ગર્વર્નમેન્ટ ઑફિસો ખુલ્લી રહેશે, લોકલ ટ્રેન દોડતી જ રહેશે: ઉદ્ધવ

18 March, 2020 09:42 AM IST  |  Mumbai | Dharmendra Jore

ગર્વર્નમેન્ટ ઑફિસો ખુલ્લી રહેશે, લોકલ ટ્રેન દોડતી જ રહેશે: ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

રાજ્યમાં કોરોનાનો ફેલાવો કઈ રીતે રોકી શકાય એ સંદર્ભે શું પગલાં લઈ શકાય એ નક્કી કરવા ગઈ કાલે પ્રધાનમંડળની બેઠક મળી હતી જેમાં હાલમાં મંત્રાલયમાં કર્મચારીઓની પાંખી હાજરીના કારણે પહેલાં એવી શક્યતા ચર્ચાઈ હતી કે અઠવડિયા માટે બધી જ સરકારી ઑફિસો બંધ રાખવામાં આવે, પણ એ પછી એ બાબતે મતમતાંતર થતાં વધુ પૅનિક ન ફેલાય એ માટે ઇમર્જન્સી અને મેડિકલ સેવાઓ સિવાયની સરકારી ઑફિસો ચાલુ રાખવી, પણ એમાં ઓછા કર્મચારીઓ સાથે કામ ચલાવવું એમ નક્કી કરાયું હતું. 

પ્રધાનમંડળે બીજો મહત્ત્વનો નિર્ણય એ લીધો હતો કે પ્રાઇવેટ હૉસ્પિટલમાં પણ એની સારવાર થઈ શકે. એ ઉપરાંત હોટેલોમાં કોરોનાના શંકાસ્પદ દરદીઓને ક્વૉરન્ટીન કરવા તેમના ટૅરિફમાં રાહત આપવા જણાવ્યું છે.

સરકારી કર્મચારીઓને રજા મંજૂર નહીં થાય એવી ફરી વળેલી અફવાનું ખંડન કરતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જ્યાં પણ શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ અપાશે. ઓછામાં ઓછા કર્મચારીઓ સાથે હાલમાં કામ ચલાવવા કહેવામાં આવ્યું છે.’

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે લોકલ ટ્રેનો અને બસ સેવા પણ ચાલુ રહેશે, પરંતુ જો લોકો એમાં અતિશય ભીડ કરશે તો ટ્રેન આગળ નહીં વધે, રોકી દેવાશે. લોકેએ જાતે સમજીને જાહેર પરિવહનમાં ભીડ ન કરવી જોઈએ.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કૉર્પોરેટ હાઉસિસના માંધાતાઓ સાથે બેઠક કરી હતી અને શક્ય હોય ત્યાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત તેમણે ફાર્મા, બૅન્કિંગ અને સર્વિસ સેક્ટરને હાલની કટોકટીભરી પરિસ્થિતિમાં સરકારને સહકાર આપવા જણાવ્યું હતું. કંપનીઓએ પણ તેમના સીએસઆર ફન્ડમાંથી સરકારને ક્વૉલિટી માસ્ક, સૅનિટાઇઝર અને વેન્ટિલેટર પૂરાં પાડવાની તૈયારી દાખવી હતી.

coronavirus mumbai news uddhav thackeray dharmendra jore