ડૂબતી મહિલાને બચાવવા માટે પોલીસે લગાવી નદીમાં છલાંગ

31 July, 2020 01:42 PM IST  |  Mumbai | Mumbai correspondent

ડૂબતી મહિલાને બચાવવા માટે પોલીસે લગાવી નદીમાં છલાંગ

યુવતીને બચાવનાર કૉન્સ્ટેબલ અભિમાન મોરે.

દહિસરમાં રહેતી બાવીસ વર્ષની મહિલાએ બુધવારે બોરીવલી નજીક આવેલા નૅશનલ પાર્ક પાસેની ૩૦ ફુટ ઊંડી નદીમાં છલાંગ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને આ રીતે છલાંગ મારતાં એક યુવકે જોઈ અને તેણે પોલીસને જાણ કરી હતી. પાંચ મિનિટ બાદ આવેલા પોલીસે ૩૦ ફુટ ઊંડી નદીમાં કૂદકો મારીને મહિલાને બચાવી લીધી હતી.

ઘટના અનુસાર પોલીસ પૅટ્રોલિંગ વાહનમાં બુધવારે સવારે ૧૨ વાગ્યે કૉલ આવ્યો હતો કે એક યુવતીએ નૅશનલ પાર્ક પાસેની નદીમાં આત્મહત્યા કરવા માટે કૂદકો માર્યો છે. પૅટ્રોલિંગ વાહનના પોલીસ અધિકારી અભિમાન મોરેએ તરત ઘટનાસ્થળે જઈ ૩૦ ફુટ ઊંડી નદીમાં છલાંગ મારી હતી અને યુવતીને સુખરૂપ બહાર કાઢી હતી. આમ તે તારણહાર બન્યો હતો.

આ બાબતે કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારી અભિમાન મોરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસ પૅટ્રોલિંગ વાહનમાં કૉલ આવતાં અમે તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોયું તો લોકો મહિલાને જોઈ રહ્યા હતા, પણ કોઈ તેને બચાવી નહોતું રહ્યું. મેં નદીમાં ઝંપલાવીને યુવતીને ઉગારી હતી. હાલમાં યુવતી દહિસરની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તપાસમાં ખબર પડી હતી કે તે દહિસરના રાવલપાડા વિસ્તારમાં રહે છે અને તેના પતિનું ૨૦ દિવસ પહેલાં કોરોનામાં મૃત્યુ થયું હોવાથી તેણે આવું અંતિમ પગલું ભર્યું હતું.’

mumbai mumbai news borivali dahisar mumbai police