મુંબઈ જતી ટ્રેનના પ્રવાસીઓ લૂંટાયા: છની ધરપકડ, બે સગીરની અટકાયત થ​ઈ

08 December, 2022 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેન થાણે જિલ્લામાં કલ્યાણ રેલવે સ્ટેશન પહોંચી એ સાથે પોલીસે બાતમીના આધારે કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રનાં કસારા અને કલ્યાણ રેલવે સ્ટેશનોની વચ્ચે એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને ચાકુની અણીએ લૂંટવા બદલ પોલીસે છ જણની ધરપકડ અને બે સગીરોની અટકાયત કરી હોવાનું એક  પોલીસ  અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ ઘટના મુંબઈ જતી દેવગિરિ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી.

કલ્યાણમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ધાગેએ જણાવ્યું હતું કે ‘ટ્રેન મુંબઈ જવા માટે કસારા રેલવે સ્ટેશનથી ઊપડી ત્યારે કેટલાક શખ્સો બે બોગીમાં પ્રવેશ્યા હતા અને ચાકુની અણીએ પૅસેન્જરોને લૂંટી લીધા હતા. આ ઘટનાક્રમ દોઢેક કલાક ચાલ્યો હતો. એ દરમિયાન અન્ય કેટલાક પૅસેન્જરોએ રેલવે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.’

ટ્રેન થાણે જિલ્લામાં કલ્યાણ રેલવે સ્ટેશન પહોંચી એ સાથે પોલીસે બાતમીના આધારે કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય આરોપીઓને થાણે અને દાદર રેલવે સ્ટેશનની વચ્ચે પકડી લેવાયા હતા.

લૂંટનો ભોગ બનેલા પૅસેન્જરો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દાદરમાં ચૈત્યભૂમિની મુલાકાત લેવા માટે નાંદેડથી મુંબઈ જઈ રહ્યા હતા. છ આરોપીઓ ઔરંગાબાદના છે અને તેમની વય ૧૯થી ૨૬ વર્ષની છે. આ ઘટનામાં બે સગીરની પણ અટકાયત કરાઈ હતી.

આ મામલે આઇપીસીની સુસંગત કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો. આરોપીઓને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ તેમને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

mumbai mumbai news