20 December, 2024 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બોટની દુર્ઘટનામાં નેવીની બોટનો જે વિડિયો સોશ્યલ મીડિયામાં અને ન્યુઝ-ચૅનલો પર દેખાડવામાં આવી રહ્યો છે એ અમદાવાદના શ્રવણ ચૌધરીએ પાડ્યો હતો. શ્રવણ મુંબઈ આવ્યો હતો અને સાકીનાકામાં રહેતા અને ફર્નિચરના બિઝનેસ સાથે સંકળાયેલા બાવીસ વર્ષના સંબંધી નાથાલાલ ચૌધરી સાથે એલિફન્ટા ફરવા ગયો હતો. શ્રવણે જોયું કે એક સ્પીડબોટે તેમની બોટની આજુબાજુથી ૪ ચક્કર માર્યાં ત્યારે કુતૂહલવશ તેણે એ સ્પીડબોટનો વિડિયો મોબાઇલમાં લેવાનું શરૂ કર્યું હતું. એ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે નેવીની સ્પીડબોટે પહેલાં રાઇટ ટર્ન લીધો, પછી લેફ્ટ ટર્ન લઈને સીધી તેમની સામે આવીને બોટને ટક્કર મારે છે. બોટને ટક્કર લાગ્યા બાદ બોટ પરના ટૂરિસ્ટો દરિયામાં પટકાયા હતા. મોટા ભાગના ટૂરિસ્ટોએ લાઇફ-જૅકેટ નહોતાં પહેર્યાં. નાથાલાલ ચૌધરીએ કરેલી ફરિયાદના આધારે કોલાબા પોલીસ-સ્ટેશનમાં આ બોટ-દુર્ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે.