મુંબઈઃ ઘાટકોપરના 40 ડૉક્ટરની ટીમ દ્વારા કોરોના સામે અભિયાન

25 June, 2020 11:29 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈઃ ઘાટકોપરના 40 ડૉક્ટરની ટીમ દ્વારા કોરોના સામે અભિયાન

પ્રતીકાત્મક તસવીર

હૉસ્પિટલોમાં જ્યારે હાલ જગ્યા ઓછી પડી રહી છે એટલું જ નહીં, પણ જે દર્દીઓને ખરેખર હૉસ્પિટલમાં જ દાખલ કરી સારવાર આપવી પડે છે તેમના માટે બેડ મળી રહે એ માટે જે દર્દીઓ કોરોનાનાં માઇલ્ડ સિમ્પટમ્સ ધરાવતા હોય અને હોમ ક્વૉરન્ટીન રહીને સારવાર લઈ શકે છે તેમના માટે ઘાટકોપરના ૪૦ ડૉક્ટરની ટીમ આજથી કોરોના સામે ખાસ અભિયાન ચલાવવાની છે અને એનું ઉદ્ઘાટન મુંબઈ મહાનગરપાલિકાના એન-વૉર્ડના વૉર્ડ-ઑફિસર અજિતકુમાર આંબી કરવાના છે. કોરોના સામે સેવા આપી આખરે પોતે જ એનો ભોગ બની મૃત્યુ પામનાર ઘાટકોપર ગારોડિયાનગરના ડૉક્ટર જી. બી. શેણોયને આ પ્રોજેક્ટ ડેડિકેટ કરાયો છે. આ પ્રસંગે ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહ સહિત ૧૦ નગરસેવકો અને અન્ય મહાનુભાવો હાજર રહેશે.

આ વિશે માહિતી આપતાં ઘાટકોપર મેડિકલ અસોસિએશનના પ્રેસિડન્ટ ડૉક્ટર વિપુલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્ડિયન મેડિકલ અસોસિએશનની નૉર્થ-ઈસ્ટ બ્રાન્ચના સહયોગમાં જે દર્દીઓને હૉસ્પિટલાઇઝેશનની જરૂર ન હોય એવા કોરોના પેશન્ટને અમે હોમ ક્વૉરન્ટીન થવાની સલાહ આપીશું અને તેમને માત્ર ૨૫૦૦ રૂપિયામાં ૧૪ દિવસ માટેની એક કિટ આપીશું જેમાં પલ્સ ઓક્ઝ‌િમીટર, ડિજિટલ થર્મોમીટર, ૧૪ દિવસની દવાઓ, સૅનિટાઇઝર, માસ્ક અને અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ કરાયો છે જે તેમને ૧૪ દિવસ ચાલશે. ઘાટકોપર, વિદ્યાવિહાર અને વિક્રોલી પાર્કસાઇટ મળી કુલ ૨૦ એરિયામાં ૪૦ ડૉક્ટરો નિયુક્ત કર્યા છે જે દર્દીઓને આ ૧૪ દિવસ દરમિયન ફ્રીમાં કન્સલ્ટેશન આપશે.’

mumbai mumbai news ghatkopar coronavirus covid19 lockdown