મુંબઈ: ઑક્ટ્રૉયના વળતરથી બીએમસીને થઈ રાહત

09 October, 2020 10:36 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: ઑક્ટ્રૉયના વળતરથી બીએમસીને થઈ રાહત

દહિસર પાસે આવેલું જકાતનાકું. તસવીર : સતેજ શિંદે

એક વખતમાં મુંબઈ મહાનગરપાલિકાની નાણાકીય સુરક્ષા માટે હાનિકારક ગણવામાં આવેલી ઑક્ટ્રૉય હવે કોરોનાની કટોકટીના કાળમાં રાહતરૂપ બનશે. મહારાષ્ટ્ર સરકારે વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં ઑક્ટ્રોય કૉમ્પેન્સેશન રૂપે મુંબઈ મહાનગરપાલિકાને ૫૭૦૮ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ઑક્ટ્રૉય સામે માસિક વળતર-મન્થ્લી કૉમ્પેન્સેશનની રકમ ૨૦૧૭માં ૬૪૭.૩૪ કરોડ રૂપિયા હતી. એમાં દર વર્ષે આઠ ટકાનો વધારો થતો રહ્યો છે. બજેટ એસ્ટિમેટ પ્રમાણે ઑક્ટ્રૉય કૉમ્પેન્સેશનની આ વર્ષની કુલ રકમ ૯૭૯૯ કરોડ રૂપિયા થાય છે. એમાંથી સાત મહિનાના ૫૭૦૮.૨૨ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને ચૂકવાયા છે.

ઑક્ટ્રૉય કૉમ્પેન્સેશનની એકંદર રકમ મુંબઈ મહાનગરપાલિકાની કુલ આવકનો એક તૃતીયાંશ હિસ્સો હતી. ઑક્ટ્રૉય કલેક્શન, પ્રૉપર્ટી ટૅક્સ અને ડેવલપમેન્ટ ચાર્જિસ એમ ત્રણ બાબતો મુંબઈ મહાનગરપાલિકાની આવકના મુખ્ય સાધનરૂપ છે, પરંતુ ૨૦૧૭ના જુલાઈ મહિનામાં જીએસટી લાગુ થયા પછી ઑક્ટ્રૉય નાબૂદ કરવામાં આવતાં મુંબઈ મહાનગરપાલિકાએ આવકનું મુખ્ય સાધન ગુમાવ્યું હતું.

જીએસટી લાગુ કરતી વેળા રાજ્ય સરકારે ઑક્ટ્રૉયનું નુકસાન ભરપાઈ કરવાની ખાતરી આપી હતી. રાજ્ય સરકારે નિશ્ચિત રકમ અને પાંચ વર્ષ સુધી દર વર્ષે એ નિશ્ચિત રકમમાં આઠ ટકા વૃદ્ધિની બાંયધરી આપી હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાના અમલદારોના મનમાં નાણાકીય સુરક્ષા વિશે આશંકાઓ હતી, કારણ કે ઑક્ટ્રૉય ચોક્કસ પ્રકારની રોકડ આવક હતી અને હવે કૉમ્પેન્સેશનની આવક માટે રાજ્ય સરકાર પર આધાર રાખવો પડે છે. જોકે ૨૦૨૦માં ઑક્ટ્રૉયની આવકમાં ઘટના બદલામાં વળતર-કૉમ્પેન્સેશન પાલિકા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. લૉકડાઉનમાં માલસામાનની હેરફેર નિયંત્રિત થઈ હોવાથી ઑક્ટ્રૉયની આવક પર અસર થવાની પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ કૉમ્પેન્સેશનની રકમ નિર્ધારિત હોવાથી મુંબઈ મહાનગરપાલિકાને દર મહિને ૮૧૫.૪૬ કરોડ રૂપિયા નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus prajakta kasale