20 February, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મલાડ-ઈસ્ટના કુરાર પોલીસ-સ્ટેશનમાં ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજીવ તાવડે અને એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓને ૨૩ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
સબ-ઇન્સ્પેક્ટર અને સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તાવડેએ ફરિયાદી વકીલ સામે કેસ નોંધવા માટે ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી. કેસ નોંધતી વખતે પોલીસ-અધિકારીએ બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી. જોકે બાકીના એક લાખ રૂપિયા લેતી વખતે ACBની ટીમે બન્ને પોલીસ-અધિકારીઓને રંગેહાથ પકડી લીધા હતા. તપાસ દરમ્યાન આ પોલીસ-અધિકારીઓની કૅબિનમાંથી લાખોની રોકડ પણ મળી આવી હતી.
ફરિયાદી સામે છેતરપિંડી અને જાતીય સતામણીનો કેસ નોંધવા બદલ પોલીસે ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી. બુધવારે હાથ ધરાયેલા સ્ટિંગ-ઑપરેશનમાં એક લાખ રૂપિયા સ્વીકારતાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે પોલીસ-અધિકારીની કૅબિનમાંથી ૬ લાખ ૩૪ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. લાંચ લેતી વખતે રંગેહાથ પકડાયા બાદ કૅબિનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.