કાલબાદેવીના બિલ્ડિંગમાં 9 મહિનામાં નવા ચાર ગેરકાયદે મોબાઇલ ટાવર લાગી ગયા

16 November, 2014 05:56 AM IST  | 

કાલબાદેવીના બિલ્ડિંગમાં 9 મહિનામાં નવા ચાર ગેરકાયદે મોબાઇલ ટાવર લાગી ગયા



તળ મુંબઈમાં કાલબાદેવીમાં આવેલા શક્તિ સદન બિલ્ડિંગના રહેવાસીઓ મોબાઇલ ટાવરોમાંથી નીકળતા રેડિયેશનના ભય નીચે જીવી રહ્યા છે, કારણ કે તેમના બિલ્ડિંગ પર છેલ્લા નવ મહિનામાં મોબાઇલ ટાવરોની સંખ્યા એકથી વધીને પાંચ થઈ ગઈ છે. આ વિશે તેમની ચિંતા વ્યક્ત કરવા આ મકાનના રહેવાસીઓએ આ ગેરકાયદે ટાવરો વિશે સુધરાઈની C વૉર્ડની ઑફિસમાં આ વર્ષે અગાઉ ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ પણ વૉર્ડ-ઑફિસ સાથે સંપર્ક ચાલુ રાખ્યો છે. જોકે સત્તાવાળાઓએ આ વિશે પગલાં લેવાનાં હજી બાકી છે.

૮૦ વર્ષ જૂના ચાર માળના શક્તિ સદન પર ૧૫ ઍન્ટેના પણ છે. આ મકાનના ત્રીજા માળે રહેતા પારસમલ રાઠોડે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘પહેલાં બિલ્ડિંગમાં એક જ મોબાઇલ ટાવર હતો. ફેબ્રુઆરી પછી ટાવરની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ હતી. તેથી અમારે ઘણા મોટા પ્રમાણમાં રેડિયેશનનો સામનો કરવો પડે છે. આ ટાવરો લગાડવામાં આવ્યા ત્યારે અગાસીના એક ભાગમાં તડ પડી હતી અને એ ક્ષતિગ્રસ્ત થયો છે.’

મકાનના અન્ય એક રહેવાસીએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ‘ચોમાસામાં મારી સીલિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી. અગાસીનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે ત્યારથી અગાસીમાંથી પાણીનું લીકેજ થાય છે.’

 ૨૦૧૨માં બૉમ્બે હાઈ કોર્ટે મોબાઇલ ટાવરો હટાવવા પર સ્ટે આપ્યો હતો. આ પરિસ્થિતિનો ફાયદો લઈને મોબાઇલ ઑપરેટરોએ મકાનો પર ગેરકાયદે રીતે સુધરાઈની પરવાનગી લીધા વિના ટાવરો લગાડ્યા છે. ગેરકાયદે ટાવરોની સૂચિ દર્શાવતી સુધરાઈની ઑનલાઇન સર્વિસમાં શક્તિ સદન ખાતેના મોબાઇલ ટાવરોને ગેરકાયદે દર્શાવવામાં આવ્યા છે.

૩૦ જાન્યુઆરીએ શક્તિ સદનના રહેવાસીઓએ ફરિયાદ દાખલ કરી હતી. મકાનના રહેવાસી અને ફરિયાદીના વકીલ સુરેશ જૈને કહ્યું હતું કે ‘જો મોબાઇલ ટાવરો વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો નવા ટાવરો કેમ લગાડવામાં આવે છે? ગયા મહિને મોબાઇલ ઑપરેટરોના કર્મચારીઓ આવીને એક નવો ટાવર લગાડી ગયા હતા. એની ફરિયાદ અમે C વૉર્ડની ઑફિસમાં કરી હતી, પરંતુ અધિકારીઓએ આની સામે આંખ આડા કાન કર્યા હતા. અમારી મુખ્ય ચિંતા અગાસી પર પડેલી તડ છે, કારણ કે તેથી બિલ્ડિંગ તૂટી પડે એમ છે.

સુધરાઈ શું કહે છે?

C વૉર્ડનાં વૉર્ડ-ઑફિસર ડૉ. સંગીતા હસનાળેએ આ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મોબાઇલ ટાવરના રેડિયેશન વિશે ઘણી ફરિયાદો છે. મારે આ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે કે નહીં એની તપાસ કરવી પડશે. આ ઉપરાંત શા માટે પગલાં લેવામાં નથી આવ્યાં એની પણ તપાસ કરીશ.’

નિયમો શું છે?

DOTની માર્ગદર્શિકાઓ પ્રમાણે જો એક મોબાઇલ ટાવરના ૧, ૨, ૪ અને ૬ ઍન્ટેના હોય તો ટાવર અને ફ્લૅટ વચ્ચે અનુક્રમે ૨૦ મીટર, ૩૫ મીટર, ૪૫ મીટર અને ૫૫ મીટરનું અંતર રાખવું જરૂરી છે. વધુમાં માર્ગદર્શિકાઓ પ્રમાણે કોઈ પણ બિલ્ડિંગ ઍન્ટેનાને સમાંતર ન હોવું જોઈએ અને ઍન્ટેનાની ઊંચાઈ જમીનને તળિયેથી અથવા અગાસીથી પાંચ મીટર ઊંચી હોવી જોઈએ.

વધુમાં સુધરાઈની મોબાઇલ ટાવર નીતિ મુજબ કંપનીએ ટાવર લગાડતાં પહેલાં ઓછામાં ઓછા ૭૦ ટકા રહેવાસીઓની અનુમતી લેવી જરૂરી છે.