Mumbai: કોરોનાને કારણે બંધ ભાયખલા ઝૂ 1 નવેમ્બરથી ખુલશે

19 October, 2021 02:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

1 નવેમ્બરથી વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને ભાયખલામાં પ્રાણી સંગ્રહાલય ફરી શરૂ થશે.

તસવીરઃ આશિષ રાજે

કોરોનાના કેસો ઘટવાથી ધીમે ધીમે પ્રતિબંધો હળવા થઈ રહ્યાં છે. 1 નવેમ્બરથી વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને ભાયખલામાં પ્રાણી સંગ્રહાલય ફરી શરૂ થવાની સંભાવના છે.

બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાણીબાગ તરીકે પ્રખ્યાત ભાયખલા ઝૂએ પ્રાણીસંગ્રહાલયને ફરીથી ખોલવા અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તે આગામી મહિને ખોલવામાં આવે તેવી શક્યતા છે કારણ કે 22 ઓક્ટોબર પછી સભાગૃહો અને થિયેટરો પણ લોકો માટે ખુલશે.

ઝૂ ડિરેક્ટર સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અમે BMC અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. ઝૂ 1 નવેમ્બર સુધીમાં ફરી ખોલવામાં આવે તેવી શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે બે પેંગ્વિન અને પક્ષીઓ મુખ્ય આકર્ષણ બની શકે છે.

પ્રાણી સંગ્રહાલય માર્ચ 2020 થી મહામારીને કારણે બંધ થયાના 11 મહિના પછી ફેબ્રુઆરી 2021 માં છેલ્લે ખોલવામાં આવ્યું હતું. જોકે, એક મહિના પછી શહેરમાં બીજી લહેર આવતાં પ્રાણી સંગ્રહાલય ફરી બંધ થઈ ગયું હતું.

નિયમિત દિવસે પ્રાણી સંગ્રહાલયમાં 5,000-6,000 મુલાકાતીઓ આવે છે અને સપ્તાહના અંતે ભીડ ઘણી વખત 15,000 સુધી જાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોવિડ -19 સાવચેતીનાં પગલાંનું પાલન કરતી વખતે ઝૂ કોઈપણ સમયે ખુલી શકે છે. 

આ વર્ષે 1 મે અને 19 ઓગસ્ટના રોજ જન્મેલા બે પેંગ્વિન બચ્ચાઓ સિવાય, મુલાકાતીઓ પ્રથમ વખત શક્તિ અને કરિશ્મા નામના બે રોયલ બંગાળ વાઘની ઝલક પણ મેળવશે, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદના સિદ્ધાર્થ ગાર્ડન અને ઝૂમાંથી લાવવામાં આવ્યા હતા. 

mumbai mumbai news byculla zoo