અમારો જીવ જોખમમાં છે

18 March, 2019 01:06 PM IST  |  મુંબઈ | રોહિત પરીખ

અમારો જીવ જોખમમાં છે

ફરિયાદની કૉપી

કચ્છી જૈન ફાઉન્ડેશન પ્રેરિત કચ્છી વીશા ઓસવાળ જૈન મહાજન, મુંબઈ દ્વારા ડિસેમ્બરથી શરૂ થયેલા કચ્છી સહિયારું અભિયાન અંતર્ગત ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે દાદરના કરસન લધુ નિસર હૉલમાં મેસર્સ રમણીક હસમુખ ઍન્ડ અસોસિએટ્સના તમામ લેણદારોની સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે રમણીક હસમુખ ઍન્ડ અસોસિએટ્સના હસમુખ ગોગરી અને દિલેશ વીરાના ઍડ્વોકેટ તરફથી હસમુખ ગોગરી અને દિલેશ વીરા આ મીટિંગમાં જશે તો અમુક લોકો તેમની મારપીટ કરશે અને તેમનો જીવ જોખમ હોવાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, પોલીસ-કમિશનર, શિવાજી પાર્ક પોલીસ અને હૉલના મૅનેજમેન્ટને નોટિસ મોકલીને ફરિયાદ કરવામાં આવી છે. જોકે કોર કમિટી કહે છે કે અમારી મીટિંગમાં આવનારા બધા જ સુરક્ષિત રહેશે.

શાંતિપૂર્ણ અભિયાન

ડિસેમ્બર મહિનાથી અમે અમારા અભિયાન અંતર્ગત સમાજના લોકોના સમાજના જ લોકો પાસે ફસાયેલા પાંચ હજાર કરોડ રૂપિયા પાછા મેળવી આપવા પ્રયત્નશીલ બન્યા છે એમ જણાવીને કચ્છી સહિયારું અભિયાનની કોર કમિટીના સક્રિય કાર્યકર દીપક ભેદાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા જ સમાજના લોકોની અમારા જ સમાજના લોકો પાસે ફસાયેલી પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ પાછી મળી જાય એ માટે જે લોકો પાસે પૈસા ફસાયેલા છે તેમની સાથે શાંતિથી અને સમાધાનપૂર્વકની નીતિ અપનાવીને જે લોકોના પૈસા ફસાયા છે તેમને મુદ્દલ અને વ્યાજ અપાવવા માટે સક્રિય બન્યા છીએ. અમે આ માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવાનો નર્ણિય લીધો હતો. જોકે જે લોકો પાસે અત્યારે પૈૈસા અટક્યા છે તેઓ અમારી સમક્ષ તેમની આર્થિક પરિસ્થિતિની જાણકારી સાથે-સાથે તેઓ કેવી રીતે લોકોના પૈસા પાછા આપશે એ પ્લાન લાવીને વણસી રહેલા સંજોગોમાંથી માર્ગ કાઢીને જે લોકોની જીવનભરની પૂંજી દાવ પર લાગી છે તેમને રાહત આપવા આગળ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણથી ચાર પાર્ટીએ તેમના લેણદારોની રકમ પાછી આપવાની શરૂઆત કરી દીધી છે.’

બ્રોકરોની ડરની ફરિયાદ

રમણીક હસમુખ ઍન્ડ અસોસિએટ્સના હસમુખ ગોગરી અને દિલેશ વીરા સાથે પણ અનેક મીટિંગો કર્યા બાદ અમને લાગ્યું કે હવે તેમની મીટિંગ લેણદારો સાથે કરાવવી જરૂરી છે એટલે અમે આજે દાદરમાં લેણદારો અને દેણદારોની એક સંયુક્ત મીટિંગનું આયોજન કર્યું હતું એમ જણાવીને દીપક ભેદાએ કહ્યું હતું કે ‘જોકે અમારી આ મીટિંગમાં હાજર રહીને તેમના લેણદારોને સાંત્વન આપીને તેમની પાસેથી લીધેલા પૈસા તેઓ કેવી રીતે પાછા વાળશે એની રજૂઆત કરવાને બદલે રમણીક હસમુખ ઍન્ડ અસોસિએટ્સના હસમુખ ગોગરી અને દિલેશ વીરાએ તેમનો જાન જોખમ હોવાની ફરિયાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પોલીસ-કમિશનર, શિવાજી પાર્ક પોલીસ અને કરસન લધુ નિસર હૉલના મૅનેજમેન્ટ સમક્ષ કરી હતી. તેમના ઍડ્વોકેટ વિજય વાઘેલાએ આ નોટિસમાં જણાવ્યું છે કે મારા અસીલો સંયુક્ત મીટિંગમાં ઍમ્બ્યુલન્સ લઈને હાજર થશે, તેમને પોલીસ-પ્રોટેક્શન આપવાની જરૂર છે, આજની મીટિંગમાં તેમની મારપીટ થઈ શકે છે અથવા તેમનું અપહરણ થઈ શકે છે તેમ જ જમા થયેલા લેણદારો તેમને મારી નાખી પણ શકે છે. જોકે આ બન્ને બ્રોકરોના આ ડર વાહિયાત છે. તેમને અમારી કોર કમિટી પર વિશ્વાસ હોવો જરૂરી છે. આમ છતાં તેઓ ડરના માર્યા મીટિંગમાં નહીં આવે તો પણ અમારી મીટિંગ આજે એના નર્ધિારિત સમયે અને સ્થળે થશે જ.’

વિશ્વાસની પરંપરા તૂટી

રમણીક હસમુખ ઍન્ડ અસોસિએટ્સના હસમુખ ગોગરી અને દિલેશ વીરા બન્ને બ્રોકરોએ અમારા સમાજના લોકો પાસેથી બ્રોકરેજના વીસ પૈસાની સાથે બીજા પચીસ પૈસા ઇન્શ્યૉરન્સના લીધા હતા, એટલે કે જો તેઓ જ્યાં પૈસાનું રોકાણ કરશે એ પાર્ટી પૈસા પાછા નહીં આપે તો આ બન્ને બ્રોકરો લેણદારોને પૈસા પાછા આપશે એવી જાણકારી આપતાં દીપક ભેદાએ કહ્યું હતું કે ‘અમારા સમાજમાં ૭૫ વર્ષથી સમાજના લોકોમાં અરસપરસ રહેલા અતૂટ વિશ્વાસને કારણે પૈસાની લેવડદેવડનો વ્યવહાર ચાલી રહ્યો હતો. જોકે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આ વિશ્વાસમાં ઓટ આવી છે. જે લોકોના પૈસા ફસાયા છે તેઓ પણ અત્યારે અત્યંત મુશ્કેલીજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક લોકો તેમના પૈસા ફસાવાથી આર્થિક મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે. લોકોની પાસે મોટા દર્દની દવા કરવા માટે પૈસા નથી. તેઓ તેમના દેણદારોના ભરોસા પર છે. આ સમયે અમારું મહાજન સમાજની દાયદાઓ પહેલાંની પરંપરા ટકી રહે અને સમાજમાં એકબીજા માટે રહેલો વિશ્વાસ અતૂટ બની રહે એ ઉદ્દેશથી અભિયાન ચલાવી રહ્યું છે જે કોઈ પણ સંજોગોમાં હવે અટકશે નહીં. અમે પણ કાયદાકીય લડત આપવા માટે કટિબદ્ધ છીએ. બાકી અમારી મીટિંગમાં આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે મારપીટ કરવામાં આવશે નહીં અને બધા જ સુરક્ષિત રહેશે.’

આ પણ વાંચોઃ મુંબઈઃ જૈન સિનિયર સિટિઝનનું અનોખું અંતિમ દાન

બ્રોકર શું કહે છે?

આજની મીટિંગમાં તમને કોનો ડર છે, શું કચ્છી સહિયારું અભિયાનની કોર કમિટીના કાર્યકરો આટલી હદે નીચે ઊતરી ગયા છે કે તમને કોઈ મારી નાખશે એવો ડર લાગે છે એ બાબતનો જવાબ આપતાં રમણીક હસમુખ ઍન્ડ અસોસિએટ્સના હસમુખ ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ કોર કમિટી સામે નથી. અમારી ફરિયાદ જેની સામે છે તેમનાં નામો અમે નોટિસમાં લખેલાં છે. અત્યારે અમે અન્ય કાયદાકીય લડતની તૈયારી કરવામાં બિઝી હોવાથી લાંબી વાત થઈ શકે એમ નથી. અમારે જે કહેવું છે એ અમે અમારી નોટિસમાં કહી દીધું છે. તમે એ વાંચી લો.’

આમ કહીને હસમુખ ગોગરીએ ફોન મૂકી દીધો હતો.

mumbai news devendra fadnavis