મુંબઈ: કૅન્સરે પપ્પાનો અને કોરોનાએ દીકરાનો જીવ લઈ લીધો

31 July, 2020 07:09 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ: કૅન્સરે પપ્પાનો અને કોરોનાએ દીકરાનો જીવ લઈ લીધો

કિરીટ ગડા, રોનક ગડા

ડોમ્બિવલી-ઈસ્ટના નવનીત નગરમાં રહેતા ગડાપરિવારમાં એક જ મહિનામાં ઘરના બે સભ્યોનાં મૃત્યુ થતાં તેમને માથે દુઃખનું આભ તૂટી પડ્યું છે. ૫૮ વર્ષનાં કૅન્સર-પીડિત કિરીટ ગડા અવસાન પામ્યાના ૧૫ દિવસ પછી તેમના ૨૭ વર્ષના દીકરા રોનક ગડાને કોરોના થઈ જતાં બુધવારે સાંજે સાડાસાત વાગ્યે તેનું પણ અવસાન થયું હતું. ઘરમાં રોનકની મમ્મી અને તેની બહેન રિદ્ધિ ગડાની આંખોમાં આંસુ ઊભરાઈ રહ્યાં છે. કોરોનાને કારણે રિદ્ધિની જૉબ પણ ચાલી ગઈ છે. રિદ્ધિ અને તેની મમ્મીને માથે અચાનક દુઃખનું આભ તૂટી પડતાં તેઓ અસહ્ય પીડા અનુભવી રહ્યાં છે.

મારા પપ્પા છેલ્લાં ૧૮ વર્ષથી કૅન્સરના પેશન્ટ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એમ કહેતાં તેમની દીકરી રિદ્ધિ ગડાએ રડતાં-રડતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દિવસ અચાનક મારા પપ્પાને શ્વાસ લેવામાં બહુ તકલીફ થતાં પપ્પાને હૉસ્પિટલ લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ પણ મુશ્કેલીથી મળી હતી. પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા તો કોરોનાને કારણે હૉસ્પિટલો પણ ફુલ હતી. કોઈ હૉસ્પિટલ પપ્પાને ઍડ્મિટ કરતી નહોતી અને પ્રાઇવેટ હૉસ્પિટલવાળાએ અમને કહ્યું કે આમને તમે મ્યુનિસિપાલિટી હૉસ્પિટલમાં લઈ જાઓ. અમે પપ્પાને મ્યુનિસિપાલિટીની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ કોરોના-પૉઝિટિવ કેસ ઘણા હતા. પપ્પાને સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા પછી ૧૧ જુલાઈએ તેમનું અવસાન થયું અને અમારે માથેથી પિતાની છત્રછાયા જતી રહી.’

મારા મોટા ભાઈ રોનક ગડાને સંધિવાની તકલીફ હતી અને જે દિવસે પપ્પાને મ્યુનિસિપાલિટીની હૉસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં કોરોનાના કેસ વધુ હતા અને એની અસર મારા ભાઈને પણ થઈ હતી એમ કહેતાં રિદ્ધિએ કહ્યું કે ‘મારા પપ્પાનું અવસાન થયું એના બે દિવસ પછી મારા ભાઈને તાવ આવી ગયો અને તેને કોરોનાનાં લક્ષણ દેખાતાં અમે તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. રોનક કોરોનાની સારવાર લેતો હતો અને હું તથા મારી મમ્મી પાવનધામ સેન્ટરમાં ક્વૉરન્ટીન હતાં. બુધવારે સાંજે કોરોનાને કારણે મારા ભાઈનું મૃત્યુ થયું હોવાના સમાચાર આવ્યા ત્યારે હું અને મારી મમ્મી તૂટી ગયાં. રોનક હંમેશાં બ્લડ ડોનેટ કરતો અને લોકોની હેલ્પ કરવા તત્પર રહેતો. એકદમ ખુશમિજાજ એવા મારા ભાઈની અને મારા પપ્પાની ખોટ અમને બહુ સાલશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown urvi shah-mestry