નવી આવનારી ૭૦ બૉમ્બાર્ડિયર લોકલમાં ઑટોમૅટિક સ્લાઇડિંગ ડોર્સ લગાવી શકાય?

05 October, 2014 05:29 AM IST  | 

નવી આવનારી ૭૦ બૉમ્બાર્ડિયર લોકલમાં ઑટોમૅટિક સ્લાઇડિંગ ડોર્સ લગાવી શકાય?



મુંબઈની લોકલ ટ્રેનના પૅસેન્જરોની સુરક્ષા માટે રેલવેએ નવી આવનારી લોકલ ટ્રેનોમાં ઑટોમૅટિક સ્લાઇડિંગ ડોર્સની સુવિધાનો નિર્ણય લીધો છે, પરંતુ ૨૦૧૬ સુધીમાં મુંબઈને મળનારી નવી ૭૨ બૉમ્બાર્ડિયર ટ્રેનોમાં આ સુવિધા નહીં હોય, કેમ કે આ ૭૨ ટ્રેનોનો ઑર્ડર અગાઉથી જ આપવામાં આવ્યો છે અને આવી બે ટ્રેનો આવી ગયા બાદ એનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. રેલવેએ આ નિર્ણય લીધા બાદ હવે અધિકારીઓમાં ચર્ચા ચાલી છે કે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં આવી ૭૦ ટ્રેનોનું પ્રોડક્શન હજી બાકી છે એથી ઑર્ડરમાં ફેરફાર કરીને ઑટોમૅટિક સ્લાઇડિંગ ડોર્સની સુવિધા બાબતે નવેસરથી ઑર્ડર આપી શકાય કે કેમ?

આ વિશે કેટલાક અધિકારીઓનું માનવું છે કે ૭૨ બૉમ્બાર્ડિયર લોકલ ટ્રેનોનો પ્રોજેક્ટ પાસ કરાવવામાં અને એની ડિઝાઇન તૈયાર કરવામાં વિલંબ થયો છે અને હજી ખરેખર ટ્રેનો આવતાં બે વર્ષ નીકળી જવાનાં છે. હવે જો આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવે અને એને પાસ કરાવાય તેમ જ ઑર્ડરમાં ફેરફાર કરવામાં આવે તો આ પ્રોજેક્ટ વધુ વિલંબમાં મુકાશે અને મુંબઈગરાઓને ટ્રેનો મળવામાં વધુ વિલંબ થશે. આ ઉપરાંત આવી ટ્રેનોની કૉસ્ટમાં પણ વધારો થાય. એથી હાલનાં ટેન્ડરો કૅન્સલ કરીને નવેસરથી ટેન્ડરો બહાર પાડવાં પડે અને કાનૂની ગૂંચ પણ ઊભી થઈ શકે છે.