Mumbai: BESTની ભંગાર બસોમાંથી બનશે આર્ટ ગેલેરી, શું છે બીએમસીનો નવો પ્રોજકેટ?

11 December, 2023 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: બીએમસી BESTની લગભગ પાંચ સ્ક્રેપ બસોને પુસ્તકાલયો અને આર્ટ ગેલેરીઓમાં રૂપાંતરિત કરવા જઈ રહી છે. એક બસ જેજે સિગ્નલ પર પાર્ક કરવામાં આવશે.

BEST બસની ફાઇલ તસવીર

Mumbai: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા હવે એક નવો જ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. બીએમસી હવે લોકોનું ધ્યાન કલા અને પુસ્તકો તરફ દોરવાનો પ્રયાસ કરી રહી હોય એમ જણાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિવિક બોડી શહેરના રસ્તાઓ પર મોબાઈલ આર્ટ ગેલેરી અને પુસ્તકાલયોની શરૂઆત કરવા જઈ રહી છે.

હજી સંબંધિત સત્તાવાળાઓ પાસેથી મંજૂરી મળવાની બાકી છે. સિવિક બોડી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની લગભગ પાંચ સ્ક્રેપ બસોને પુસ્તકાલયો અને આર્ટ ગેલેરીઓમાં રૂપાંતરિત કરવા જઈ રહી છે. એક બસ મુંબઈ (Mumbai)ના જેજે સિગ્નલ પર પાર્ક કરવામાં આવશે, અને અન્ય ચાર બસો પાર્ક કરવા માટેની જગ્યાઓ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

પાલક મંત્રી દીપક કેસરકર દ્વારા આ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સિવિક બોડી દ્વારા હવે સિંગલ અને ડબલ ડેકર બસોને લાઇબ્રેરી અને આર્ટ ગેલેરીમાં ફેરવવામાં આવશે. એટલું જ નહીં બસોને રેટ્રોફિટીંગ કર્યા બાદ શહેરના A અને B વોર્ડમાં વિવિધ સ્થળોએ ટ્રાયલ ધોરણે મુકવામાં પણ આવશે.

BEST  હવે પોતાની કેટલીક બિનઉપયોગી અને નકામી ડબલ-ડેકર બસો બીએમસીને આપી દેશે. આ બસોમાં આર્ટ ગેલેરી અને લાઈબ્રેરીઓ તૈયાર કરવામાં આવશે. હવે, આવા પ્રયાસોથી નવા કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવાની તક પણ મળી શકશે. આર્ટ પ્રદર્શન કરતી બસો શહેરના મુખ્ય વિસ્તારોમાં મૂકવામાં આવશે.

કલાકારોની સાથે સાથે જ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુંબઈ (Mumbai)માં કામ કરતી મહિલાઓ અને ગૃહિણીઓનું તેમના સ્વાસ્થ્ય તરફ ધ્યાન દોરવાનો છે. સ્ત્રીઓ મોટેભાગે તેમની વ્યસ્ત દિનચર્યા વચ્ચે તેમના શારીરિક સ્વાસ્થ્યની અવગણના કરતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવનાર બસો શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મૂકવામાં આવશે.

અગાઉ નવેમ્બરમાં BMC આ સંદર્ભે જણાવ્યું હતું કે તે ભંગાર અને જૂની થઈ ગયેલી બસોને બસોને મહિલાઓ માટે મોબાઈલ ટોઈલેટમાં પરિવર્તિત કરશે. જેને બીએમસીએ ‘મહિલાસાથી સ્વચ્છતાગૃહ’ અથવા પિંક યુટિલિટી સેન્ટર એવું નામ પણ આપ્યું હતું. આવાં બેનર હેઠળ બેસ્ટની બસો કોર્પોરેટ સામાજિક જવાબદારી યોજના દ્વારા ખરીદવામાં આવી રહી છે જેમાં ભાયખલા સ્ટેશનની બાજુમાં પ્રથમ ઉપયોગિતા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

હવે મુંબઈ (Mumbai)ના નાગરિકોને કલા અને પુસ્તકો તરફ વાળવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) શહેરની શેરીઓમાં મોબાઈલ આર્ટ ગેલેરી અને પુસ્તકાલયો તૈયાર કરીને ઉત્તમ ઉદાહહરણ પૂરું પાડશે. જોકે, આ પ્રકારની બસો શહેરમાં કયા સ્થાનો પર મૂકવામાં આવશે એ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર એક બસ જેજે સિગ્નલ પાસે ઊભી રહેશે એમ નક્કી કરવામાં આવ્યું છે.

brihanmumbai electricity supply and transport brihanmumbai municipal corporation mumbai news mumbai