રહી છે. સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર (PRO)એ જણાવ્યું હતું કે સવારે ૯.૩૩ વાગ્યે કાંજુરમાર્ગ લાઇન પરનાં બધાં જ સિગ્નલ બ્લૅન્ક થઈ ગયાં હતાં અને એને કારણે કાંજુરમાર્ગ અને ભાંડુપ વચ્ચેની સિગ્નલ-સિસ્ટમ પણ ઠપ થઈ ગઈ હતી. એને પગલે કાંજુરમાર્ગ તથા વિક્રોલી તથા ભાંડુપ દરમ્યાન દોડતી ટ્રેનોને A-બોર્ડ પદ્ધતિએ ચલાવવામાં આવી હતી. A-બોર્ડ પદ્ધ‌તિ મુજબ સિગ્નલ-સિસ્ટમ કામ ન કરે ત્યારે મૅન્યુઅલી ટ્રેન-સર્વિસિસને મૅનેજ કરવામાં આવે છે અને એની મૂવમેન્ટ નક્કી કરવામાં આવે છે. ડાઉન થ્રૂ લાઇન સાંજે ૪.૧૦ વાગ્યે, અપ લાઇન સાંજે ૪.૪૫ વાગ્યે અને ડાઉન લોકલ લાઇન સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થઈ હતી.
જોકે કલાકો સુધી સિગ્નલ-સિસ્ટમ ઠપ રહી હોવાને કારણે પ્રવાસીઓના હાલ ખૂબ જ ખરાબ થયા હતા અને રેલવે-સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓ કલાકો રાહ જોયા પછી ત્રાસીને ટ્રેનમાંથી ઊતરીને ટ્રૅક પર ચાલીને નજીકના 
રેલવે-સ્ટેશને પહોંચ્યા હતા તથા અમુક લોકોને જ્યાં રોડ દેખાય ત્યાં પહોંચીને બસ કે રિક્ષા મારફત પ્રવાસ કરવાની ફરજ પડી હતી. 

 કાંજુરમાર્ગના સિગ્નલની સર્કિટને તાત્પૂરતા ધોરણે રીસ્ટોર કરવામાં આવી છે. જોકે સંપૂર્ણપણે એનું સમારકામ કરતાં ૧૦ દિવસ જેટલો સમય લાગશે. ઘટનાનું કારણ જાણવા માટે હાઈ-લેવલ કમિટીની રચના કરવામાં આવી છે.

પૅસેન્જરોનો દિવસ બગડ્યો શેના કારણે?

સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ
 થાણે, મુલુંડ અને ભાંડુપ રેલવે-સ્ટેશન વચ્ચે સિગ્નલ સિસ્ટમમાં ખામી ઊભી થઈ.
 કન્ટ્રોલ-રૂમને ઓવરહેડ લાઇનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની જાણ કરવામાં આવી.
 એના કારણે અપ અને ડાઉન લાઇન પર ટ્રેનની સ્પીડ પર અંકુશ મૂકવામાં આવ્યો, જેના કારણે બધી જ ટ્રેન-સર્વિસને અસર થઈ. 
 મેઇન્ટેનન્સ અને રિપેરિંગ હાથ ધરાયું.
કાંજુરમાર્ગના રિલે 
રૂમ-સિગ્નલ રૂમમાં આગ
 કાંજુરમાર્ગના રિલે રૂમ-સિગ્નલ કૅબિનમાં આગ લાગી અને ચોતરફ ધુમાડો પ્રસર્યો.
 કાંજુરમાર્ગ સ્ટેશન નજીકના રિલે હટમાં ઘટના બની.
 સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ લાગેલી આગને કારણે મહત્ત્વનાં ઉપકરણો બળીને ખાખ.
 એને કારણે ભાંડુપ અને વિક્રોલી વચ્ચેની તમામ ૬ રેલવે-લાઇન પરની સિગ્નલ-સિસ્ટમ ઠપ થઈ ગઈ.

ડાઉન લાઇન પર દોડાવવામાં આવી ટ્રેનો, વિક્રોલી-ભાંડુપ વચ્ચે સંપૂર્ણ બ્લૉક
વિક્રોલી અને ભાંડુપ ડાઉન અને ડાઉન-થ્રૂ લાઇન પર તથા રિવર્સ દિશામાં આ બન્ને સ્ટેશનો દરમ્યાન અપ અને અપ-થ્રૂ સંપૂર્ણપણે બ્લૉક મૂકવાની ફરજ સેન્ટ્રલ રેલવેને પડી હતી. એને પગલે આ બન્ને સ્ટેશનો દરમ્યાન બ્લૉકની સ્થિતિ રહી હતી. વિશેષ સત્તા હેઠળ રેલવે-અધિકારીઓએ મંજૂરી આપી હોય એ જ ટ્રેનોને આ સ્ટેશન પર આવવા દેવામાં આવી હતી. 

સ્ટેશનો પર સ્ટૅમ્પીડ જેવી સ્થિતિ
હજી રવિવાર હોવાને કારણે સેન્ટ્રલ રેલવેએ મેગા બ્લૉક રાખ્યો હતો ત્યારે સોમવારે વર્કિંગ ડે હોવાથી અને અઠવાડિયાનો પહેલો જ દિવસ હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે જ પીક અવર્સ દરમ્યાન આ સમસ્યા ઊભી થાય બાદ આખો દિવસ ટ્રેનો દોઢ કલાક મોડી પડી હતી અને બધાં જ મોટાં સ્ટેશનો પર મુસાફરોની હૈયે હૈયું ભિડાય એવી ભીડ થઈ હતી. દાદર, કલ્યાણ, થાણે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશનો પર રીતસર સ્ટૅમ્પીડની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક મુસાફરો પ્લૅટફૉર્મ પર પડી ગયા હતા અને અમુક મુસાફરો ભીડને કારણે ટ્રૅક પર પણ સરકી ગયા હતા. જોકે મુસાફરોએ એકબીજાને સહારો આપીને આ સ્થિતિમાં મદદ કરી હતી. અમુક જગ્યાએ ટ્રેનમાં ચડવાના મામલે મુસાફરો વચ્ચે મારામારી થઈ હોવાના બનાવો પણ બન્યા હતા.

રેલવેના કર્મચારીઓની અમાનવીય આડોડાઈ : તેમના માટેની થાણે-કલ્યાણ સ્પેશ્યલ ટ્રેન ખાલી હોવા છતાં અન્ય પૅસેન્જરો માટે દરવાજા ન ખોલ્યા

સિગ્નલ-ફેલ્યર અને કાંજુરમાર્ગમાં એક ઍક્સિડન્ટ થવાને કારણે સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલ સવારથી જ ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું જેની અસર સાંજે પણ જોવા મળી હતી. સાંજે પણ ટ્રેનો મોડી દોડી રહી હોવાથી સાંજના પીક-અવર્સમાં અનેક લોકો હેરાન થયા હતા. સેન્ટ્રલ રેલવે દ્વારા એના કર્મચારીઓ માટે સ્પેશ્યલ લોકલ ટ્રેન થાણેથી કલ્યાણ તરફ જવા છોડે છે. ગઈ કાલે એ ટ્રેનમાં રેલવે-કર્મચારીઓ રોજ પ્રમાણે કારશેડમાંથી જ બેસીને આવ્યા હતા. થાણે બે નંબરના પ્લૅટફૉર્મ પર જ્યારે એ ટ્રેન આવી ત્યારે ટ્રેનની રાહ જોઈ રહેલા અને હેરાન થયેલા પ્રવાસીઓએ એ ટ્રેનમાં ચડવાની કોશિશ કરી હતી. રેલવેના કર્મચારીઓએ આવી પરિસ્થિતિમાં એ સ્પેશ્યલ ટ્રેનમાં પ્રવાસીઓને પ્રવાસ કરવાની છૂટ આપવાના બદલે પોતે શાંતિથી ભીડભાડ વગર આરામથી પ્રવાસ કરી શકે એ માટે ટ્રેનના દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા. બહારથી અનેક પ્રવાસીઓએ તેમને રિક્વેસ્ટ કરી કે દરવાજા ખોલો તો અમે પણ પ્રવાસ કરી શકીએ. એવું નહોતું કે એ ટ્રેનમાં જગ્યા નહોતી. ઘણી જગ્યા હતી પણ તેમણે અન્યોનો વિચાર ન કરતાં માત્ર પોતાનો જ વિચાર કર્યો. પ્લૅટફૉર્મ પર ઊભેલા પ્રવાસીઓએ બહારથી દરવાજા ખોલવાની બહુ ટ્રાય કરી હતી પણ દરવાજા ખૂલ્યા નહોતા અને લોકોએ હાડમારી ભોગવવી પડી હતી. જો રેલવેના કર્મચારીઓએ દરવાજા ખોલ્યા હોત તો અનેક લોકો એમાં પ્રવાસ કરી શક્યા હોત પણ તેમણે આડોડાઈ કરી હતી. વીફરેલા એક પ્રવાસીએ તો તેની પાસેનું પાણી ટ્રેન પર ફેંકીને આ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. અનેક પ્રવાસીઓએ રેલવેના એ કર્મચારીઓને ગાળો ભાંડી હતી. 

સેન્ટ્રલ રેલવેમાં વિલંબને કારણે સોમૈયા કૉલેજની કેમિસ્ટ્રીની પરીક્ષા મુલતવી

વિદ્યાવિહારસ્થિત સોમૈયા કૉલેજની ગઈ કાલે યોજાનારી મિડ-સેમેસ્ટર કેમિસ્ટ્રીની પરીક્ષા સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પર ટ્રેનવ્યવહાર ખોરવાઈ જવાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. સવારના પીક અવર્સ દરમ્યાન મુલુંડ અને થાણે સ્ટેશનો વચ્ચે ઓવરહેડ ઇક્વિપમેન્ટ પરથી અજાણ્યો વાયર લટકતો મળી આવતાં સેન્ટ્રલ રેલવેની સબર્બન ટ્રેન-સર્વિસ ખોરવાઈ ગઈ હતી, જેને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા અનેક વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. કૉલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને કૉલેજ તરફથી મેસેજ મળ્યો છે જેમાં આ પરીક્ષા હવે ૨૮ ઑક્ટોબરે યોજાશે એવી માહિતી આપવામાં આવી છે.

હાલાકી વચ્ચે મહિલા TCએ ટિકિટ માગી, પ્રવાસીઓનો પિત્તો ગયો

સેન્ટ્રલ રેલવે પર સોમવારે સર્જાયેલી ભારે અંધાધૂંધી વચ્ચે થાણે અને સાયન વચ્ચે લોકલ ટ્રેનમાં પૂરા ૩ કલાક સુધી અટવાયેલા ‘મિડ-ડે’ના સ્ટાફર શહબાઝ ખાને પોતાની કડવી આપવીતી જણાવતાં કહ્યું હતું કે ‘હું મારા રોજના નિત્યક્રમ મુજબ કલ્યાણથી બપોરે ૧૨.૪૦ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી લોકલ ટ્રેનમાં ચડ્યો હતો. ટ્રેન કોઈ પણ અડચણ વિના નિર્ધારિત સમયે થાણે સ્ટેશને પહોંચી ગઈ હતી, પરંતુ જેવી એ મુલુંડ નજીક પહોંચી કે અચાનક થંભી ગઈ. ટ્રેન શા કારણે ઊભી રાખી દેવામાં આવી છે એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. ત્યાં ટ્રેન ઘણા લાંબા સમય સુધી અટવાઈ રહી. ત્યાર બાદ માત્ર ૩૦ સેકન્ડ માટે આગળ વધતી અને પછી ૨૦ મિનિટ કે એથી વધુ સમય સુધી એક જ જગ્યાએ ઊભી રહી જતી હતી. વિક્રોલી પહોંચતાં સુધી આ સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. છેવટે રેલવેતંત્ર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં મુસાફરોને ચાલુ મુસાફરીએ ટ્રેનમાંથી નીચે ન ઊતરવાની સલાહ આપવામાં આવી હતી, કારણ કે એમ કરવું જોખમી સાબિત થઈ શકે એમ હતું. જોકે ટ્રેનવ્યવહાર શા માટે ખોરવાયો છે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરિણામે મુસાફરોમાં ભારે અજંપો અને બેચેની ફેલાઈ ગઈ હતી. આ સમય સુધીમાં ટ્રેન બે કલાક જેટલી મોડી થઈ ચૂકી હતી. બપોરે આશરે ૩.૧૫ વાગ્યે એટલે કે ત્રણ કલાકના વિલંબ બાદ, ટ્રેન માંડ-માંડ કુર્લા સ્ટેશને પહોંચી હતી. ટ્રેન ઊભી રહેતાં જ એક મહિલા ટિકિટ કલેક્ટર (TC) હું જે ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં હતો એમાં ચડી ગઈ હતી. ડબ્બામાં પ્રવેશતાં જ તેણે તમામ મુસાફરો પાસે ટિકિટ અથવા પાસ દેખાડવાની માગણી કરવા માંડી. કલાકોથી અટવાયેલા મુસાફરો આ જોઈને ખૂબ નારાજ થયા હતા. મેં મારો માન્ય પાસ તેને બતાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને સવાલ કર્યો હતો કે જ્યારે સમગ્ર CR તંત્ર પડી ભાંગ્યું છે અને પ્રવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આવા કપરા દિવસે તે ટિકિટ-ચેકિંગ કેમ કરી રહી છે? તેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે હું માત્ર મારું કામ કરી રહી છું, મારે મારી ફરજ તો બજાવવી જ પડેને? મેં તેને કહ્યું કે જો તેને મારો પાસ ચેક કરવો જ હોય તો તે મારી સાથે સાયન સ્ટેશને ઊતરી જાય અને હું નીચે ઊતરી ગયો. ધાર્યા પ્રમાણે તે મારી પાછળ આવી નહીં. રેલવે-પ્રશાસનની પોતાની સંપૂર્ણ ભૂલ હોવા છતાં તેમણે મુસાફરો પ્રત્યે જરાય સંવેદનશીલતા ન દાખવી એ બાબત અત્યંત આક્રોશજનક છે.’ 

mumbai news mumbai central railway mumbai local train kanjurmarg thane kalyan