મોટા વ્યાજે ધિરાણ લેતા બિલ્ડરો જગ્યાના ભાવ ઘટાડશે?

09 September, 2012 05:41 AM IST  | 

મોટા વ્યાજે ધિરાણ લેતા બિલ્ડરો જગ્યાના ભાવ ઘટાડશે?



વરુણ સિંહ

મુંબઈ, તા. ૯

મુંબઈમાં ઘર ખરીદવા માગતા લોકો માટે આડકતરી રીતે સારા સમાચાર છે. જે બિલ્ડરો પ્રાઇવેટ લોન લઈને કામ કરે છે તેઓ હવે લોન લેવા કતરાઈ રહ્યા છે, કારણ કે એ માટેનો વ્યાજદર મહિનાનો ત્રણ ટકા લેવાય છે અને એની સામે મૉર્ગે‍જ (ધિરાણ) માટે પણ મોંઘી પ્રૉપર્ટીની ડિમાન્ડ કરવામાં આવે છે.

એ કઈ રીતે ખરીદદારો માટે ફાયદાકારક હોઈ શકે એ બાબતે જણાવતાં એક રિયલ એસ્ટેટ રિસર્ચ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર પંકજ કપૂરે કહ્યું હતું કે ‘બૅન્કોએ ફન્ડિંગ આપવાનું ઓછુ કરી દીધું, ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું થઈ ગયું અને બિલ્ડરો પણ આવાં પગલાં લઈ રહ્યા છે ત્યારે બિલ્ડરો માટે ભાવ ઓછા કરવા સિવાય બીજો પર્યાય બચ્યો નથી. ફ્લૅટ વેચીને રેવેન્યુ જનરેટ કરવી એ સૌથી સહેલો અને સરળ પર્યાય છે, કારણ કે એમાં જોખમ ઓછું હોય છે. હાલ કૅશ-ફ્લો ઓછો છે એટલે હવે ભાવ ઘટે એ આવકારદાયક છે.’

 જોકે હવે એમ જાણવા મળ્યું છે કે ધિરાણ કરાતા લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે. એ વિશે જણાવતાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘બિલ્ડરો હવે પ્રાઇવેટ ધિરાણ લઈ રહ્યા છે ત્યારે ધિરાણ કરનારાએ પણ સાવેચતી લઈ ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે. મહિનાનું ચાર ટકા વ્યાજ પણ માગવામાં આવી રહ્યું છે અને સામે શ્યૉરિટી માટે મોંઘી પ્રૉપર્ટીઓની માગણી કરવામાં આવે છે, જેને કારણે બિલ્ડરોને હવે પહેલાંની જેમ સહેલાઈથી નાણાં મળતાં નથી.’

બિલ્ડરોનું કહેવું છે કે નાણાં મેળવવામાં મુશ્કેલી પડી રહી છે એ વાત સાચી, પણ એને કારણે ભાવ તૂટશે જ એવું નથી. હૅબિટેટ ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મિહિર ધ્રુવે કહ્યું હતું કે ‘હાલ ફન્ડિંગ ઓછું થઈ ગયું છે અને વ્યાજના દર ઊંચા છે ત્યારે બિલ્ડર પાસે બીજો વિકલ્પ પણ નથી. નૉર્મલ પ્રપોઝલ પણ પાસ થતાં ૫૦૦ દિવસ નીકળી જાય છે એટલે અમે જમીન ખરીદીએ છીએ ત્યારથી પ્રપોઝલ પાસ થાય ત્યાં સુધી અમારું તો મીટર ચાલુ જ હોય છે. એથી અમને એટલો વખત ટકી રહેવા ફન્ડની જરૂરિયાત હોય છે જેનું અમને ધિરાણ મળી રહે છે. ભાવ વધુ છે તો અમે શું કરી શકીએ? બાકી ભાવમાં ઘટાડો કરવો એ અમારા માટે યોગ્ય વિકલ્પ નથી.’

નવી મુંબઈના અન્ય એક બિલ્ડરે કહ્યું હતું કે ‘અમને ધિરાણ આપતાં પહેલાં લેન્ડર અમારી પાસે અલૉટમેન્ટ લેટર માગે છે અને પ્રૉપર્ટી પણ જુએ છે. હાલ રિયલ એસ્ટેટમાં મંદી છે. છેલ્લા ઘણા વખતથી પ્રપોઝલ પાસ થતી નથી એને કારણે પણ ધંધાને બહુ જ અસર થઈ છે. જો પ્રપોઝલ પાસ થાયતો વેચાણની સાઇકલ ફરે છે અને ફન્ડ જનરેટ થાય છે જેથી અમારી પણ પરિસ્થિતિ સુધરે છે.’